અધ્યાય ૦૧ - શ્લોક ૦૭

મૂળ શ્લોક: 

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विहोत्तम ।
नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥ ७ ॥

શ્લોક ભાવાર્થ: 

હે દ્વિજોત્તમ ! અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે, એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે નાયકો છે, તેઓને હું કહું છું.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम' - દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે, હે દ્વિજશ્રેષ્ઠ ! પાંડવોની સેનામાં શ્રેષ્ઠ મહારથીઓ છે, તો અમારી સેનામાં એમનાથી ઓછી વિશેષતાવાળા મહારથી નથી, ઊલટાના એમની સેનાના મહારથીઓની અપેક્ષાએ વધારે વિશેષતા રાખવાવાળા છે. એમને પણ આપ સમજી લો.
 
ત્રીજા શ્લોકમાં 'पश्य' અને અહીં 'निबोध' ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના તો સામે ઊભી છે, એટલા માટે એને જોવા માટે દુર્યોધન 'पश्य' (જુઓ) ક્રિયાનો પ્રયોગ કરે છે. પરંતુ પોતાની સેના સામે નથી અર્થાત્ પોતાની સેનાની તરફ દ્રોણાચાર્યની પીઠ છે, એટલા માટે એને જોવાની વાત ન કહીને એના પર ધ્યાન આપવા માટે 'निबोध' (ધ્યાન આપો) ક્રિયાનો પ્રયોગ કરે છે.
 
'नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते' - મારી સેનામાં પણ જેઓ વિશિષ્ટવિશિષ્ટ સેનાપતિઓ છે, સેનાનાયકો છે અને મહારથીઓ છે, હું તેમનાં નામો કેવળ આપને યાદ અપાવવા માટે, આપનું ધ્યાન એ તરફ ખેંચવા માટે જ કહી રહ્યો છું.
 
'संज्ञार्थम्' - પદનું તાત્પર્ય એ છે કે અમારા ઘણા જ સેનાનાયકો છે, એમનાં નામો હું ક્યાં સુધી કહું? એટલા માટે હું એમનો કેવળ સંકેતમાત્ર કરું છું, કેમકે આપ તો બધાને જાણો જ છો.
 
આ શ્લોકમાં દુર્યોધનનો એવો ભાવ પ્રતીત થાય છે કે અમારો પક્ષ કોઇ પણ રીતે કમજોર નથી. પરંતુ રાજનીતિ પ્રમાણે, શત્રુપક્ષ ચાહે કેટલાય કમજોર હોય અને પોતાનો પક્ષ ચાહે કેટલોય સબળ હોય, એવી અવસ્થામાં પણ શત્રુપક્ષને કમજોર ના સમજવો જોઇએ અને પોતાના પક્ષમાં ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે ભાવો કિંચિત્માત્ર પણ ના આવવા દેવા જોઇએ. એટલા માટે સાવચેતી માટે મેં એમના સૈન્યની વાત કહી અને હવે આપણી સેનાની વાત કહું છું.
 
બીજો ભાવ એ છે કે પાંડવોની સેનાને જોઇને દુર્યોધન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને એના મનમાં કંઇક ભય પણ પેદા થયો. કારણ કે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવસેનાના પક્ષમાં ઘણા બધા ધર્માત્મા પુરુષો હતા અને ભગવાન પોતે પણ હતા. જે પક્ષમાં ધર્મ અને ભગવાન રહે છે, તેનો બધાના ઉપર પ્રભાવ પડે છે. પાપીમાં પાપી અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ ઉપર પણ એનો પ્રભાવ પડે છે. એટલું જ મહિ, પશુપક્ષી, વૃક્ષલતા વગેરે ઉપર પણ એનો પ્રભાવ પડે છે. કારણ કે ધર્મ અને ભગવાન નિત્ય છે. કેટલીયે ઊંચામાં ઊંચી ભૌતિક શક્તિઓ કેમ ના હોય, પણ છે તો એ બધી અનિત્ય જ. એતલા માટે દુર્યોધન ઉપર પાંડવસેનાની ઘણી અસર પડી. પરંતુ એના અંતરમાં ભૌતિક બળનો વિશ્વાસ મુખ્ય હોવાથી તે દ્રોણાચાર્યને વિશ્વાસ આપવા માટે કહે છે કે આપણા પક્ષમાં જેતલી વિશેષતા છે, એટલી પાંડવોની સેનામાં નથી. આથી આપણે એમના ઉપર સહજ રીતે જ વિજય કરી શકીએ છીએ.

શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા કરવા અને યુદ્ધ માટે ઉત્સાહ આપવા માતે દુર્યોધને પાંડવસેનાની વિશેષતા બતાવી. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે દ્રોણાચાર્ય પાંડવોના પક્ષપાતી છે જ; આથી તેઓ પાંડવસેનાનું મહત્વ સાંભળીને મને એમ કહી શકે છે કે જો પાંડવોની સેનામાં આટલી વિશેષતા છે તો એમની સાથે તું સંધિ કેમ નથી કરી લેતો? એવા વિચાર આપતાં જ દુર્યોધન આગળના ત્રણ શ્લોકોમાં પોતાની સેનાની વિશેષતા બતાવે છે.