અધ્યાય ૦૧ - શ્લોક ૧૨

મૂળ શ્લોક: 

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥

શ્લોક ભાવાર્થ: 

દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तस्य संजनयन् हर्षम्' - જોકે દુર્યોધનના હ્રદયમાં હર્ષ થવો એ શંખધ્વનિનું કાર્ય છે અને શંખધ્વનિ એ હર્ષ થવાનું કારણ છે. એટલા માટે અહીં શંખધ્વનિનું વર્ણન પહેલાં થવું જોઇએ અને હર્ષ થવાનું વર્ણન પછી થવું જોઇએ. અર્થાત્ અહીં 'શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યો.' - એમ કહેવું જોઇએ. પરંતુ અહીં એમ ન કહેતાં એવું જ કહ્યું છે કે 'દુર્યોધનને હર્ષિત કરતાં ભીષ્નજીએ શંખ વગાડ્યો'. આમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પિતામહ ભીષ્મની શંખ વગાડવાની ક્રિયામાત્રથી દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન થઇ જ જશે. ભીષ્મજીની એ પ્રતિભાનું દ્યોતન કરાવવા માટે જ સંજય અગાઉ 'प्रतापवान' વિશેષણ આપે છે.
 
'कुरुवृद्धः' - જોકે કુરુવંશીઓમાં ઉંમરની રીતે જોતાં ભીષ્મજીથી પણ અધિક વૃદ્ધ બાહ્લીક હતા (કે જે ભીષ્મજીના પિતા શાંતનુના નાના ભાઇ હતા), તો પણ કુરુવંશીઓમાં જેટલા મોટાવૃદ્ધ હતા, તે બધામાં ભીષ્મજી ધર્મ અને ઇશ્વરને વિશેષતાથી જાણનારા હતા. આથી જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે સંજય ભીષ્મજી માટે 'कुरुवृद्धः' વિશેષણ વાપરે છે.
 
'प्रतापवान्' - ભીષ્મજીના ત્યાગની મોટી અસર હતી. તેઓ કંચનકામિનીમા ત્યાગી હતા અર્થાત્ એમણે રાજ્ય પણ સ્વીકાર્યું નહિ અને લગ્ન પણ કર્યા નહિ. ભીષ્મજી અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ઘણા નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા જાણકાર હતા. એમના આ બન્ને ગુણોની પણ લોકો ઉપર ઘણી અસર હતી.
 
જ્યારે એકલા ભીષ્મ પોતાના ભાઇ વિચિત્રવીર્ય માટે કાશીરાજની કન્યાઓનું સ્વયંવરમાંથી હરણ કરીને લાવી રહ્યા હતા, ત્યારે સ્વયંવર માટે એકઠા થયેલા બધા ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા. પરંતુ એકલા ભીષ્મજી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખ્યા હતા, એ ગુરુ પરશુરામજી સમક્ષ પણ એમણે પોતાની હાર સ્વીકારી નહિ. આ રીતે શસ્ત્રની બાબતમાં એમનો ક્ષત્રિયો ઉપર મોટો પ્રભાવ હતો.
 
જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહ્યું કે, 'આપને ધર્મના વિષયમાં કંઇ શંકા હોય તો ભીષ્મજીને પૂછી લો; કારણ કે શાસ્ત્રજ્ઞાનનો સૂર્ય અસ્ત પામી રહ્યો છે અર્થાત્ ભીષ્મજી આ લોકમાંથી વિદાય લઇ રહ્યા છે.' [૧] આ રીતે શાસ્ત્રના વિષયમાં એમનો બીજાઓ ઉપર ભારે પ્રભાવ હતો.
 
'पितामहः' - આ પદનો એવો આશય જણાય છે કે દુર્યોધને ચાલાકીથી કહેલી વાતોનો દ્રોણાચાર્યે કોઇ ઉત્તર આપ્યો નહિ. તેઓ એવું સમજ્યા કે દુર્યોધન ચાલાકીથી મને છેતરવા માગે છે, તેથી તેઓ ચુપ જ રહ્યા. પરંતુ પિતામહ (દાદા) હોવાને સંબંધે ભીષ્મજીને દુર્યોધનની ચાલાકીમાં એનું બાળપણ દેખાયું. આથી પિતામહ ભીષ્મ દ્રોણાચાર્યની જેમ ચુપ ન રહેતાં વાત્સલ્યભાવને કારણે દુર્યોધનને હર્ષ ઉપજાવતા શંખ વગાડે છે.
 
'सिहंनादं विनद्योच्चैः शंङ्खं दध्मौ' - જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટાંમોટાં પશુ પણ ભયભીત થઇ જાય છે, તીવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઇ જાય અને દુર્યોધન પ્રસન્ન થઇ જાય એવા ભાવથી ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.
 


[૧] - तस्मिन्नस्तमिते भीष्मे कौरवाणां धुरंधरे । ज्ञानान्यस्तं गमिष्यन्ति तस्मात् त्वां चोदयाम्हम् ॥
(મહાભારત, શાંતિ. ૪૬/૨૩)
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્ય કંઇ પણ બોલ્યા નહિ એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઇને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને સદ્ભાવની વાત સંજય આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.