અધ્યાય ૦૧ - શ્લોક ૨૩

મૂળ શ્લોક: 

योत्स्यमानानवेक्षेङहं य एतेङत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धीर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥

શ્લોક ભાવાર્થ: 

દુષ્ટબુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે જે રાજાઓ આ સેનામાં આવ્યા છે, તે યુદ્ધ કરવા અધીરા બનેલા બધાને હું જોઇ લઉ.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'धार्तराष्ट्रस्य [૧] दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः' - અહીં દુર્યોધને દુષ્ટબુદ્ધિવાળો કહીને અર્જુન એમ બતાવવા માગે છે કે આ દુર્યોધને અમારો નાશ કરવા માટે આજ સુધી અનેક પ્રકારનાં ષડયંત્રો રચ્યાં છે. અમને અપમાનિત કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. નિયમ પ્રમાણે અને ન્યાયની રીતે અમે અરધા રાજ્યના અધિકારી છીએ, પણ એનેય એ હડપ કરી જવા માગે છે અને આપવા માગતો નથી. એવી તો એની દુષ્ટબુદ્ધિ છે; અને અહીં આવેલા રાજાઓ એનું યુદ્ધમાં પ્રિય કરવા માગે છે ! વાસ્તવમાં તો મિત્રોનું એ કર્તવ્ય છે કે તેઓ એવું કામ કરે, એવી વાત બતાવે, જેથી પોતાના મિત્રનું આ લોકમાં અને પરલોકમાં ભલું થાય. પરંતુ આ રાજાઓ દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનને યુદ્ધ કરાવીને, યુદ્ધમાં એને મદદ કરીને એનું પતન જ કરવા માગે છે. તાત્પર્ય એ છે કે દુર્યોધનનું ભલું કઇ વાતમાં છેલ એને કઇ રીતે રાજ્ય પણ મળશે અને એનો પરલોક પણ કઇ રીતે સુધરશે - આ વાતોનો તેઓ વિચાર જ નથી કરી રહ્યા. જો રાજાઓ એને એવી સલાહ આપત, કે ભાઇ ! ઓછામાં ઓછું અરધું રાજ્ય તમે અને પાંડવોનું અરધું રાજ્ય પાંડવોને આપી દો તો એનાથી દુર્યોધનનું અરધું રાજ્ય પણ રહેત અને એનો પરલોક પણ સુધરત.
 
'योत्स्यमानानवेक्षेङहं च एतेङत्र समागताः' - આ યુદ્ધને માટે ઉતાવળા થનારાઓને જરા જોઇ તો લઉ ! એમણે અધર્મનો અને અન્યાયનો પક્ષ લીધો છે, એટલે એ અમારી સામે ટકી નહિ શકે, નાશ પામશે.
 
'योत्स्यमानान्' - કહેવાનું તાત્પર્ય એ છે કે એમના મનમાં યુદ્ધની તડપ વધારે આવી રહી છે, એટલે જોઉ તો ખરો કે એ છે કોણ?