અધ્યાય ૦૧ - શ્લોક ૧૫

મૂળ શ્લોક: 

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥ १५ ॥

શ્લોક ભાવાર્થ: 

અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'पाञ्चनज्यं हृषीकेशः' - બધાના અંતર્યામી અર્થાત્ બધાના મનની વાત જાણનારા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોના પક્ષમાં ઊભા રહીને 'પાંચજન્ય' નામનો શંખ વગાડ્યો. ભગવાને પંચજન નામના શંખનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વીકાર કર્યો હતો, એતલે એ શંખનું નામ 'પાંચજન્ય' પડ્યું.
 
'देवदत्तं धनञ्जयः' - રાજસૂય યજ્ઞ વખતે અર્જુને ઘણા રાજાઓને જીતીને બહુ જ ધન એકઠું કર્યું હતું. આથી અર્જુનનું નામ 'ધનજય' પડી ગયું. [૧] નિવાત, કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇંદ્રે અર્જુનને 'દેવદત્ત' નામનો શંખ આપ્યો હતો. આ શંખનો અવાજ ખૂબ જોરથી થતો હતો, જેથી શત્રુઓની સેના ગભરાઇ જતી હતી. આ શંખ અર્જુને વગાડ્યો.
 
'पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः' - હિડિમ્બાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંધ વગેરે બળવાન વીરોને મારવાને કારણે ભીમસેનનું નામ 'ભીમકર્મા' કડી ગયું. એમના પેટમાં જઢરાગ્નિ સિવાય 'વૃક' નામનો એક વિશેષ અગ્નિ હતો, જેનાથી ઘણું જ અધિક ભોજન પચતું હતું. આ કારણથી એમનું નામ 'વૃકોદર' પડી ગયું. એવા ભીમકર્મા વૃકોદર ભીમસેને બહુ જ મોટા આકારવાળો પૌંડ્ર નામનો શંખ વગાડ્યો.
 


[૧] - सर्वाञ्जनपदाञ्जित्वा वित्तमादाय केवलम् । मध्ये धनस्य तिष्ठामि तेनाहुर्मा धनञ्जयम् ॥ (મહાભારત, વિરાટ. ૪૪/૧૩)
શ્લોક માહિતી: 

સંબંધ - હવે સંજય આગળના ચાર શ્લોકોમાં પૂર્વશ્લોકનો ખુલાસો કરતાં બીજાઓના શંખવાદનનું વર્ણન કરે છે.