બ્રહ્મ શું છે? - સ્વામી શિવાનન્દ

બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના મણિ છે, રત્નોના રત્ન છે. તે અવિનાશી અનંત પરમ નિધિ છે જે ન ચોરી શકાય, ન લૂટી શકાય. તે ચિંતામણિઓના ચિંતામણિ છે જે મનુષ્યને બધા ઇચ્છિત પદાર્થ આપે છે.
 
જે સ્વયં બધાને જુએ છે, જેને બીજા નથી જોઇ શકતા; જે બુદ્ધિને પ્રકાશ આપે છે, પરંતુ જેને કોઈ પ્રકાશ નથી આપી શકતું, તે બ્રહ્મ છે, તે આત્મા છે.
 
બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, શુદ્ધ સત્તા છે, વિશ્વાધાર છે, ચૈતન્ય રૂપ છે, પરમાનંદ રૂપ છે અને અપરિવર્તનશીલ છે.
 
તે પરમ સત્તા જ એક સત્તા છે. તે છે પરમાત્મા. તે છે પરબ્રહ્મ. તે અવિનાશી છે, અજ્ન્મા છે, અજર છે, અમર છે. તે સનાતન છે. તે એક છે. તે પ્રજ્ઞાનઘન (બુદ્ધિ સ્વરૂપ) તથા આનંદઘન (આનંદ સ્વરૂપ) છે.
 
બ્રહ્મ સત્-ચિત્-આનંદનો મહાન સાગર છે. એમની ચારે તરફ મન, પ્રાણ, આકાશ અને તન્માત્રાઓનો સાગર છે.
 
તે અશ્રુત શ્રોતા, અદૃષ્ટ દ્રષ્ટા, અચિંત્ય ચિંતક અને અજ્ઞાત જ્ઞાતા છે. બ્રહ્મ અજ, અજર, અમર અને અભય રૂપ છે. આ સંપૂર્ણ વિશ્વ જેમાં નિષ્પન્ન છે, જેમાં સ્થિત છે અને જેમાં લીન થશે તે છે બ્રહ્મ.
 
આત્મા નિત્ય છે, નિર્વિકાર છે, પ્રજ્ઞાનધન (બુદ્ધિ સ્વરૂપ), ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) અને અક્ષર છે. આત્મા દેશ-કાળની સીમાથી વિહીન છે. તે જ્ઞાનમય છે, શાંત અને સ્વયં જ્યોતિ છે, જ્યોતિર્મય છે. વેદાન્તના બધા સાધક બ્રહ્માનુભવ (બ્રહ્મનો અનુભવ) પ્રાપ્ત કરવા માટે આનું ધ્યાન કરે છે. તે પરમ વસ્તુ કહેવાય છે. તે અમરત્વ પ્રદાન કરનાર છે.
 
બ્રહ્મમાં ન પૂર્વ છે ન પશ્ચિમ, ન પ્રકાશ છે ન અંધકાર, ન સુખ છે ન દુઃખ, ન ભૂખ છે ન પ્યાસ, ન હર્ષ છે ન શોક, ન લાભ છે ન હાનિ.
 
આત્મા નિરવયવ (અવયવ હીન) છે, તેથી તે નિષ્ક્રિય છે. નિરવયવ આત્મામાં કર્તાપનનો આરોપ વળી કઈ રીતે કરી શકાય? આત્માનું કોઈ શરીર નથી. તે અતનુ (શરીર હીન) છે, નિરાકાર છે. પછી એને જરા (વૃદ્ધાવસ્થા), મરણ ક્યાંથી આવે? આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. આત્મા મન, શરીર વગેરેની જેમ ઉત્પન્ન નથી. નિત્ય ચૈતન્ય જ એનો સ્વભાવ છે. જીવાત્મા અને પરમાત્મા એક જ છે.
 
આત્મા જ્ઞાન માત્રનો દ્રષ્ટા છે, સાક્ષી છે; કારણ કે તે અસીમ અને સ્વયં-જ્યોતિ છે. તે ન તો સ્વયં પ્રકટ થાય છે અને ન તો કોઈ દ્વારા પ્રકટ કરી શકાય છે. એને પ્રત્યક્ષ અનુભવથી, અંતર્જ્ઞાનથી કે અપરોક્ષાનુભૂતિથી જાણી શકાય છે.
 
સચ્ચિદાનંદના રૂપમાં જ બુદ્ધિ બ્રહ્મને સમજી શકે છે. આ જ કારણ છે કે એમાં આ ગુણ માનવામાં આવે છે, પરંતુ બ્રહ્મ વાસ્તવમાં સચ્ચિદાનંદથી પણ ભિન્ન છે. આનો આ અર્થ નથી કે બ્રહ્મ અસ્તિત્વહીન કે શૂન્ય છે, અભાવાત્મક વિચાર કે આત્મ-વિષયક રહસ્ય છે. નહીં ! એકમાત્ર તે જ જીવંત સત્ય છે. એની જ સત્તા છે. તે સાર વસ્તુ છે.
 
મન સદૈવ (હંમેશા) આનંદની શોધમાં ભટકતું ફરે છે, કારણ કે તે આનંદમાંથી જ નિષ્પન્ન થયેલ છે. આપણને કેરી એટલા માટે પસંદ છે કારણ કે આપણને એનાથી સુખ મળે છે. પ્રત્યેક વસ્તુથી આત્મા સર્વાધિક પ્રિય છે. આ જે આત્મ-પ્રિયતાનો આત્મ-પ્રેમ છે, તે આ વાતનું દ્યોતક (સૂચક) છે કે આનંદ આત્માનો સ્વભાવ છે.
 
