સંસાર ત્યાગવા માટે નથી જાગૃતિ પૂર્વક ભોગવવા માટે જ છે - તત્ત્વચિંતક વી. પટેલ

આપણે સૌ વેદને માનીએ છીએ ને વેદ જ અપુરુષેય છે એટલે પરમાત્માની વાણી છે. વેદના ઋષીઓએ અને મંત્ર દ્રષ્ટાઓએ ક્યાંય પણ કહ્યું નથી કે સંસારનો સર્વથા ત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેમણે એમ કહ્યું છે કે સંસારમાં જાગૃતિ પૂર્વક જીવે જાવ, જરૂર મોક્ષને પામશો. તેઓ બધા જ સંસારી હતા ને સંસાર ભોગવતા-ભોગવાતા જ મોક્ષ ને પામ્યા છે. તે સત્ય હકીકત છે.

આજે સંસાર છોડવાની ધર્માત્માની વાતો માત્ર ને માત્ર ઘેલછા જ છે. તેઓ પણ મોક્ષના અધિકારી બન્યા નથી, કારણ કે તેઓ કોઈને કોઈ પદાર્થમાં આસક્ત હોય જ છે. કોઈ પોતાના ધર્મમાં, તો કોઈ ૧૦૦ મંદિર બાંધવામાં, તો કોઈ ધર્મનો ફેલાવો થાય તે માટે દુનિયામાં ભટકવામાં, કોઈ પોતાના શિષ્યોને થાળે પાડવા માટે જુદી જુદી જગ્યાએ મંદિરો બાંધવામાં, કોઈ પૈસા ભેગા કરવામાં તો કોઈ પોતાના વેશમાં, વગેરે પ્રકારની કોઈને કોઈ આસક્તિમાં આસક્ત છે, એટલે કે ઈચ્છા રહિત થયા હોતા જ નથી. જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા છે ત્યાં આસક્તિ હાજર છે, આસક્તિની હાજરી ત્યાં સુધી મોક્ષ તથા પરમ શાંતિ ગેરહાજર. આ અધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે. એટલું કે આ બધા બ્રહ્મ સ્વરૂપ કે સર્વજ્ઞ પણ નથી. જે વ્યક્તિ સર્વજ્ઞ નથી કે બ્રહ્મ રુપ નથી, તે ગુરુ માટે લાયક પણ નથી; એટલું સમજો તોય ઘણું છે.

જે વ્યક્તિ ઈચ્છા રહિત નથી તેને પગે લાગવાથી તેઓના અહંકારને પોષણ આપો છો. જ્યાં અહંકારની હાજરી ત્યાં દુઃખની હાજરી છે, શાશ્વત જગતનો નિયમ છે, એટલે તમો તેના અહંકારને પોષણ આપવામાં ભાગીદાર બનો છો, જેથી તમો તેમનું દુઃખ વધારો છો એ રીતે પાપના ભાગીદાર બનો છો, માટે વિચારીને પગે પડો. જે સર્વજ્ઞ છે તેને જરૂર પગે પડો, તેઓ ઈચ્છા રહિત છે, પરમાત્મા સ્વરૂપ છે. ત્યાં જરૂર પગે લાગો, આડે ધડ પગે લાગીને પાપના ભાગીદાર બનો નહી. આડેધડ ગુરુ પણ બનાવો નહી. જે સર્વજ્ઞ છે, તેમને જ ગુરુ બનાવો. ને એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે ગુરુ કદી જ્ઞાન આપી શકે જ નહી. તે તો આપણે સાધના દ્વારા અંદરથી જ શોધવું પડે છે. તેમાં કોઈ ગુરૂ કે બીજા કામ આવતાં જ નથી એ પણ શાશ્વત નિયમ છે.

વેદના ઋષિઓને સ્વર્ગની કલ્પના કરવી ગમતી પણ આ સ્વર્ગ પ્રાપ્ત કરવા માટેના ક્યાંય ઉપાયો કરવાનું ક્યાંય દર્શાવેલ નથી કે આ ઉપાયો કરવાથી સ્વર્ગ મળશે, એનો ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નથી. એનો અર્થ એ થયો કે જીવનમાં શાંતિ એ જ સ્વર્ગ છે, એમ તેઓ માનતા હતા ને શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો દર્શાવ્યા છે. એની સાધના પદ્ધતિનું પણ વર્ણન જોવા મળે છે. આ દુનિયા જ રહેવા લાયક છે, ને એને માટે લાયકાત પ્રાપ્ત કરવાની જ વાત જોવા મળે છે. એમણે જે જે સાધના પદ્ધતિઓનું નિદર્શન કરેલ છે, તેમાં સુખ વધુ ને વધુ પ્રાપ્ત થાય તેવી જ બધી સાધના પદ્ધતિ છે, અને દુઃખમાંથી મુક્તિ મળે, આ બધી સાધના કરવાથી સુખમાં વધારો જ થાય છે, તેમ તેમણે ભાર પૂર્વક જણાવેલ છે. આમ તેમનો તમામ જોક પરલોક કે સ્વર્ગ પ્રાપ્ત કરવામાં નથી પણ આ લોકમાં પરમ શાંતિ પ્રાપ્ત કરવા ઉપર જ હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે. તેમના સમગ્ર પ્રયત્નો નો સાર આ દુનિયામાં પરમ સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું તેની શોધ કરવામાં જ છે. તેઓને આધ્યાત્મિક સુખ સાથે ભૌતિક સુખ પણ ગમતું હતું, અને તે માટે જ તેમનો વિશેષ પ્રયત્ન રહ્યો છે. આમ ટૂંકમાં વેદના ઋષીઓએ સંસારમાં રહીને અનાસક્ત ભાવમાં સાક્ષી ભાવમાં સમતા ધારણ કરીને જાગૃતિ પૂર્વક જીવે જવાની જ વાત કરી છે ક્યાંય સંસાર છોડીને જવાની વાત કરી જ નથી.

