અધ્યાય ૦૧ - શ્લોક ૨૬

મૂળ શ્લોક: 

तत्रापश्यत्स्थितान्पार्थः पितृनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातृंपुत्रान्सखींस्तथा ॥ २६ ॥
श्चशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।

શ્લોક ભાવાર્થ: 

એ પછી પૃથાનંદન અર્જુને એ બન્નેય સેનાઓમાં ઊભેલા પિતાઓને, પિતામહોને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને તથા મિત્રોને, સસરાઓને અને સુહૃદોને પણ જોયા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જોમ ત્યારે અર્જુનની દ્રષ્ટિ બન્ને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ ઉપર ગઇ. એમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઇ ઊભા છે, જે મારે માટે પિતા સમાન છે. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહ ઊભા છે. દ્રોણ, કૃપ વગેરે આચાર્યો (વિદ્યા ભણાવનાર અને કુલગુરુ) ઊભા છે. પુરુજિત, કુંતીભોજ, શલ્ય, શકુનિ વગેરે મામાઓ ઊભા છે. ભીમ, દુર્યોધન વગેરે ભાઇઓ ઊભા છે. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ (દુર્યોધનનો પુત્ર) વગેરે મારા અને મારા ભાઇઓના પુત્રો ઊભા છે. લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે, જેઓ મારા પૌત્રો છે. દુર્યોધનના અશ્વત્થામા વગેરે મિત્રો ઊભા છે. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ ઊભા છે. કોઇ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઇચ્છનારા સાત્યકિ, કૃતવર્મા વગેરે સુહ્રદો પણ ઊભા છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અગાઉના શ્લોકમાં ભગવાને અર્જુનને કુરુવંશીઓને જોવા માટે કહ્યું. એ પચી શું થયું - એનું વર્ણન સંજય આગળના શ્લોકોમાં કરે છે.