સુવિચારો
અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
ક્ષમા હ્રદયનો ધર્મ છે.
નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
આળસ માનવીનો મહાન શત્રુ છે.
ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.