પંચકોશ

જીવના ત્રણ શરીર (સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ) તેના આવરણ છે. સૂક્ષ્મ શરીર એક હોવા છતા ત્રણ આવરણો જેવું કામ કરે છે. તેથી કૂલ પાંચ આવરણ થાય છે. તલવારની મ્યાન સમાન હોવાને કારણે આ આવરણ કોશ કહેવાય છે. જેમ મ્યાનની અંદર રહેવા પર તલવાર નથી દેખાતી તેવી જ રીતે શરીર નિર્મિત પાંચ કોશોની અંદર આત્મા પણ ભાસિત નથી થતી. આત્માને પ્રત્યક્ષ જેવા માટે પાંચ કોશોથી પૃથક કરી એને એવી રીતે જોવું જોઇએ જેમ મ્યાન માથી તલવાર બહાર કાઠીને જોવાય છે.
 
 
पञ्चकोशाः के ?
अन्नमयः प्राणमयः, मनोमयः विज्ञानमयः,
आनन्दमयश्येति ।
પઞ્ચકોશાઃ કે ?
અન્નમયઃ પ્રાણમયઃ, મનોમયઃ વિજ્ઞાનમયઃ,
આનન્દમયશ્યેતિ ।
 
[ભાવાર્થ]
પાંચ કોશ કયા છે?
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય પાંચ કોશ છે.
 
>> અન્નમય કોશ
 
अन्नमयः कः ?
अन्नरसेनैव भूत्वा, अन्नरसेनैव बृद्धिं प्राप्य,
अन्नरूप पृथिव्यां यद्विलीयते,
तदन्नमयः कोशः, स्थूलशरीरम् ।
અન્નમયઃ કઃ ?
અન્નરસેનૈવ ભૂત્વા, અન્નરસેનૈવ બૃદ્ધિં પ્રાપ્ય,
અન્નરૂપ પૃથિવ્યાં યદ્વિલીયતે,
તદન્નમયઃ કોશઃ, સ્થૂલશરીરમ્ ।
 
[ભાવાર્થ]
અન્નમય શું છે?
જે અન્નરસથી બને છે, અન્નરસથી વૃદ્ધિ પામે છે અને અન્નરૂપ પૃથ્વીમાં લીન થઈ જાય છે તે અન્નમય કોશ કહેવાય છે. તે સ્થૂલ શરીર જ છે.
 
[વ્યાખ્યા]
આત્માનો સૌથી ઉપરી કોશ સ્થૂલ શરીર છે. એ અન્નમય છે. 'મય' પ્રચુરતા (વિપુલતા) સૂચક છે. પિતાએ પચાવેલ ભોજનના સારથી આ ઉત્પન્ન થાય છે, માતાના ભોજનથી ગર્ભમાં એનું પોષણ થાય છે. બહાર આ જગતમાં આવવા પર પણ એ અન્ન ખાયને વૃદ્ધિ કરે છે. અંતમાં મૃત્યુ પશ્ચાત આ ધરતીમાં મળી પુનઃ ભોજન બની જાય છે.
 
આ શારીરિક ઢાંચા અન્નથી નિર્મિત હોવાને કારણે અન્નમય કોશ કહેવાય છે. આ આત્મા નથી. આત્મા આનાથી આવૃત છે.
 
>> પ્રાણમય કોશ
 
प्राणमयः कः ?
प्राणाद्याः पञ्चवायवः, वागादीन्द्रियपञ्चकं,
प्राणमयः कोशः ।
પ્રાણમયઃ કઃ ?
પ્રાણાદ્યાઃ પઞ્ચવાયવઃ, વાગાદીન્દ્રિયપઞ્ચકં,
પ્રાણમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
પ્રાણમય શું છે?
પ્રાણ આદિ પાંચ વાયુ અને વાક આદિ પાંચ કર્મેન્દ્રિયોથી નિર્મિત પ્રાણમય કોશ છે.
 
