નમ્ર નિવેદન

વિશ્વ સાહિત્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે. એ સાક્ષાત ભગવાનના શ્રીમુખથી નીકળેલી પરમ રહસ્યમયી દિવ્ય વાણી છે. એમાં સ્વયં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રના કલ્યાણને માટે ઉપદેશ આપ્યો છે. આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હ્રદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે, જેમનો આજ સુધી કોઇ પાર નથી પામી શક્યું અને ન પામી શકે છે.

અમારા પરમશ્રદ્ધેય સ્વામીજી શ્રીરામસુખદાસજી મહારાજે આ અગાધ ગીતાસાગરમાં ઊંડા ઊતરીને અનેક ગુહ્યતમ અમૂલ્ય રત્નો શોધી કાઢ્યાં છે, જેમને એમણે આ “સાધક સંજીવની” ટીકાના માધ્યમથી સાધકોના કલ્યાણાર્થે ઉદાર હ્રદયથી વિતરિત કર્યાં છે. ગીતાની આ ટીકા અમને અમારી ધારણા પ્રમાણે બીજી ટીકાઓની અપેક્ષાએ બહુ જ વિલક્ષણ પ્રતીત થાય છે. અમારું ગીતાની બીજી બધી ટીકાઓનું એટલું અધ્યયન નથી, તોપણ આ ટીકામાં અમને અનેક શ્લોકોના ભાવ નવા અને વિલક્ષણ લાગ્યા. જેમકે – પહેલા અધ્યાયનો 10મો, 19મો, 22મો અને 25મો શ્લોક; બીજા અધ્યાયનો 39મો અને 40મો શ્લોક; ત્રીજા અધ્યાયનો 3જો, 10મો, 12મો, 13મો, અને 43મો શ્લોક; ચોથા અધ્યાયનો 18મો અને 38મો શ્લોક; પાંચમા અધ્યાયનો 13મો અને 14મો શ્લોક; છઠ્ઠા અધ્યાયનો 20મો અને 38મો શ્લોક; સાતમા અધ્યાયનો 5મો અને 19મો શ્લોક; આઠમા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક; નવમા અધ્યાયનો 3જો અને 31મો શ્લોક; દસમા અધ્યાયનો 41મો શ્લોક; અગિયારમા અધ્યાયનો 26મો, 27મો, 45મો અને 46મો શ્લોક; બારમા અધ્યાયનો 12મો શ્લોક; તેરમા અધ્યાયનો 1લો, 19મો, 20મો, અને 21મો શ્લોક; ચૌદમા અધ્યાયનો 3જો, 12મો, 17મો અને 22મો શ્લોક; પંદરમા અધ્યાયનો 7મો અને 11મો શ્લોક; સોળમા અધ્યાયનો 5મો અને 20મો શ્લોક; સત્તરમા અધ્યાયનો 7મો, 8મો, 9મો અને 10મો શ્લોક; અઢારમા અધ્યાયનો 37મો અને 73મો શ્લોક વગેરે વગેરે. જો વાચક ગંભીરતાથી અધ્યયન કરે તો તેને બીજા પણ કેટલાય શ્લોકોમાં આંશિક નવાનવા ભાવો મળી શકે છે.

વર્તમાન સમયમાં સાધનનું તત્વ સરળતાપૂર્વક બતાવવાવાળા ગ્રંથોનો ઘણું કરીને અભાવ જેવું જણાય છે, જેથી સાધકોને સાચા માર્ગદર્શન વિના ઘણી જ મુશ્કેલી પડે છે. એવી સ્થિતિમાં પરમાત્મપ્રાપ્તિના અનેક સરળ ઉપાયોથી યુક્ત, સાધકોને ઉપયોગી એવી અનેક વિશષ અને માર્મિક વાતોથી અલંકૃત થયેલ તથા બહુ જ સરળ અને સુબોધ ભાષાશૈલીમાં લખાયેલ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

પરમશ્રદ્ધેય સ્વામીજીએ ગીતાની આ ટીકા કોઇ દાર્શનિક વિચારની દ્રષ્ટિએ અથવા પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે નથી લખી, પરંતુ સાધકોનું હિત કેવી રીતે થાય – એ દ્રષ્ટિએ લખી છે. પરમશાંતિની પ્રાપ્તિ ઇચ્છવાવાળા પ્રત્યેક સાધકને માટે, ચાહે તે કોઇ પણ દેશ, વેશ, ભાષા, મત, સંપ્રદાય વગેરેનો કેમ ન હોય, આ ટીકા મરેલાને સંજીવની બુટ્ટીની સમાન છે. આ ટીકાનું અધ્યયન કરવાથી હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, મુસલમાન વગેરે બધા જ ધર્મોના અનુયાયીઓને પોતપોતાના મત અનુસાર જ ઉદ્ધારના ઉપાયો મળી જશે. આ ટીકામાં સાધકોને પોતાના ઉદ્દેશ્યની સિદ્ધિને માટે પૂરી સામગ્રી મળશે.

પરમશાંતિની પ્રાપ્તિનાં ઇચ્છુક સઘળાં ભાઇબહેનોને વિનમ્ર નિવેદન છે કે તેઓ આ ગ્રંથરત્નને અવશ્ય જ મનોયોગ્યપૂર્વક વાંચે, સમજે અને યથાસાધ્ય આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાની “સાધક સંજીવની” ટીકા સર્વ પ્રથમ સંવત 2042માં હિન્દી ભાષામાં પ્રકાશિત કરી હતી. પ્રમશ્રદ્ધેય સ્વામીજીએ તેમાં આવશ્યક સંશોધન (પરિવર્તન અને પરિવર્ધન) કરીને ગ્રંથને વધુ પરિષ્કૃત બનાવી દીધો છે. અત્યાર સુધીમાં તેનું નવ વાર પુનર્મુદ્રણ થયું છે (હાલમાં સંવત ૨૦૪૮ છે) – એ જ તેના સ્વીકારનો વાજબી માપદંડ છે. ગીતાપ્રેસની ગીતાનો ગુજરાતીમાં સારો પ્રચાર થયો છે. ગુજરાતીની જનેતા હિન્દી ટીકાનું ગુજરાતી ભાષાંતર વધુ આવકારાશે એ દ્રષ્ટિએ સંશોધિત આવૃતિનો આ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે. આશા છે કે ગુજરાતી ભાવુકો આ ટીકાને સમજવા અને સમજાવવા પ્રયત્ન કરી એનો મહત્તમ લાભ લેશે.
 
ગીતા જયંતી, સંવત 2049
- પ્રકાશક ગોવિંદભવન કાર્યાલય, ગીતાપ્રસ, ગોરખપુર