અધ્યાય ૦૧ - શ્લોક ૨૭

મૂળ શ્લોક: 

तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितात् ॥ २७ ॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।

શ્લોક ભાવાર્થ: 

પોતપોતાની જગા ઉપર ઊભા રહેલા તે સઘળાં બાંધવોને જોઇને એ કુંતીનંદન અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઇને વિષાદ કરતા આ વચનો બોલ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तान् सर्वान्बन्धूनवस्थितान् समीक्ष्य' - અગાઉના શ્લોકમાં કહ્યા મુજબ અર્જુને જેઓને જોયા છે, તેઓના ઉપરાંત અર્જુને બાહ્લીક વગેરે પ્રપિતામહ; ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સુરથ વગેરે સાળાઓ; જયદ્રથ વગેરે બનેવી તથા બીજા કેટલાય સંબંધીઓને બન્ને સેનાઓમાં ઊભેલા જોયા.
 
'स कौन्तेयः कृपया परयाविष्टः' - આ પદોમાં 'स कौन्तेयः' કહેવાનું તાત્પર્ય એ છે કે - માતા કુંતીએ જેમને યુદ્ધ કરવા માટે સંદેશો મોકલ્યો હતો અને જેમણે શૂરાતનમાં આવી જઇને, 'મારી સામે હાથ ઉગામનારા કોણ છે?' એવું કહેનારો અને જેણે મુખ્યમુખ્ય યોદ્ધાઓને જોવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બન્ને સેનાઓ વચ્ચે પોતાનો રથ ઊભો રાખવાની આજ્ઞા કરી હતી, એ જ કુંતીપુત્ર અર્જુન અત્યંત કાયરતાવાળો બની જાય છે !
 
બન્નેય સેનાઓમાં જન્મ અને વિદ્યાના સંબંધીઓ ને સંબંધીઓ જ જોવાથી અર્જુનના મનમાં એ વિચાર આવ્યો કે, 'યુદ્ધમાં આ પક્ષના લોકો મરે કે પેલા પક્ષના લોકો મરે. નુકસાન તો અમારું જ થશે, કુળ તો અમારું જ નાશ પામશે, સંબંધીઓ તો અમારા જ હણાશે.' આવો વિચાર આવવાથી અર્જુનની યુદ્ધની ઇચ્છા તો દૂર થઇ ગઇ અને હૈયામાં કાયરતા આવી ગઇ. એ કાયરતાને ભગવાને આગળ (અ. ૨/૨-૩) 'कश्मलम्' તથા 'हृदयदौर्बल्यम्' કહી છે અને અર્જુને (અ. ૨/૭માં) 'कार्यण्यदोषोपहतस्वभावः' કહીને એનો સ્વીકાર પણ કર્યો છે.  
 
અર્જુન કાયરતાને વશ બન્યો છે - 'कृपयाविष्टः' આથી સિદ્ધ થાય છે કે આ કાયરતા પહેલાં ન હતી, પરંતુ હમણાં આવી છે. આથી એ આગંતુક દોષો છે. આગંતુક હોવાથી એ કાયરતા ટકશે નહિ, પરંતુ શૂરવીરતા અર્જુનમાં સ્વાભાવિક છે; આથી એ તો રહેશે જ.
 
અત્યંત કાયરતા કોને કહેવાય? વિના કોઇ કારણે નિંદા, તિરસ્કાર અને અપમાન કરનારા, દુઃખ આપનારા, વેરભાવ રાખનારા, નાશ કરવાનો પ્રયત્ન કરનારા; દુર્યોધન, દુઃશાસન, શકુનિ વગેરેને પોતાની સામે યુદ્ધ કરવા માટે ઊભેલા જોઇને પણ એમને મારવાનો વિચાર ન થવો, એમના નાશ માટે પ્રવૃત્તિ ન કરવી - એ અત્યંત કાયરતા રૂપ દોષ છે. અહીં અર્જુનને કાયરતા રૂપી દોષે એવો ઘેરી લીધો છે કે જે અર્જુન વગેરેનું અનિષ્ટ ઇચ્છનારા અને વખતોવખત અનિષ્ટ કરવાનો પ્રયત્ન કરનારા છે, એ અધર્મીઓ-પાપીઓ ઉપર પણ અર્જુનને દયા આવી રહી છે. (ગીતા અ. ૧/૩૫,૪૬) અને એ ક્ષત્રિયના કર્તવ્ય રૂપી પોતાના ધર્મથી વંચિત થઇ રહ્યા છે.
 
'विषीदन्निदमब्रवीत्' - યુદ્ધને પરિણામે કુટુંબની કુળની અને દેશની કેવી હાલત થશે - એના વિચારથી અર્જુન ઘણા જ દુઃખી થઇ રહ્યા છે અને એ અવસ્થામાં તેઓ જે વચનો કહે છે; તેનું વર્ણન આગળના શ્લોકમાં કરવામાં આવ્યું છે.

શ્લોક માહિતી: 

સંબંધ - પોતાના બધા કુટુંબીઓને જોયા પછી અર્જુને શું કર્યું - એને આગળના ચાર શ્લોકોમાં કહે છે.