[વ્યાખ્યા]
શરીરની અંદર કાર્ય કરવાવાળી શક્તિ પ્રાણ છે. જોકે પ્રાણ એક છે પરંતુ એના પાંચ કાર્ય હોવાને કારણે પ્રાણ પાંચ પ્રકારના છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન પ્રાણોને 'प्राणाद्याः पञ्चवायवः' કહ્યા છે. (૧) પ્રાણ શ્વાસ-પ્રશ્વાસને સંચાલિત કરે છે અને બાહ્ય જગતના વિષયોના ઉત્પ્રેરકોને નિયંત્રિત રાખે છે. (૨) અપાન વિસર્જન શક્તિ છે, આ શક્તિથી વીર્ય, થૂંક, પસીનો, મૂત્ર, મળ વગેરે શરીરની બહાર ફેંકાય છે. (૩) સમાન પ્રાણ પાચન શક્તિ છે. આ પેટમાં પહોંચેલ ભોજનને પચાવે છે. (૪) વ્યાન રક્ત સંચાલક શક્તિ છે. પચેલા અન્નથી બનેલા રક્તને શરીરમાં વિતરિત કરે છે. (૫) ઉદાન વિચાર કરવાની શક્તિ છે. મૃત્યુ કાળમાં જીવને આ શક્તિ શરીરથી બહાર કાઢી બીજા શરીરમાં લઈ જાય છે.
 
મનુષ્યની આયુ વધવા સાથે ધીરે-ધીરે આ શક્તિઓ ક્ષીણ (નબળી) થવા લાગે છે. જ્યારે આ પ્રાણ ઠીક-ઠીક કાર્ય નથી કરતા ત્યારે શરીર ઉપર એનો પ્રભાવ પડે છે.
 
પ્રાણમય કોશમાં પાંચ પ્રાણોની સાથે પાંચ કર્મેન્દ્રિયોની પણ ગણના કરવામાં આવે છે, કારણ કે આ બધા એક જ તત્ત્વ અપંચીકૃત પંચમહાભૂતોના રાજસ અંશથી નિર્મિત છે અને કર્મ ઇન્દ્રિયો પ્રાણની ક્રિયા શક્તિથી જ સંચાલીત થાય છે.
 
>> મનોમય કોશ
 
मनोमय कोशः कः ?
मनश्च ज्ञानेन्द्रिय पञ्चकं मिलित्वा,
यो भवति स मनोमयः कोशः ।
મનોમય કોશઃ કઃ ?
મનશ્ચ જ્ઞાનેન્દ્રિય પઞ્ચકં મિલિત્વા,
યો ભવતિ સ મનોમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
મનોમય કોશ શું છે?
મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને મનોમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
અન્નમય કોશના અંતર્વર્તી અને એની આત્મા પ્રાણમય કોશ છે. પ્રાણમય કોશના અંતર્વર્તી અને એની આત્મા મન છે. આ કોશ ક્રમશ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ કોશ તેનાથી સ્થૂલ કોશોમાં અંતઃવ્યાપ્ત થઈ જાય છે અને તેને પોતાના નિતંત્રણમાં રાખે છે. ઉદાહરણ તરીકે , જ્યારે મન કોઈ દુઃખથી ઉદ્વિગ્ન (વ્યાકુળ) થાય છે તો તેનો પ્રભાવ પ્રાણ અને શરીર પર જોવા મળે છે.
 
મન જ્ઞાનેન્દ્રિયો પાસેથી રૂપ, રસ આદિ વિષયો પ્રાપ્ત કરે છે અને તેની પ્રતિક્રિયા કર્મેન્દ્રિયોને સૂચિત કરે છે. જોકે પાંચ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થવાવાળા વિષય અલગ અને ભિન્ન પ્રકારના હોય છે પરંતુ તે મનમાં એકીકૃત થઈને વસ્તુનું બિંબ પ્રસ્તુત કરે છે. મન એને બુદ્ધિની સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે.
 
