અધ્યાય ૦૧ - શ્લોક ૦૪-૦૬

મૂળ શ્લોક: 

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥ ५ ॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ ६ ॥

શ્લોક ભાવાર્થ: 

અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि' - જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે, એનું નામ 'इष्वास' અર્થાત્ ધનુષ્ય છે. એવાં મોટાંમોટાં 'इष्वास' (ધનુષ્ય) જેમની પાસે છે એ બધા 'महेष्वास' છે. તાત્પર્ય એ છે કે મોટાં ધનુષ્યો ઉપર બાણ ચઢાવવામાં અને પણછ ખેંચવામાં બહુ જ બળ લગાડવું પડે છે. જોરથી ખેંચીને છોડેલું બાણ ઘણો જ પ્રહાર કરે છે. એવાં મોટાંમોટાં ધનુષ્યો પાસે હોવાને કારણે એ બધા બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે અર્થાત્ બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ અર્જુન સમાન છે.
 
'युयुधानः' - યુયુધાનએ (સાત્યકિએ) અર્જુન પાસેથી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી હતી. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુર્યોધનને નારાયણી સેના આપવા છતાં પણ તે કૃતજ્ઞ થઇને અર્જુનના પક્ષમાં રહ્યો, દુર્યોધનના પક્ષમાં ના ગયો. દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષભાવ પેદા કરવા માટે દુર્યોધન મહારથીઓમાં સૌ પહેલાં અર્જુનના શિષ્ય યુયુધાનનું નામ લે છે, તાત્પર્ય એ છે કે આ અર્જુનને તો જુઓ ! એ આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્ર ચલાવવાનું શીખ્યો છે અને આપે અર્જુનને એ વરદાન પણ આપ્યું છે કે સંસારમાં તારા સમાન બીજો કોઇ ધનુર્ધર ન બને, એવો પ્રયત્ન કરીશ [૧]. આ પ્રમાણે આપે તો આપના શિષ્ય અર્જુન ઉપર એટલો સ્નેહ રાખ્યો છે, પરંતુ એ કૃતઘ્ન થઇને આપની વિરુદ્ધ લડવાને માટે ઊભો છે, જ્યારે અર્જુનનો શિષ્ય યુયુધાન એના જ પક્ષમાં ઊભો છે. 
[યુયુધાન મહાભારતના યુદ્ધમાં ન મરતાં યાદવોના આપસાઅપસના યુદ્ધમાં માર્યા ગયા.]
 
'विराटश्च' - જેને કારણે અમારા પક્ષના વીર સુશર્મા અપમાનિત કરાયા, આપને સંમોહન-અસ્ત્રથી મોહિત થવું પડ્યું અને અમારા લોકોને પણ જેની ગાયો છોડીને યુદ્ધથી ભાગવું પડ્યું, તે રાજા વિરટ આપના વિરોધપક્ષમાં ઊભો છે.
 
રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યને એવો કોઇ વેરભાવ કે દ્વેષભાવ ન હતો; પરંતુ દુર્યોધન એવું સમજે છે કે જો યુયુધાન પછી હું દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવી શકે છે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મને ઉશ્કેરીને યુદ્ધ માટે વિશેષપણે પ્રેરણા કરી રહ્યો છે તથા મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષભાવ પેદા કરી રહ્યો છે. એટલા માટે દુર્યોધન દ્રુપદના નામની પહેલાં વિરાટનું નામ લે છે, જેથી દ્રોણાચાર્ય એની ચાલાકી ન સમજી શકે અને વિશેષપણે યુદ્ધ કરે. [રાજા વિરાટ ઉત્તર, શ્વેત અને શંખ નામના ત્રણે પુત્રો સહિત મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા.]
 
'द्रुपदश्च महारथः' - આપે તો દ્રુપદને પહેલાંની મિત્રતાની યાદ કરાવી, પણ તેણે સભામાં એવું કહીને આપનું અપમાન કર્યું કે હું રાજા છું અને તમે ભીખારી છો; આથી મારી અને તમારી મિત્રતા કેવી? તથા વેરભાવને કારણે આપને મારવાને માટે પુત્ર પણ પેદા કર્યો, એ જ મહારથી દ્રુપદ આપની સાથે લડવા માટે વિરોધ પક્ષમાં ઊભો છે.  [રાજા દ્રુપદ યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'धृष्टकेतुः' - આ ધૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે કે જેના પિતા શિશુપાલમે શ્રીકૃષ્ણે ભરી સભામાં ચક્રથી મારી નાખ્યો હતો, એ જ શ્રીકૃષ્ણના પક્ષમાં એ લડવાને માટે ઊભો છે. [ધૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'चेकितानः' - બધી યાધવસેના તો અમારા તરફથી લડવાને માટે તૈયાર છે અને આ યાદવ ચેકિતાન પાંડવોની સેનામાં ઊભો છે. [ચેકિતાન દુર્યોધનને હાથે માર્યા ગયા.]
 