આપણા ઉપનિષદના ઋષિઓએ ભૌતિક સુખને બદલે આધ્યાત્મિક સુખ ઉપર ભાર મૂક્યો છે. તેમણે પણ સંસાર છોડવાની ક્યાંય વાત સુધ્ધાં કરી નથી. આમ તેમણે પણ સંસાર ત્યાગવાથી આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે એમ ક્યાંય કહ્યું જ નથી, તેઓએ આત્મા સર્વવ્યાપી છે તેની ઘોષણા કરી છે, એટલે સંસાર છોડીને ક્યાંય જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એટલે તેમણે આ દુનિયામાં આધ્યાત્મિક પરમ સુખની વૃદ્ધિ કેવી રીતે થાય એની જ શોધ કરવા પ્રયત્ન કરેલા છે, એટલે તેમણે બ્રહ્મ ની પ્રાપ્તિ કે સર્વજ્ઞતા માત્ર સંસાર ત્યાગવાથી જ થાય છે, એવું ક્યાંય કહ્યું જ નથી. સંસારમાં રહીને પરમ સુખ, પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે એટલે જ આપણી સમક્ષ જનક રાજાનો દાખલો રજુ કરેલ છે. તેઓ સંસારમાં રહીને અનાસક્ત ભાવમાં સાક્ષી ભાવમાં ને સમતામાં સ્થિર થયેલા મહાપુરુષ દર્શાવ્યા છે ને તેઓ ને મોક્ષ પ્રાપ્ત થયો છે તેમ કહ્યું છે. આમ સંસાર છોડવાની જરૂર કોઈ નથી તે સાબિત કરી દીધું છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે બ્રહ્મ પ્રાપ્તિ કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટે સત્ય આધારિત સાચો સંન્યાસ ઉપકારક જરૂર છે પણ તેજ જરૂરી છે એમ ક્યાં કહ્યું નથી. સંસાર છોડવાથી કે કર્મો છોડવાથી જ મુક્તિ મળે છે તેવું વેદના ઋષિઓએ કે ઉપનીષદના ઋષિઓ એ ક્યાંય કહ્યું જ નથી તેમણે માત્ર ને માત્ર સંસારમાં રહીને આસક્તિ મોહ-મમતા, રાગદ્વેષ અહંકારથી મુક્ત થાવ એમ સ્પષ્ટ કહ્યું છે ને અનાસક્ત ભાવમાં સમતા ભાવમાં ને સાક્ષી ભાવમાં શિર થઈને જીવન જાગૃતિ પૂર્વક જીવે જાવ જરૂર પરમ શાંતિ, પરમ સુખ પ્રાપ્ત થશે જ તેની ખાતરી ને બાહેંધરી આપી છે.

સારાંશ એ છે કે તત્વજ્ઞાન એ બ્રહ્મ સ્વરૂપ થવામાં કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવામાં કારણ રૂપ જરૂર છે, પણ બાહ્ય આચાર કે કર્મકાંડની કોઈ આવશ્યકતા નથી ને જરૂરી પણ નથી એમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, બીજા શબ્દોમાં કહીએ તો આ ઋષિઓનો પ્રયત્ન વિદ્યમાન સંસારને નવું રૂપ આપવાનો જ હતો. સંસાર એનો એ જ છે પત્ની, પુત્ર, ધન, દોલત, એ બધું એનું એ જ છે, પણ તેને જોવાની દ્રષ્ટિ માં પરિવર્તન કરવાનું જ કહ્યું છે એટલે કે આપણા ભાવમાં જ ફેરફાર કરવા કહ્યું છે. જો આ કરી શકીએ તો અહીં બેઠા જ પરમ શાંતિ, પરમ સુખ છે, અને એ જો ભાવમાં ફેરફાર કરી શક્યા તો જીવન ધન્ય છે.