આ ઉપરાંત મન વિચારોનો સતત પ્રવાહ છે. જો પ્રત્યેક વિચારને એક ડોલ પાણી માની લઇએ તો મન એક નદી છે જેમાં પાણી નિરંતર પ્રવાહિત રહે છે. ઘેરાયેલા પાણીમાં એની શક્તિ નથી દેખાય દેતી પરંતુ તેના પ્રવાહિત થવા પર નદીમાં ગતિ અને શક્તિ આવી જાય છે. આ જ પ્રકારે વિચાર પ્રવાહિત થાય છે તો તેમાં ઘણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને મન મનુષ્યનો સૌથી મોટો શક્તિશાળી વિરોધી બની જાય છે.
 
>> વિજ્ઞાનમય કોશ
 
विज्ञानमय कः ?
बुद्धि ज्ञानेन्द्रिय पञ्चकं मिलित्वा,
यो भवति स विज्ञानमयः कोशः ।
વિજ્ઞાનમય કઃ ?
બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય પઞ્ચકં મિલિત્વા,
યો ભવતિ સ વિજ્ઞાનમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
વિજ્ઞાનમય કોશ શું છે?
બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને વિજ્ઞાનમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
બુદ્ધિને વિજ્ઞાનમય કોશ કહે છે. આની સાથે પણ પાંચ જ્ઞાનેન્દ્રિયોની ગણના કરવામાં આવે છે. આ મનથી અધિક સૂક્ષ્મ છે. પૂર્વ સ્મૃતિનો ઉપયોગ કરી બુદ્ધિ વર્તમાન વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર વિચાર કરવા અને નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે.
 
મન અને બુદ્ધિની કાર્યવિધિઓ અને એના કાર્ય-વિશેષ એક ઉદાહરણથી ભલી-ભાંતિ સમજી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સળગતી સિગારેટના ટુકડા પર પગ મૂકી દે છે તો તે તુરંત પોતાનો પગ હટાવી દે છે પરંતુ આ ક્રિયા પહેલા ઘણી પ્રતિક્રિયા થાય છે. જ્યારે મનુષ્યનો પગ અગ્નિના સંસર્ગમાં આવે છે, ત્વચા અગ્નિના ઉત્પ્રેરકને મન સુધી પહોંચાડે છે અને મન એને બુદ્ધિ સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે. બુદ્ધિ એના પૂર્વ અનુભવ અને જ્ઞાનના આધારે મનને આદેશ આપે છે, અને મન શરીરની માંશપેશીઓને આદેશ આપે છે કે પગ હટાવી લેવામા આવે, કારણ કે જે વસ્તુના સંસર્ગમાં પગ છે તે શરીર માટે હાનિકારક છે.
 
મન કેવળ જ્ઞાત ક્ષેત્રમાં વિચરણ કરવામાં ક્ષમતા રાખે છે, પરંતુ બુદ્ધિ જ્ઞાત ક્ષેત્રમાં રહેવા અતિરિક્ત અજ્ઞાત ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ ધરાવે છે. તે નવી-નવી શોધ કરી શકે છે, નવી વાતો પર વિચાર કરી શકે છે અને નવા સિદ્ધાંતોને સમજી શકે છે.
 
>> આનંદમય કોશ
 
आनन्दमयः कः ?
एवमेव कारणशरीरभूताविद्यास्थमलिनसत्वं,
प्रियादि वृत्ति सहितं सत्, आनन्दमयः कोशः ।
આનન્દમયઃ કઃ ?
એવમેવ કારણશરીરભૂતાવિદ્યાસ્થમલિનસત્વં,
પ્રિયાદિ વૃત્તિ સહિતં સત્, આનન્દમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
આનંદમય કોશ શું છે?
આ પ્રકારે કારણ શરીર, જે અવિદ્યામાં સ્થિત મલિન સત્વ છે અને જેની પ્રિય આદિ વૃત્તિઓ છે, આનંદમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
કારણ શરીરને જ આનંદમય કોશ કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂલ શરીરોનો હેતુ હોવાને કારણે જેને કારણ શરીર કહીયે છીએ તે જ સુખની પ્રચુરતાના કારણે આનંદમય કોશ કહેવાય છે. આ અવિદ્યાજનિત છે અને સુષુપ્તાવસ્થામાં આપણે આમાં જ સિમિત રહીએ છીએ. આ બુદ્ધિથી પણ અધિક સૂક્ષ્મ અને એમાં અંતઃવ્યાપ્ત એની આત્મા છે.
 