'काशिराजश्च वीर्यवान्' - આ કાશીરાજ ઘણો જ શૂરવીર અને મહારથી છે. એ પણ પાંડવોની સેનામાં ઊભો છે. એટલે આપ સાવધાનીથી યુદ્ધ કરજો; કારણ કે એ મોટો પરાક્રમી છે. [કાશીરાજ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા.]
 
'पुरुजित्कुन्तिभोजश्च' - જો કે યુરુજિત અને કુંતીભોજ - એ બન્ને કુંતીના ભાઇ હોવાથી અમારા અને પાંડવોના મામા છે, તો પણ એમના મનમાં પક્ષપાત હોવાને કારણે એ અમારી વિરુદ્ધના પક્ષે યુદ્ધ કરવાને માટે ઊભા છે. [પુરુજિત અને કુંતીભોજ - બન્નેય યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'शैब्यश्च नरपुङ्गवः' - આ શૈબ્ય યુધિષ્ઠિરના સસરા છે. એ મનુષ્યોમાં શ્રેષ્ઠ અને બહુ જ બળવાન છે. પરિવારને સંબંધે એ પણ અમારા સંબંધી છે. પરંતુ એ પાંડવોને જ પક્ષે ઊભા છે.
 
'युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्' - પાંચાલદેશના મહા બળવાન અને વીર યોદ્ધા યુધામન્યુ તથા ઉત્તમૌજા મારા શત્રુ અર્જુનના રથનાં પૈડાંઓની રક્ષા કરવા માટે નિમાયા છે. આપ એમની તરફ પણ નજર રાખજો. [રાત્રે સૂઇ ગયેલા એ બન્નેને અશ્વર્થામાએ મારી નાખ્યા.]
 
'सौभद्रः' - આ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. એ બહુ જ શૂરવીર છે. એણે ગર્ભમાં જ ચક્રવ્યૂહભેદનની વિદ્યા શીખી છે. આથી ચક્રવ્યૂહરચનાને વખતે આપ એનો ખ્યાલ રાખજો. [યુદ્ધમાં દુઃશાસનના પુત્ર દ્વારા અન્યાયપૂર્વક શિર ઉપર ગદાનો પ્રહાર કરવાથી અભિમન્યુ યુદ્ધમાં માર્યા ગયા.]
 
'द्रौपदेयाश्च' - યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ - આ પાંચેય દ્વારા દ્રૌપદીના ગર્ભથી અનુક્રમે પ્રતિવિન્ધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનીક અને શ્રુતસેન જન્મ્યા છે. આ પાંચેયને આપ જોઇ લો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવીને મારાને હ્રદયને બાળ્યું છે, એના જ આ પાંચેય પુત્રોને યુદ્ધમાં મારીને આપ એનો બદલો વાળો. [રાત્રે સૂતેલા આ પાંચેયને અશ્વત્થામાએ મારી નાખ્યા.]
 
'सर्व एव महारथाः' - આ શઘળેસઘણા મહારથીઓ છે. જેઓ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યા - બન્નેમાં પ્રવીણ છે અને યુદ્ધમાં એકલા જ એક સાથે દસ હજાર ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે, એવા વીર પુરુષને મહારથી કહે છે [૨]. એવા ઘણા મહારથીઓ પાંડવસેનામાં ઊભા છે.
 


[૧] - प्रयतिष्य़े तथा कर्तुं यथा नान्यो धनुर्धरः । त्वत्समो भविता लोके सत्यमेतद् ब्रवीमि ते ॥ (મહાભારત, આદિ. ૧૩૧/૨૭)
 
[૨] - एको दशसहस्राणि योधयेद् यस्तु धन्विनाम् । शस्त्रशास्त्रप्रवीणश्च महारथ इति स्मृतः ॥
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા મટે વિનંતી કરીને હવે દુર્યોધન તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે.