અધ્યાય ૦૧ - શ્લોક ૨૧-૨૨

મૂળ શ્લોક: 

अर्जुन उवाच
सेनायोरुभयोर्मध्ये रथं स्थापय मेङच्युत ॥ २१ ॥
यावदेतान्निरीक्षेङहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणमुद्यमे ॥ २२ ॥

શ્લોક ભાવાર્થ: 

અર્જુન બોલ્યા - હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધી હું યુદ્ધભૂમિમાં ઊભા રહેલા આ યુદ્ધની ઇચ્છાવાળાઓને જોઇ ન લઉં કે આ યુદ્ધ રૂપી ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अच्युत सेनयोरुभयोर्मध्ये रथं स्थापय' - બન્ને સેનાઓ જ્યાં યુદ્ધ કરવાને માટે એકબીજાની સામે ઊભી હતી, ત્યાં એ બન્ને સેના વચ્ચે એટલું અંતર હતું, જેથી એક સેના બીજી સેના ઉપર બાણ વગેરે મારી શકે. એ બન્ને સેનાઓનો મધ્યભાગ બે દ્રષ્ટિએ મધ્યમાં હતો - (૧) સેનાઓ જેટલી પહોળી ઊભી હતી, એ પહોળાઈનો મધ્યભાગ અને (૨) બન્ને સેનાઓનો મધ્યભાગ, જ્યાંથી કૌરવસેના જેટલી દૂર ઊભી હતી. એવા મધ્યભાગમાં રથ ઊભો રાખવા માટે અર્જુન ભગવાનને કહે છે, જ્યાંથી બન્ને સેનાઓને સહેલાઈથી જોઇ શકાય.
 
'सेनयोरुभयोर्मध्ये' પદ ગીતામાં ત્રણ વાર આવ્યું છે - અહીં આ જ અધ્યાયના ચોવીસમા શ્લોકમાં અને બીજા અધ્યાયના દસમા શ્લોકમાં. ત્રણવાર આવવાનું તાત્પર્ય એ છે કે પહેલાં અર્જુન બહાદૂરીથી પોતાનો રથ બન્ને સેનાઓની મધ્યમાં ઊભો રાખવાની આજ્ઞા આપે છે (અ. ૧/૨૧), પછી ભગવાન બન્ને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખીને કુરુવંશીઓને જોવાને માટે કહે છે (અ. ૧/૨૪) અને અંતે તેઓ બન્ને સેનાઓની વચમાં જ વિષાદમગ્ન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે (અ. ૨/૧૦). આ રીતે પહેલાં અર્જુનમાં બહાદૂરી હતી, વચમાં કુટુંબીઓને જોઇને મોહને કારણે એમની યુદ્ધથી ઉદાસીનતા થઇ ગઇ અને અંતમાં એમને ભગવાન દ્વારા ગીતાનો મહાન ઉપદેશ મળ્યો, જેથી એમનો મોહ દૂર થઇ ગયો. આનાથી એ ભાવ નીકળે છે કે મનુષ્ય જ્યાં કંઇ અને જે કોઇ પણ પરિસ્થિતિમાં મુકાયો હોય, ત્યાં જ રહીને તે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે અને ત્યાં એને પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. કારણ કે પરમાત્મા બધી જ પરિસ્થિતિઓમાં હંમેશા એકરૂપે રહે છે.
 
'यावदेतान्नितीक्षेङहं ... रणसमुद्यमे' - બે સેનાઓની વચ્ચે રથ ક્યાં સુધી ઊભો રાખે? એ અંગે અર્જુન કહે છે કે યુદ્ધની ઇચ્છાને લઇને કૌરવસેનામાં આવેલા સેનાસહિત જેટલા રાજાઓ ઊભેલા છે, એ બધાને જ્યાં સુધી હું જોઇ ના લઉં, ત્યાં સુધી આપ રથને ત્યાં જ ઊભો રાખો. આ યુદ્ધના ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવાનું છે? એમાં કોણ મારા જેટલા બળવાળા છે? કોણ મારાથી ઓછા બળવાળા છે? અને કોણ મારાથી વધારે બળવાળા છે? એ બધાને હું જરા જોઇ લઉં.
 
અહીં 'योद्धुकामान्' પદથી અર્જુન કહી રહ્યા છે કે અમે તો સંધિની વાત જ વિચારી હતી, પણ એમણે સંધિની વાત સ્વીકારી નહીં; કેમ કે એમના મનમાં યુદ્ધ કરવાની વધારે ઇચ્છા છે. એટલે એમને હું જોઉ કે કેટલું બળ લઇને તેઓ યુદ્ધ કરવાની ઇચ્છા રાખે છે.