અધ્યાય ૦૧ - શ્લોક ૦૩

મૂળ શ્લોક: 

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥

શ્લોક ભાવાર્થ: 

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'आचार्य' - દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના - કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્રવિદ્યા શિખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો. એટલા માટે આપના મનમાં કોઇનો પક્ષ અથવા આગ્રહ નહિ હોવો જોઇએ.
 
'तव शिष्येण धीमता' - આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે જન્મ લેવાવાળા ધૃષ્ટદ્યુમ્નને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શિખવાડી છે; ને તે આપનો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે !
 
'द्रुपदपुत्रेण' - આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે જ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો, જેનાથી ધૃષ્ટદ્યુમ્ન આપની સમક્ષ (વિરોધીપક્ષે) સેનાપતિના રૂપમાં ઊભો છે.
 
જોકે અહીં દુર્યોધન 'દ્રુપદપુત્ર' ને સ્થાને 'ધૃષ્ટદ્યુમ્ન' પણ કહી શકતો હતો, તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતો હતો, એ વેરભાવને યાદ કરાવવાને માટે દુર્યોધન અહીં 'द्रुपदपुत्रेण' શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે !
 
'पाण्दुपुत्राणाम् एतां व्यूढां महतीं चमूं पश्य' - દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. તાત્પર્ય એ છે કે જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો, એ જ પાંડવોએ આપના વિરોધપક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવત નહિ, એટલો અધિકાર તો ન આપત. પરંતુ બધું જ જાણવા છતાં પણ એમણે એને જ સેનાપતિ બનાવ્યો છે.
 
જોકે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી અર્થાત્ કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણી [૧] અને પાંડવોની સેના સાત અક્ષૌહિણી હતી, તોપણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહ્યો છે. પાંડવોની સેનાને ઘણી મોટી કહેવામાં બે ભાવો જણાય છે. - (૧) પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી, જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાઇ રહી હતી અને (૨) પાંડવસેનામાં સઘળેસઘળા યોદ્ધા એક મતના હતા. આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાઇ રહી હતી. આવી સેનાને બતાવીને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઇચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહિ સમજતા. આપ વિશેષ બળનો ઉપયોગ કરીને સાવધાનીથી યુદ્ધ કરજો. પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે; આથી એના ઉપર વિજય કરવો એ આપને માટે કઇ મોટી વાત છે !
 
'एतां पश्य' કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવસેના યુદ્ધને માટે તૈયાર થઇને સામે ઊભી છે. આથી એ સેના પર આપણે કઇ રીતે વિજય કરી શકીએ છીએ - એ વિષયમાં આપે જલદીમાં જલદી નિર્ણય કરકો જોઇએ.
 


[૧] - એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ; ૨૧૮૭૦ હાથી; ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો હોય છે. (મહાભારત, આદિ. ૨/૨૩-૨૬)
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યની પાસે જઇને દુર્યોધન કયાં વચનો બોલ્યા - એ વાતને આગળના શ્લોકમાં બતાવે છે.