અધ્યાય ૦૧ - શ્લોક ૦૯

મૂળ શ્લોક: 

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥

શ્લોક ભાવાર્થ: 

એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः' - મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરવીરોનાં નામ લીધાં છે, તેમના ઉપરાંત પણ અમારી સેનામાં બાહ્લીક, શલ્ય, ભગદત્ત, યજદ્રથ વગેરે ઘણાયે શૂરવીર મહારથીઓ છે, જેઓ મારી ભાલાઇ માટે, મારા વતી લડવા માટે પોતાની જીવવાની ઇચ્છાનો ત્યાગ કરીને અહીં આવ્યા છે. તેઓ મારા વિજય માટે મરી ભલે જાય, પરંતુ યુદ્ધમાંથી હઠશે નહિ. એમની હું આપની સમક્ષ કઇ કૃતજ્ઞતા પ્રગટ કરું ?
 
'नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः' - આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળાં તલવાર, ગદા, ત્રિશૂળ વગેરે વિવિધ પ્રકારનાં શસ્ત્રોની કળામાં નિપુણ છે; હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળાં બાણ, તોમર, શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે. યુદ્ધ કેવી રીતે કરવું જોઇએ; કઇ પદ્ધતિથી, કયા પેંતરાથી અને કઇ યુક્તિથી યુદ્ધ કરવું જોઇએ; સેનાને કઇ રીતે ગોઠવવી જોઇએ વગેરે યુદ્ધકળાઓમાં પણ તેઓ ઘણા નિપુણ અને કુશળ છે.