ગીતાનો યોગ

ગીતામાં ‘યોગ’ શબદના ઘણા વિચિત્રવિચિત્ર અર્થો છે. એમના આપણે ત્રણ વિભાગ કરી શકીએ છીએ –
(૧) ‘युजिर् योगे’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – સમરૂપ પરમાત્માની સાથે નિત્ય સંબંધ; જેમકે ‘समत्वं योग उच्चते’ (અ. ૨/૪૮) વગેરે માં આજ અર્થ મુખ્યતવે આવ્યો છે.
(૨) ‘युज् समाधौ’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – ચિત્તની સ્થિરતા અર્થાત્ સમાધિમાં સ્થિતિ; જેમકે ‘यत्रोपरमते चितं निरुद्धं योगसेवया’ (અ. ૬/૨૦) વગેરે.
(૩) ‘युज् संयमने’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – સંયમન, સામર્થ્ય, પ્રભાવ; જેમકે ‘पश्य मे योगमैश्वरम्’ (અ. ૯/૫) વગેરે.
ગીતામાં જ્યાં ક્યાંય ‘योग’ શબ્દ આવ્યો છે. જેમાં ઉપર્યુક્ત ત્રણેમાંથી એક અર્થની પ્રધાનતા અને બાકીના બે અર્થથી ગૌણતા છે; જેમકે – ‘युजिर् योगे’ વાળા ‘योग’ શબ્દમાં સમતા (સંબંધ) ની પ્રધાનતા છે, પરંતુ સમતા આવતા સ્થિરતા અને સામર્થ્ય(સંદર્ભ) પણ આપો આપ આવી જાય છે. ‘युज् समाधौ’ વાળા ‘योग’ શબ્દમાં સ્થિરતાની પ્રધાનતા છે, પરંતુ સ્થિરતા આવતા સમતા અને સામર્થ્ય પણ આપો આપ આવી જાય છે. ‘युज् संयमने’ વાળા ‘योग’ શબ્દમાં સામર્થ્યની પ્રધાનતા છે, પરંતુ સામર્થ્ય આવતા સમતા અને સ્થિરતા પણ આપો આપ આવી જાય છે. આથી ગીતાનો ‘योग’ શબ્દ ઘણો વ્યાપક અને ગંભીર અર્થવાળો છે. પણ આપો આપ આવી જાય છે.

(સંદર્ભ) ભગવાનમાં સંસારમાત્રની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરેનું જે સામર્થ્ય છે, તે સામર્થ્ય યોગીમાં નથી આવતું – ‘जगद्व्यापारवर्जम्’ (બ્રહ્મસૂત્ર ૪/૪/૧૭). યોગીમાં જે સામર્થ્ય આવે છે, તેનાથી તે સંસારમાત્ર ઉપર વિજય પ્રાપ્ત પરી લે છે (ગીતા અ. ૫/૧૯) અર્થાત્ કોઇ પણ અનુકૂળપ્રતિકૂળ પરિસ્થિતિ આવે તોપણ તેના ઉપર કોઇ અસર નથી પડતી.

પાતંજલયોગદર્શનમાં ચિત્તવૃતિઓના નિરોધને, ‘योग’ નામથી કહેવામાં આવ્યો છે – ‘योगश्चितवृतिनिरोधः’ (યો.સૂ. ૧/૨) અને એ યોગનું પરિણામ બતાવ્યું છે – દ્રષ્ટાની સ્વરૂપમાં સ્થિતિ થઇ જવી – ‘तदा द्रष्टुः स्वरोपेङवस्थानम्’ (યો.સૂ. ૧/૩). આ રીતે પાતંજલયોગદર્શનમાં યોગનું જે પરિણામ બતાવવામાં આવ્યું છે, અને એને જ ગીતામાં ‘योग’ નામથી કહેવામાં આવ્યું છે (અ. ૨/૪૮, અ. ૬/૨૩). તાત્પર્ય એ છે કે ગીતા ચિત્તવૃતિઓથી સર્વથા સંબંધવિચ્છેદપૂર્વક સ્વતઃસિદ્ધ સમસ્વરૂપમાં થવાવાળી સ્વાભાવિક સ્થિતિને યોગ કહે છે. એ સમતામાં સ્થિતિ (નિત્યયોગ) થઇ જતાં પછી કદિ તેનાથી વિયોગ નથી થતો, કદી વૃતિરૂપતા નથી થતી, કદી વ્યુત્થાન નથી થતું. વૃતિઓનો વિરોધ થઇ જતાં તો નિર્વિકલ્પ અવસ્થા થાય છે, પરંતુ સમતામાં સ્થિતિ થઇ જતાં ‘નિર્વિકલ્પ બોધ’ થાય છે. ‘નિર્વિકલ્પ બોધ’ અવસ્થાતીત અને સઘળી અવસ્થાઓનો પ્રકાશક છે.
 
