તત્ત્વ વિવેક (આત્મજ્ઞાન)

સાધન ચતુષ્ટ્ય સમ્પન્ન પુરુષ મુક્ત થવા માટે તત્ત્વ વિચાર કરે છે. આથી હવે તત્ત્વવિવેક પ્રારંભ કરીએ છીએ.
 
तत्त्वविवेकः कः ?
आत्मा सत्यं तदन्यत् सर्वं मिथ्येति ।
તત્ત્વવિવેકઃ કઃ ?
આત્મા સત્યં તદન્યત્ સર્વં મિથ્યેતિ ।
 
[ભાવાર્થ]
તત્ત્વવિવેક શું છે?
આત્મા સત્ય છે અને એના સિવાય બધું જ મિથ્યા છે. આજ તત્ત્વવિવેક છે.
 
[વ્યાખ્યા]
"તત્ત્વ" સત્ વસ્તુ છે. એને મિથ્યા વસ્તુથી પૃથક કરી ઓળખવું એ તત્ત્વવિવેક છે. તેથી સત્ અને મિથ્યાનો ભેદ અને એના લક્ષણ જ્ઞાત હોવા જોઇએ. સત્ એ છે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળમાં યથાવત રહે. એમાં ન પરિવર્તન થાય અને ન તો એનું વિનાશ થાય. એનાથી વિપરીત જે વસ્તુ ત્રણેય કાળમાં યથાવત ન હોય તેને અસત્ કહેવાય છે, જેમકે સાંસારિક સંબંધો. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ભાસિત થાય છે, ત્રણેય કાળમાં પરાવર્તિત થતી રહે છે, અને નષ્ટ પણ થાય છે. આ પ્રકારની સત્તાને મિથ્યા કહેવાય છે. આ જગત એવું જ છે. સંક્ષેપમાં કહી શકાય છે કે નિત્ય વસ્તુ સત્ય છે જ્યારે અનિત્ય વસ્તુ મિથ્યા છે.
 
પાછળ કહી ગયા છીએ - "नित्यवस्त्वेकं ब्रह्म तद् व्यतिरिक्तं सर्वमनित्यम्" - નિત્ય વસ્તુ ફક્ત બ્રહ્મ જ છે અને એ ઉપરાંત બધું જ મિથ્યા છે. અહીં બ્રહ્મના સ્થાન પર આત્મા કહી એને જ સત્ય અર્થાત્ નિત્ય કહીએ છીએ અને આત્મા ઉપરાંત બધું જ મિથ્યા છે એમ સમજીએ. આત્મા અને બ્રહ્મ એકજ છે - એ આપણે આગળ જોઈશું. હમણાં આપણે નિત્ય બ્રહ્મનું વિવેક કરવા માટે સત્ સ્વરૂપ આત્માનું વિવેક કરવું જોઇએ. અજ્ઞાનના કારણે આપણે શરીર આદિ ને જ આત્મા સમજીએ છીએ. આ અજ્ઞાનને દૂર કરી આત્મવિવેક કરવું એજ તત્ત્વવિવેક છે.
 
आत्मा कः ?
स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः
पञ्चकोशातीतः सन्
अवस्थात्रय साक्षी
सच्चिदानन्दस्वरूपः सन्
यः तिष्ठति स आत्मा ।
આત્મા કઃ ?
સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ્ વ્યતિરિક્તઃ
પઞ્ચકોશાતીતઃ સન્
અવસ્થાત્રય સાક્ષી
સચ્ચિદાનન્દસ્વરૂપઃ સન્
યઃ તિષ્ઠતિ સ આત્મા ।
 
[ભાવાર્થ]
આત્મા શું છે?
સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરોથી પૃથક અને પંચકોશોથી શ્રેષ્ઠ, જે ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી સત્ અને આનંદ સ્વરૂપ થઈને સ્થિત છે તે આત્મા છે.
 
[વ્યાખ્યા]
આપણું સ્વરૂપ આત્મા છે. આપણું સ્વરૂપ આપણાથી પૃથક નથી હોય શકતું. એ સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છે. શરીર આદિ આપણાથી પૃથક અનાત્મા છે, તો પણ ભ્રમથી આપણે એમાં આત્મભાવનો અનુભવ કરીયે છીએ. જ્યાર સુધી આપણે વિચાર નહીં કરીશું ત્યાર સુધી આપણે આજ ભ્રમમાં પડી રહીશું. આજ ભ્રમ આપણા માટે કર્મ બંધનનું કારણ બની રહ્યું છે. વિવેક વિચારથી આત્માને અનાત્માથી પૃથક કરી ભ્રમ દૂર કરી શકાય છે. એના માટે આત્માના લક્ષણ અને અનાત્માના લક્ષણ પૃથક રૂપથી સ્પષ્ટ જ્ઞાત થવા જોઇએ. એજ લક્ષણોની સહાયતાથી આત્મા0અનાત્માનો ભેદ ઓળખી શકાય છે. આથી લક્ષણો સહિત એની ઓળખ આગળ બતાવવામાં આવી છે.
 
સામાન્ય રૂપે આત્મ-વિવેક માટે ત્રણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે. - (૧) સર્વપ્રથમ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરોને અનાત્મા સમજી એની ઉપરાંત જે આપણી સત્તા ઉપલબ્ધ રહે છે, તેને જ આત્મા સમજવું. એમાં સત્, ચિત્ અને આનંદ લક્ષણો મળે છે. (૨) બીજી પ્રક્રિયામાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય - પાંચ કોશોથી શ્રેષ્ઠ જઈને આપણે આપણા સ્વરૂપને સાક્ષાત મેળવી શકીએ છીએ. અહીં પણ આત્માના ત્રણેય લક્ષણો અનુભવમાં આવે છે. (૩) ત્રીજી પ્રક્રિયામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ - આ ત્રણ અવસ્થાઓ ઉપર વિચાર કરવામાં આવે છે. આ અવસ્થાઓની સાક્ષી આપણું સ્વરૂપ આત્મા જ છે. આત્મજ્ઞાન કરાવવા માટે ઉપનિષદોમાં આજ ત્રણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવી છે.
 
======== * ========