આનંદમય કોશ મલિન-સત્ત્વથી નિર્મિત છે. સત્ત્વ ગુણમાં રજસ અને તમસના મિશ્રણ થઈ જવા પર તે મલિન થઈ જાય છે. આ મિશ્રણનું પ્રમાણ અનેક પ્રકારનું હોય શકે છે. કર્મના પ્રભાવથી આમાં પરિવર્તન પણ થઈ શકે છે. આને 'વાસના-પુંજ' પણ કહી શકયે છીએ.
 
સત્ત્વમાં રજસ અને તમસના મિશ્રણથી ઉત્પન્ન થયેલ મલિનતા આવરણનું કામ કરે છે. આ આવરણ બુદ્ધિમાં આત્માનું જ્ઞાન નથી થવા દેતું, તેથી આ મલિન સત્ત્વના વાસનાપુંજને અવિદ્યા કહેવાય છે. એમાં ઉત્પન્ન થયેલ અને એના નિયંત્રણમાં રહેવાવાળી બુદ્ધિમાં આત્માનું શુદ્ધ રૂપ અનુભૂત નથી થતું.
 
સુષુપ્તાવસ્થામાં આ કોશ સ્પષ્ટ અને અલગ અનુભવમાં આવે છે. એને આનંદમય એટલા માટે કહેવાય છે કે વ્યક્તિની જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં કોઈ પણ દશા હોય, ચાહે તે ધની કે દરિદ્ર હોય, સ્વસ્થ કે અસ્વસ્થ હોય, યુવા કે વૃદ્ધ હોય, એક વાર સુષુપ્તિમાં પહોંચવા અર બધાને એક સમાન અચળ શાંતિ અને સુખનું અનુભવ થાય છે, કારણ કે અન્ય બે અવસ્થાઓમાં પ્રાપ્ત થવાવાળા વિક્ષેપ આ સમયે તિરોહિત (આચ્છાદિત) થઈ જાય છે.
 
આનંદમય કોશનો આનંદ શુદ્ધ આત્માનો આનંદ નથી. અવિદ્યાની ઉપાધિમાં આ પ્રિય, મોદ અને પ્રમોદ રૂપમાં ભાસિત થાય છે. એ સુખની ત્રણ વૃત્તિઓ છે. અહીં આ સ્પષ્ટ કરી દેવું ઉચિત છે કે લૌકિક સુખ વૃત્તિજન્ય છે અને આત્માનું સુખ નિર્વૃત્ત છે. 'પ્રિય-વૃત્તિ' અપ્રાપ્ત વસ્તુના સ્મરણમાં સુખનો અનુભવ કરાવે છે. એ વસ્તુની પ્રાપ્તિ થવા પર જે સુખ મળે છે તેને 'મોદ-વૃત્તિ' કહે છે. પ્રાપ્ત વસ્તુના ઇન્દ્રિય ભોગ થવા પર જે સુખ મળે છે તેને 'પ્રમોદ-વૃત્તિ' કહે છે. બુદ્ધિમાં ઉત્પન્ન થવાવાળી આ વૃત્તિઓ આનંદમય કોશ છે.
 
एतत्कोशपञ्चकम् ।
એતત્કોશપઞ્ચકમ્ ।
 
[ભાવાર્થ]
આ પાંચ કોશ છે.
 
[વ્યાખ્યા]
આ પાંચ કોશ છે જેનાથી આત્મા આવૃત્ત થઈને અજ્ઞાત થઈ ગયી છે. આત્મા પર પહેલું નિકટતમ આવરણ આનંદમય કોશ કે કારણ શરીર છે. તેનાથી તાદાત્મ્ય કરી આપણે સમજીએ છીએ કે સચ્ચિદાનન્દ આત્માનું આપણને જ્ઞાન નથી. એનાથી અનુભવ થવાવાળી પ્રિય, મોદ અને પ્રમોદની વૃત્તિઓનું સુખ જ આપણને ભૂલાવી રાખે છે.
 