સમતા અથવા નિત્યયોગનો અનુભવ કરવાને માટે ગીતામાં ત્રણ યોગમાર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે – કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – આ ત્રણેય શરીરોનો સંસારની સાથે અભિન્ન સંબંધ છે. આથી આ ત્રણેયને બીજાઓની સેવામાં જોતરી દે – એ કર્મયોગ થયો; પોતે એમનાથી અસંગ થઇને પોતાના સ્વરૂપમાં સ્થિત થઇ જાય – એ જ્ઞાનયોગ થયો; અને પોતે ભગવાનને સમર્પિત થઇ જાય એ ભક્તિયોગ થયો. આ ત્રણેય યોગોને સિદ્ધ કરવાને માટે અર્થાત્ પોતાનો ઉદ્ધાર કરવાને માટે મનુષ્યને ત્રણ શક્તિઓ મળેલી છે – (૧) કરવાની શક્તિ (બળ), (૨) જાણવાની શક્તિ (જ્ઞાન) (૩) માનવાની શક્તિ (વિશ્વાસ). કરવાની શક્તિ નિઃસ્વાર્થ ભાવથી સંસારની સેવા કરવાને માટે છે, જે કર્મયોગ છે; જાણવાની શક્તિ પોતાના સ્વરૂપને જાણવા માટે છે, તે જ્ઞાનયોગ છે; અને માનવાની શક્તિ ભગવાનને પોતાના તથા પોતાને ભગવાનના માનીને સર્વથા ભગવાનને સમર્પિત થવાને માટે છે, જે ભક્તિયોગ છે. જેનામાં કરવાની રુચિ અધિક છે, તે કર્મયોગનો અધિકારી છે. જેનામાં પોતાની જાતને જાણવાની જિજ્ઞાસા અધિક છે, તે જ્ઞાનયોગનો અધિકારી છે. જેના ભગવાન ઉપર શ્રદ્ધાવિશ્વાસ અધિક છે, તે ભક્તિયોગનો અધિકારી છે. આ ત્રણેય યોગ માર્ગ પરમાત્માપ્રાપ્તિનાં સ્વતંત્ર સાધન છે. બીજા બધા જ સાધનો આ ત્રણેયની અંતર્ગત આવી જાય છે(સંદર્ભ).

(સંદર્ભ) શ્રીમદ્ ભાગવતમાં ભગવાને કહ્યું છે –
योगास्त्रयो मया प्रोत्का नृणां श्रेयोविधित्सया । ज्ञानं कर्म च भक्तिश्च नोपायोङन्योस्ति कृत्रचित् ॥ (૧૧/૨૦/૬)
‘પોતાનું કલ્યાણ ઇચ્છનારા મનુષ્યોને માટે મેં ત્રણ યોગમાર્ગો બતાવ્યા છે – જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ. આ ત્રણ સિવાય બીજો કોઇ કલ્યાણનો માર્ગ નથી.’
આજ વાત અધ્યાત્મરામાયણ અને દેવીભાગવતમાં પણ આવી છે –
मार्गास्त्रयो मया प्रोक्ताः पुरा मोक्षाप्तिसाधकाः । कर्मयोगो ज्ञानयोगो भक्तियोगश्च शाश्वतः ॥ (अध्यात्म. ૭/૭/૫૯)
मार्गस्त्रयो मे विख्याता मोक्षप्राप्तौ नगाधिप । कर्मयोगो ज्ञानयोगो भक्तितयोगश्च सत्तम ॥ (देवी. ૭/૩૭/૩)

બધાં જ સાધનનું ખાસ કામ છે – જડતાથી સંબંધ- વિચ્છેદ કરવો. આથી જડતાથી સંબંધવિચ્છેદ કરવાની પ્રણાલીઓ (સાધનો) માં તો ફરક જ રહે છે પરંતુ જડતાથી સંબંધવિચ્છેદ થતા બધા જ સાધનો એક થઇ જાય છે અર્થાત્ અંતે બધા જ સાધનોથી એક જ સમરૂપ પરમાત્મતત્વની પ્રાપ્તિ થાય છે. આ સમરૂપ પ્રમાત્મતત્વની પાપ્તિને જ ગીતાએ ‘योग’ નામથી ઓળખાવી છે, અને એને જ ‘नित्ययोग’ કહે છે.
 
ગીતામા કેવળ કર્મયોગનું, કેવળ જ્ઞાનયોગનું, અથવા કેવળ ભક્તિયોગનું વર્ણન થયું છે – એવી વાત પણ નથી. એમા ઉપર્યુક્ત ત્રણેય યોગો ઉપરાંત યજ્ઞ, દાન, તપ, ધ્યાનયોગ, પ્રાણાયામ, હઠયોગ, લયયોગ વગેરે સાધનોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એનું ખાસ કારણ એ છે કે ગીતામાં અર્જુનના પ્રશ્નો યુદ્ધના વિષયમાં નથી, પરંતુ કલ્યાણના વિષયમાં છે અને ભગવાન દ્વારા ગીતા કહેવાનો ઉદ્દેશ્ય પણ યુદ્ધ કરાવવાનો બિલકુલ નથી. અર્જુન પોતાનું નિશ્ચિત કલ્યાણ ઇચ્છતા હતા (અ. ૨/૭, અ. ૩/૨, અ. ૫/૧). એટલા માટે શાસ્ત્રોમાં જેટલાં કલ્યાણ કારક સાધનો કહ્યાં છે, તે સઘળા સાધનોનું ગીતામાં સંક્ષેપથી વિશદ વર્ણન મળે છે. એ સાધનોને લીધે જ સાધકજગતમાં ગીતાનો વિશેષ આદર છે. કારણ કે સાધક ચાહે ગમે તે મતનો હોય, ગમે તે સંપ્રદાયનો, કે ગમે તે સિદ્ધાતને માનવાવાળો હોય, છતાં પોતાનું કલ્યાણ તો બધાને અભીષ્ટ છે.