અધ્યાય ૦૧ - શ્લોક ૧૯

મૂળ શ્લોક: 

स घोषो धार्तराष्ट्राणां ह्रदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्युनुनादयन् ॥ १९ ॥

શ્લોક ભાવાર્થ: 

પાંડવસેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથવીને પણ ગજાવી નાખતાં અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેનાં હ્રદયોને ચીરી નાખ્યાં.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

પાંડવસેનાનો એ શંખધ્વનિ એટલો વિશાળ, ઊંડો, ઊંચો અને ભયંકર થયો કે એ (ધ્વનિ-પ્રતિધ્વનિ) થી પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગ ગાજી ઊઠ્યો. એ શબ્દથી અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા અને તેમને મદદ કરવા (એમના પક્ષે) ઊભા રહેલા રાજાઓનાં હ્રદયો ચિરાઇ ગયાં. તાત્પર્ય એ છે કે હ્રદયને કોઇ અસ્ત્રશસ્ત્ર દ્વારા ચીરવાથી જેવી પીસા થાય છે, એવી જ પીડા એમના હ્રદયમાં યુદ્ધનો શંખધ્વનિથી થઇ ગઇ. એ શંખધ્વનિએ કૌરવસેનાના હ્રદયમાં યુદ્ધનો જે ઉત્સાહ હતો, બળ હતું, એને કમજોર બનાવી દીધું, જેથી એમના હ્રદયમાં પાંડવસેનાનો ભય પેસી ગયો.
 
સંજય એ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રની જ સમક્ષ 'ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સંબંધીઓનાં હ્રદયોને ચીરી નાખ્યાં' એવું સંજયનું કહેવું વિવેકપૂર્ણ અને યુક્તિસંગત જણાતું નથી. માટે સંજયે 'धार्तराष्टाणाम्' નહીં કહેતાં 'तावकीनानाम्' (આપના પુત્રો અથવા સંબંધિઓના - એમ) કહેવું જોઇતું હતું; કારણ કે એમ કહેવું એ જ વિવેક છે. એ દ્રષ્ટિએ અહીં 'धार्तराष्टाणाम्' પદનો અર્થ 'જેમણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું' [૧] - એવો લેવો જ યુક્તિસંગત અને સભ્યતાપૂર્ણ જણાય છે. અન્યાયનો પક્ષ લેવાથી જ એમનાં હ્રદય ચિરાઇ ગયાં - એ દ્રષ્ટિએ પણ આ અર્થ લેવો જ યુક્તિસંગત જણાય છે. અહીં શંકા થાય છે કે કૌરવોની અગિયાર અક્ષોણી [૨] સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં તો એમના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ, પરંતુ પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખ વાગ્યા તો એમના અવાજથી કૌરવોની સેનાનાં હ્રદયો કેમ ચિરાઇ ગયાં? એનું સમાધાન એ છે કે જેમના હ્રદયમાં અધર્મ, પાપ કે અન્યાય નથી અર્થાત્ જેઓ ધર્મપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે છે, એમનાં હ્રદય મજબૂત હોય છે અને એમના હ્રદયમાં ભય પેદા થતો નથી. ન્યાયનો પક્ષ હોવાથી એમનામાં ઉત્સાહ હોય છે અને શૂરવીરતા હોય છે. પાંડવોએ વનવાસ પહેલાં પણ ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું અને વનવાસ પછી પણ નિયમ અનુસાર કૌરવો પાસે ન્યાયપૂર્વક રાજ્યની માગણી કરી હતી. આથી એમના હ્રદયમાં ભય ન હતો, પરંતુ ઉત્સાહ હતો. આ કારણથી કૌરવોની અગિયાર અક્ષોણી સેનાના વાજાંના અવાજની પાંડવોની સેના ઉપર કઇ અસર થઇ નહિ. પરંતુ જે અધર્મ, પાપ, અન્યાય વગેરે કરે છે એમનાં હ્રદય કુદરતી રીતે શંકાવિહીનતા રહેતાં નથી. એમનાં પોતાનાં કરેલાં પાપ અને અન્યાય જ એમનાં હ્રદયને નિર્બણ કરી દે છે. અધર્મ અધર્મીને ખાઇ જાય છે. દુર્યોધન વગેરી પાંડવોને અન્યાયપૂર્વક મારવાના ઘણા જ પ્રયત્નો કર્યાં હતા. એમણે છળકપટથી અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય છીનવી લીધું હતું અને એમને બહુ જ કષ્ટ આપ્યું હતું. આ કારણથી એમનાં હ્રદય કમજોર કે નિર્બળ થઇ ગયાં હતાં. તાત્પર્ય એ છે કે કૌરવોનો પક્ષ અધર્મનો હતો. એટલા માટે પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખધ્વનિથી એમનાં હ્રદય ફાટી ગયાં, એમને ઘણી મોટી પીડા થઇ ગઇ.
 