આનંદમય કોશ પર બીજું આવરણ બુદ્ધિનું છે. એની સાથે તાદાત્મ્ય કરવા પર આપણે સમજીએ છીએ કે આપણને આ જ્ઞાન છે અને આ જ્ઞાન નથી. આના પર મનનું આવરણ પડવા પર આપણે સુખી, દુઃખી, ક્રોધી આદિ અનુભવ કરીયે છીએ. એના પર ફરી પ્રાણમય કોશનું આવરણ હોવાથી આપણે ભૂખ, તરસ, ચાલવું, ફરવું વગેરેનો અનુભવ કરીયે છીએ. અન્નમય કોશ એના પર અંતિમ આવરણ છે. એમાં સ્થિત થઈને આપણે જાડા, પટલા, રોગી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-શુદ્ર વગેરે સમજીએ છીએ. આત્માના અજ્ઞાનમાં આ બધા ત્રુટિપૂર્ણ અનુભવ થાય છે, જેમ જમીન પર પાનના આવરણ હટાવવા પર ઘાસ દેખાવા માડે છે, એ પ્રકારે આ કોશોથી પરિચ્છિન્ન આત્માનું અનુસંધાન કરવું જોઇએ.
 
>> પંચકોશાતીત
 
मदीयं शरीरं मदीयाः प्राणाः, मदीयं मनश्च मदीया बुद्धिः
मदीयं ज्ञानमिति स्वेनैव ज्ञायते,
तद्यथा मदीयत्वेन ज्ञातं, कटककुंडल गृहादिकं, स्वस्माद् भिन्नं,
तथा पञ्च कोशादिकं, स्वास्माद् भिन्नं
मदीयत्वेन ज्ञातमात्मा न भवति ।
મદીયં શરીરં મદીયાઃ પ્રાણાઃ, મદીયં મનશ્ચ મદીયા બુદ્ધિઃ
મદીયં જ્ઞાનમિતિ સ્વેનૈવ જ્ઞાયતે,
તદ્યથા મદીયત્વેન જ્ઞાતં, કટકકુંડલ ગૃહાદિકં, સ્વસ્માદ્ ભિન્નં,
તથા પઞ્ચ કોશાદિકં, સ્વાસ્માદ્ ભિન્નં
મદીયત્વેન જ્ઞાતમાત્મા ન ભવતિ ।
 
[ભાવાર્થ]
જેમ કટક (લશ્કરની રહેવાની જગ્યા), કુણ્ડલ, ગૃહ આદિ આપણાથી ભિન્ન છે, તેવી જ રીતે મારું શરીર, મારા પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, મારું જ્ઞાન - આ રૂપમાં ભાસિત થતા પંચકોશ આદિ પણ આપણાથી ભિન્ન છે. આ બધું મારું છે તેથી હું (અત્મા) આમાંથી કોઈ પણ નથી.
 
[વ્યાખ્યા]
જ્ઞાત અને જ્ઞેયમાં ભેદ છે. ઘટનો દ્રષ્ટા ઘટથી ભિન્ન હોય છે. તે પોતાને ઘટ નથી સમજતો. તેવી જ રીતે આ ગૃહ મારું છે તો પણ હું સ્વયં ઘર નથી. આ કંકણ અને કુણ્ડણ મારા છે, આ પહેરેલા વસ્ત્ર મારા છે પરંતુ હું આમાંથી કોઈ નથી. આ જ રીતે આ શરીર, આ પ્રાણ, આ મન મારા નથી પરંતુ હું સ્વયં શરીર આદિ નથી. પંચકોશ કે ત્રણ શરીર અને આમાં અનુભવ થવાવાળા ભૂખ-તરસ, રાગ-દ્વેષ વગેરે હું નથી. આ બધું અનાત્મા છું.
 
========= * ========