એ દ્રષ્ટિનો વિકાસ આપણે સ્પષ્ટ રૂપે ભગવત ગીતામાં જોઈ શકીએ છીએ. ગીતાએ એ અનાસક્તિ યોગ આપણી સમક્ષ પ્રસ્થાપિત કર્યો છે, અને અનાસક્ત યોગમાં સ્થિર થનાર પરમ શાંતિ અને પરમ સુખ પ્રાત કરી શકે છે તેવી ઘોષણા સ્પષ્ટ રૂપે કરી છે. ગીતાએ સંસાર છોડવાની ક્યાંય વાત સુધ્ધાં કરી નથી. કર્મ છોડવાની વાત પણ કરી નથી, કર્મ તો ફલાશા છોડીને કરતા જ રહો, એટલે કે ફળનો મોહ છોડો, ટૂંકમાં રાગદ્વેષ, અહંકાર, વાસના અને આસક્તિ છોડવાની ને સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થવાની વાત ગીતાએ કરી છે. ગાંધીજી એ સ્પષ્ટ કહ્યું કે કર્મમાં ફળની આશા છોડે તે ચડે ને કર્મમાં ફળની આશા રાખે તે પડે આમ ગીતાએ વેદ અને ઉપનીષદના વિચારનો વિસ્તાર કર્યો છે એમ કહી શકાય.

વૈદિક પરંપરામાં આ લોકને બગાડીને પરલોક સુધારવાની કોઈ વાત છે જ નહી પણ આલોકને જ સુધારીને પરલોક સુધારી શકાય છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે પરલોક જેવી વસ્તુની અમોને પરવા જ નથી. આલોકમાં જ જાગૃતિ પૂર્વક જીવવામાં જ અમોને રસ છે, અને જાગ્રતિ પૂર્વક જીવવામાં જ પરમ સુખ, પરમ આનંદ સમાયેલો છે. વિદ્યમાન જીવન અને ભવિષ્યનું જીવન એમ જીવનમાં ભેદ છે. આત્મા સર્વ વ્યાપી હોય ને તેને ક્યાંય જવા આવવાનું છે જ નહી. પણ અત્યારે આજે તેની જે અવસ્થા છે તેથી વધારે સારી અવસ્થા કેમ કરવી તેજ જીવનમાં જાગૃતિ પૂર્વક જોવાનું છે. જાગૃતિ પૂર્વક જીવવા માટે જ સાધના કરવાની છે, સાધના એટલે બીજું કાઈ નહી માત્ર ને માત્ર જાગૃતિ પૂર્વક જીવવું જ છે. એટલે વિદ્યમાન જીવનને બગાડીને ઉત્તરકાળ સારો થવાનો સંભવ ઓછો છે. જે લોકો સાથે આપણે રહીએ છીએ એ લોકોને સુધારવાથી આ લોકોની દ્રષ્ટિને ઠીકઠાક કરવાથી એટલે કે તેઓને અનાસક્ત ભાવમાં સ્થિર કરવાથી આપણું ઘણું બધું કામ સરે છે, આ લોકથી અલગ થઈને જ સાધના કરી શકાય છે એવો આ જગતમાં કોઈ એકાંત માર્ગ નથી. એટલે લોકોની વચ્ચે રહીને જ સાધના કરવી જોઈએ અને અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં, સમતા ધારણ કરી ને જીવવું એજ રાજ માર્ગ છે. આ દ્રષ્ટીએ જોઇએ તો વૈદિક ધર્મ એ સંન્યાસ નથી પણ ગૃહસ્થ ધર્મ ને જ માન્ય કરેલો છે સંસાર છોડવાની વાત એ તો માત્ર ને માત્ર ધેલછા છે. તેમાં કોઈ શાંતિનો અહેસાસ નથી, કારણ કે ત્યાં પણ તેઓને આસક્તિ છેડો મુક્તિ નથી, ને આસક્તિથી મુક્ત થયા વિના પરમ શાંતિ નથી.

ગીતાએ સ્વધર્મમાં જીવે જાવ તેમ સ્પષ્ટ કહ્યું છે. સ્વધર્મ એટલે આપણો પોતાનો સ્વભાવ, નહી કે સંપ્રદાય કે પંથના અનુયાયી થવું. માત્રને માત્ર આપણા સ્વભાવને જાણી તે સ્વભાવને અનુરૂપ થઈને સ્વસ્થતા પૂર્વક, પ્રસન્ન ચિત્તે જીવન જાગૃતિ પૂર્વક જીવે જઈએ. જરૂર જીવનમાં પરમ શાંતિ, પરમ આનંદ પ્રાપ્ત થશે જ એમ ગીતાએ સ્પષ્ટ કહ્યું છે. ચાલો આપણે અનાસક્ત ભાવમાં સ્થિર થઇએ ને રાગદ્વેષ છોડીને અહંકારને તિલાંજલિ આપીને, અનાસક્ત ભાવ ધારણ કરી સત્યતા પૂર્વક, સરળતા, સહજતા ને સ્વસ્થતા પૂર્વક જીવીએ ત્યા જ શાંતિબેન ઊભા છે ને સુખભાઈની હાજરી ત્યાં જ છે. જરૂર બન્ને નુ મિલન થશે જ જેની ગીતાએ ખાતરી ને બાહેધરી આપી છે આનાંથી વધારે આપણે શું જોઈએ.
તત્વચિંતક વી પટેલ