ગીતા અમૃત

धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥

સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ.

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥ ५ ॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ ६ ॥

અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે.

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विहोत्तम ।
नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥ ७ ॥

હે દ્વિજોત્તમ ! અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે, એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે નાયકો છે, તેઓને હું કહું છું.

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥ ८ ॥

આપ (દ્રોણાચાર્ય) અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા.

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥

એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે.

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥

તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે.

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥

આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો.

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥

દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.