આ પ્રસંગથી સાધકે સાવધાન થવું જોઇએ કે તેના દ્વારા પોતાના શરીર, મન અને વાણીથી કદી પણ કોઇ અન્યાય અને અધર્મનું આચરણ ન થઇ જાય. અન્યાય અને અધર્મવાળા આચરણથી મનુષ્યનું હ્રદય કમજોર કે નિર્બળ થઇ જાય છે. એના હ્રદયમાં ભય પેદા થઇ જાય છે. ઉદાહરણ તરીકે, લંકાધિપતિ રાવણથી ત્રણેય લોક ડરતા હતા. તે જ રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે ભયભીત થઇને આમતેમ જુએ છે. [૩] એટલા માટે સાધકે કદી પણ અન્યાયી તથા અધર્મવાળું આચરણ કરવું જોઇએ નહિ.
 


[૧] - 'अन्यायेन धृतं यैस्ते धृतराष्ट्राः' એવો બહુવ્રીહિ સમાસ કર્યા પછી 'धृतराष्ट्रा एव' એ વિગ્રહમાં સ્વાર્થે તદ્ધિતનો  'अण' પ્રત્યય કરવામાં આવ્યો, જેનાથી 'धार्तराष्ट्राः' એવું રૂપ બન્યું. અહીં છઠ્ઠી વિભક્તિના પ્રયોગી જરૂર હોવાથી છઠ્ઠીમાં - 'धार्तराष्ट्राणाम्' એવો પ્રયોગ કર્યો છે.
 
[૨] - દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના હોવાનો સંભવ જ ન હતો; પરંતુ જ્યારે પાંડવો વનવાસ માટે ગયા, ત્યારે દુર્યોધને ધર્મરાજ યુધિષ્ઠિરની રાજ્યા કરવાની નીતિ સ્વીકારી. જેવી રીતે યુધિષ્ઠિર પોતાનું કર્તવ્ય સમજીને પ્રજાને સુખી કરવા માટે ધર્મ અને ન્યાયપૂર્વક રાજ્ય કરતા હતા, એવી જ રીતે દુર્યોધને પણ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે અને પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રજા સાથે યુધિષ્ઠિરના જેવો વર્તાવ કર્યો. તેર વર્ષ સુધી પ્રજા સાથે સારો વર્તાવ કરવાથી યુદ્ધને સમયે ઘણી સેના એકત્રિત થઇ, જે પહેલાં પાંડવોના પક્ષમાં હતી અને પાંડવોને ચાહતી હતી. આ રીતે નવ અક્ષોણી નારાયણી સેનાને તથા મદ્રરાજ શલ્યની એક અક્ષોણી સેનાને દુર્યોધને ચાલાકીથી પોતાના પક્ષમાં લાવી દીધી, જે પાંડવોના પક્ષમાં હતી. આથી દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના અને પાંડવોના પક્ષમાં સાત અક્ષોણી સેના હતી.
 
[૩] - सून बीच दसकंधर देखा । आवा निक़ट बती कें वेषा ।
जाकें डर सुर असुर डेराहीं । निसि न नीद दिन अन्न न खाहीं ॥
सो दससीस स्वान की नाईं । इत उत चितइ चला भडिहाई ।
इमि कुपंथ पग डिटेल खगेसा । रह न तेज तन बुधि बल लेसा ॥ (માનસ ૩/૨૮/૪-૫)