સ્થિત પ્રજ્ઞ - સ્વામી આત્માનંદ સરસ્વતી

દરેક મનુષ્ય પોતાના કોઈ ને કોઈ નિશ્ચયથી યુક્ત હોય છે. આ જ નિશ્ચયને આધાર બનાવી એનો વ્યવ્હાર અને સમસ્ત કાર્ય થતું હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક જીવનો આ નિશ્ચય હોય છે કે "હું અપૂર્ણ છું અને મારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, કે જે બાહ્ય નિમિત્તોથી જ મેળવી શકાય છે." આ સુનિશ્ચય નથી પણ એક ખોટી ભ્રાંતિ માત્ર છે. પરંતુ જેણે અંતર્મુખી બની તથા ગુરુના શ્રી ચરણોમાં બેસી દેહ આદિથી ઉપર ઉઠી સત્યને જાણી લીધું, તે પ્રબુદ્ધ થઈ જાય. આમ પોતાના વિષે પૂર્ણસ્વરૂપતાના નિશ્ચયથી યુક્ત મનુષ્યને ગીતામાં સ્થિત-પ્રજ્ઞ નામથી ઓળખાવામાં આવ્યા છે. અર્જુન સામે ભગવાને આને જ્ઞાનસાધ્ય લક્ષ્ય બતાવ્યું છે.
 
ભગવાન કહે છે કે સ્થિત-પ્રજ્ઞ સ્વયં પોતામાં પોતાથી સંતુષ્ટ હોય છે. સાધારણ રીતે જીવની સંતુષ્ટિ ક્યાંક બાહ્ય અનુકૂળતા ઉપર આશ્રિત હોય છે. પરંતુ અહી ભગવાન એક એવી મનઃસ્થિતિની ચર્ચા કરે છે કે જે કોઈ બાહ્ય અનુકૂળતાના માપદંડો પર નિર્ભર નથી. આ સંતુષ્ટિ પાછળ પોતાના સ્વરૂપ વિષે પૂર્ણતા, તેમજ જગતના મિથ્યાત્વના નિશ્ચયનું જ કારણ છે. જે પોતાની પરિપૂર્ણતાના જ્ઞાનથી યુક્ત છે તે જ અંદરથી તૃપ્ત થઈ શકે છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિની ઇચ્છાથી પ્રેરિત નહીં થાય. એના દ્વારા કરવામાં આવેલ કર્મ જગતના હિત માટે જ થાય છે. એવી પરિપૂર્ણતા વ્યક્તિત્વમાં નિર્ભીકતા લાવે છે. આ નિર્ભીકતા સાથે જ એક અલૌકિક પ્રેમની સુગંધ આવે છે.
 
તે જ્યારે આ જગતમાં વિચરે છે ત્યારે પણ વિષયો પ્રતિ એની દ્રષ્ટિ વિલક્ષણ હોય છે. એક અજ્ઞાની મનુષ્ય જ્યાં કોઈ વિષયને જુએ છે, તેને પોતાની ખામીઓ યાદ આવે છે. સુખની એ પળોને તે મુઠ્ઠીમાં બાંધવા ચાહે છે, અને દુઃખથી છુટકારો મેળવવા માટે છટપટે છે. તે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે. વર્તમાન સમય અથવા તો ભવિષ્યની ચિંતા તેમજ ભૂતકાળની ગ્લાનિથી વ્યથિત રહે છે. વળી 'જ્ઞાનવાન' આને તૃપ્ત નજરોથી જુએ છે, તેથી વિષયોને જોઈ તેને મેળવવા તે (જ્ઞાનવાન) લાલાયિત નથી. તે ન કોઈને પકડવાની કે છોડવાની ચેષ્ટા કરે છે. એના માટે ભૂત અને ભવિષ્યનું જાણે અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું હોય. વર્તમાનમાં તે સમગ્રતાથી યુક્ત બની જીવે છે. તે ન કર્મફળથી અને ન તો કર્મથી આનંદ(આસક્તિ) અનુભવે છે, પરંતુ પ્રત્યેક કર્મ આનંદની અભિવ્યક્તિ રૂપ હોય છે. અતંમાં એમાં સર્જનાત્મકતા હોય છે.
 
જગત પ્રતિ એવી પૂર્ણતાભરી દ્રષ્ટિના કારણે પ્રત્યેક કાર્ય, ભોગ અને વ્યવહારમાં સ્વતંત્રતા દેખાય છે. તે ઇચ્છે ત્યારે સ્વયંને વિષયોથી કાચબાની જેમ વિરત કરી શકે છે અને ઇચ્છે ત્યારે પ્રવૃત. તે પોતાના મન અને ઉપાધિનો સ્વામી બની જીવે છે. કોઈ પણ પરિસ્થિતિ એના પર હાવી ન થાય. અનુકૂળતામાં હર્ષિત થઈ અને પ્રતિકૂળતામાં શોકાકુલ થઈ અજ્ઞાની મનુષ્ય પોતાનું વિવેક ખોવી બેસે છે. તે એક આછા તળાવ જેવાં મનનું દર્શન કરે છે કે જેમાં થોડી અનુકૂળતા રૂપી વર્ષાનું પૂર અને પ્રતિકૂળતાના તાપથી દુકાળ થાય છે. એનાથી વિપરીત જ્ઞાનવાનનું મન એ વિશાળ મહાસાગરની જેમ ઊંડું અને તૃપ્ત છે જેમાં અસંખ્ય નદીઓના પાણીથી પણ પૂર નથી આવતું અને ન તો સૂર્યના પ્રચંડ તાપથી તે શુષ્ક બની જાય છે. તેથી એનું દરેક કાર્ય વિવેક યુક્ત હોય છે. બધી પરિસ્થિતિઓમાં, દેહ આદિના સંતાપોમાં પણ સમભાવથી યુક્ત રહેવા પાછળ એની પોતાની પૂર્ણતાની સમજ તો છે જ, સાથો-સાથ જગતને પણ સ્વપ્તવત્ જાણે છે. જેમ સ્વપ્નમાંથી જાગેલ વ્યક્તિ સ્વપનના અનુભવો પ્રતિ ઉદાસીન રહે છે, એવી જ રીતે સ્વપ્નમાં રહેતાં-રહેતાં સ્વપ્નથી તે જાગી ગયેલ છે. તેથી તેનાથી અસંગ રહે છે. પરંતુ જે આને (આ જગત અને જીવનને) સત્ય માની જીવી રહ્યા છે, તેમના પ્રતિ તે એટલી જ આત્મીયતાથી રહી, સંવેદના યુક્ત એમના કલ્યાણમાં લીન રહે છે. એમની ઉપાધિઓથી પૂર્ણતા અને આત્મીયતા સભર પ્રેમ એવી રીતે છળકે છે કે તે જગતના કલ્યાણ માટે આંધીની જેમ આગળ વધે છે. એમને ન માનની ઇચ્છા હોય છે અને ન તો અપમાનની પરવા. તેથી તે જે પણ કરે છે તે ઉચિત જ હોય છે.
 
- સ્વામી આત્માનંદ સરસ્વતી
વેદાંત આશ્રમ, ઇન્દૌર