વિશેષ વાત - દુર્યોધનનો ભય

અર્જુન કૌરવોની સેનાને જોઇને કોઇની પાસે ન જતાં હાથમાં ધનુષ્ય ઉઠાવે છે (અ. ૧/૨૦), પણ દુર્યોધન પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુક્ત સેનાને જોવા માટે કહે છે. એથી સાબિત થાય છે કે દુર્યોધનના હ્રદયમાં ભય પેઠેલો છે [૧]. અંદર ડર હોવા છતાં પણ તે ચાલાકીથી દ્રોણાચર્યને ખુશ કરવા માગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માગે છે. કારણ કે દુર્યોધનના હ્રદયમાં અધર્મ છે, અન્યાય છે, અને પાપ છે. અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અનેસુખશાંતિથી રહી શક્તી નથી - એવો નિયમ છે. પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે. તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીયે નથી અને ભય પણ નથી; પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે. તેથી તો એ વીરતામાં આવી જઇને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે 'હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો.' (અ. ૧/૨૧). એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધનસંપત્તિ વગેરેનો સહારો છે, આદર છે અને જેના હૈયામાં અધર્મ છે, અન્યાય છે તથા દુર્ભાવ છે, એનામાં વાસ્તવિક બળ હોતું નથી. તે અંદરખાને પોલો હોય છે અને કદી તે નિર્ભય હોતો નથી. પરંતુ જે પોતાના ધર્મનું પાલન કરે છે અને ભગવાનનો આશરો લે છે, તે કદી ભયભીત થતો નથી. એનામાં સાચું બળ હોય છે. એ હંમેશા ચિંતારહિત અને ભયરહિત રહે છે. આથી પોતાનું કલ્યાણ ઇચ્છનારા સાધકોએ અધર્મ, અન્યાય વગેરેને ત્યજીને તથા એકમાત્ર ભગવાનનો આશરો લઇને ભગવાનના પ્રેમ માટે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઇએ. ભૌતિક સંપત્તિને મહત્વ આપીને અને સંયોગજનિત સુખના પ્રલોભનમાં ફસાઇને કદી અધર્મનો આશરો લેવો જોઇએ નહી; કારણ કે એ બન્નેથી મનુષ્યનું કદી હિત સધાતું નથી પરંતુ એનાથી ઊલટું અહિત જ થાય છે.
 
======== * ========
[૧] - જ્યારે કૌરવોની સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં; ત્યારે એના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ. પરંતુ જ્યારે પાંડવોની સેનાના શંખ વાગ્યા, ત્યારે એના અવાજથી દુર્યોધન વગેરેનાં હ્રદયો ફાટી ગયાં. (અ. ૧/૧૩,૧૯). આથી સિદ્ધ થાય છે કે અધર્મ-અન્યાયનો પક્ષ લેવાને કારણે દુર્યોધન વગેરેનાં હ્રદય કમજોર બની ગયાં હતાં અને એમનામાં ભય પેસી ગયો હતો.