તે અદ્વિતીય (એકમાત્ર) પરમ સત્તા જે પ્રત્યેક હ્રદયમાં અંતર્યામી છે, સૂત્રધાર છે, સાક્ષી છે, અંતરાત્મા છે, જેનો આદિ, મધ્ય અને અંત નથી, જે વિશ્વ, વેદ, મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિય, પ્રાણ વગેરેનો મૂળ સ્ત્રોત છે, જે સર્વવ્યાપી છે, નિર્વિકાર છે, એકરસ છે; ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમાન રૂપમાં છે, જે સ્વયંભૂ, સ્વતંત્ર અને સ્વયં-જ્યોતિ છે, તે ભગવાન છે, આત્મા છે, બ્રહ્મ છે, પુરુષ છે, ચૈતન્ય છે, પુરુષોત્તમ છે.
 
આત્મા જ્ઞેય માત્રથી ભિન્ન છે. અજ્ઞેયથી પણ તે શ્રેષ્ઠ છે. તે અગમ્ય છે. આનો એ અભિપ્રાય નથી કે તે કઈ જ નથી, શૂન્ય છે; તે ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) છે. ચૈતન્ય એક પથ્થર, હીરા કે સ્વર્ણથી પણ અધિક ઠોસ છે. તે એક વાસ્તવિક જીવિત સત્તા છે, બધાનો એકમાત્ર આધાર છે.
 
આત્મા મનુષ્યની અંદર અમર તત્ત્વ છે. આત્મા જ વિચારો, ઇચ્છાઓ તથા તર્કોનું ઉદગમ-સ્થાન છે. આત્મા આધ્યાત્મિક તત્ત્વ છે; કારણ કે શરીર અને મનથી તે શ્રેષ્ઠ છે. તે અવશ્ય જ અમર છે; કારણ કે તે દેશ-કાળ-કારણથી અતીત છે; અનાદિ, અનંત, અકારણ અને અસીમ છે.
 
આત્મા કે બ્રહ્મ અક્ષુણ્ણ, સનાતન અને અવિનાશી તત્ત્વ છે. જે સર્વજગદાધાર (સર્વ જગત આધાર) છે, જે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓનો મૌન સાક્ષી છે. આ આત્માને જાણનાર અમર થઈ જાય છે, અમૃતાનંદ પ્રાપ્ત કરી લે છે.
 
બ્રહ્મને આત્મા અને પુરુષ પણ કહે છે. પુરુષ તેથી કહે છે કારણ કે તે શરીરમાં છે, તે સ્વયં જ પૂર્ણ છે. જે કઈ પણ આપણે જોઇએ છીએ, બધામાં એ જ છે. આત્મા જ ચરમ સત્ય છે. તે ચરમ દાર્શનિક સિદ્ધાંત છે. તે સર્વાધાર છે. તે જ જીવંત સત્ય છે. તે ઉપનિષદુક્ત બ્રહ્મ છે, જગનો સહારો છે, આ શરીર અને પ્રાણનો આશ્રય છે. તે અવ્યક્ત છે, શુદ્ધ છે.
 
બ્રહ્મ સ્વયં-જ્યોતિ છે. બ્રહ્મ કોઈ અન્યથી પ્રકાશિત નથી. બ્રહ્મ બધાને પ્રકાશિત કરે છે. સ્વયં-જ્યોતિત્વ એક એવો મૂળભૂત સિદ્ધાંત છે, જેના આધાર પર વેદાન્તનો આખો મહેલ ઊભો છે. આત્માથી જ સૂર્ય, ચન્દ્ર, તારા, વીજળી, અગ્નિ, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરેને પ્રકાશ મળે છે. આત્માના પ્રકાશથી જ બધું પ્રકાશિત છે, પરંતુ આત્માને કોઈ પ્રકાશિત નથી કરી શકતું.
 
એકમાત્ર આત્મા જ સત્તા છે. તે સ્વયં પોતામાં પ્રકાશિત છે. તે સ્વયં જ્યોતિ છે. સ્વયં જ્યોતિ આત્માથી પ્રકાશ લઈ શેષ બધા પદાર્થને પ્રકાશિત થાય છે.
 
મનુષ્યનો આત્મા બ્રહ્મ છે. તે જ સંપૂર્ણ વિશ્વનો આત્મા છે. બ્રહ્મ જ એક અસીમ છે. અસીમ બે પદાર્થ નહીં હોય શકે. જો બે અસીમ પદાર્થ હોય, તો તે આપસમાં ઝગડશે. એક કંઈક પેદા કરશે તો બીજો કંઈક મિટાવશે; તેથી અસીમ તો એક જ હોય શકે. આત્મા જ એકમાત્ર અસીમ બ્રહ્મ છે. શેષ અન્ય બધું જ એની અભિવ્યક્તિ છે.
 
બ્રહ્મ અજ, અવિનાશી, નિર્વિકાર, અતનુ (શરીર હીન) અને નિર્ભય છે. એનું કોઈ નામ-રૂપ-આકાર નથી. એમા6 સંકોચ-વિકાસ નથી, સુંદર-અસુંદર નથી. વાસ્તવમાં નિર્ભયતા જ બ્રહ્મ છે. જે બ્રહ્મને જાણે છે, તે અમર અને અભય થઈ જાય છે.
 
અંતરમાં ઝાંખો. તે જ આનંદનો સ્ત્રોત છે, તે જ સાચું જીવન છે. સાચો "હું" કોણ છે? તે આત્મા છ. તે જ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય છે.
 
- પરમ શ્રદ્ધેય શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ
(ડિવાઈન લાઈફ સોસાયટી વેબસાઇટ માંથી અનૂદિત)
 
આ લેખ વાંચ્યા પછી સ્વામી શિવાનન્દજી દ્વારા રચિત વિશ્વ પ્રાર્થના જરૂરથી વાંચો -
 
======== * ========