સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો

શ્રી અર્જુન બોલ્યા.....
 
સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ?
બોલે રહે ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો
 
શ્રી ભગવાન બોલ્યા.....
 
મનની કામની સર્વે છોડીને આત્મામાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિત પ્રજ્ઞ જાણવો.
દુઃખે ઉદ્વેગના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.
 
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
 
નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં તે ટળે પેખતાં પરં.
પ્રયત્નમાં રહે તો યે, શાણા એ નર ના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી.
 
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
 
વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશે વિનાશ છે.
 
રાગને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે, વશે ઈન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે પ્રસન્નતા.
પામ્યો પ્રસન્નતા તેના, દુઃખો સહુ નાશ પામતા, પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર.
 
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને?
ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન, દેહીની તે હરે બુદ્ધિ, જમે વા નાવને જળે.
 
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
નિશા જે સર્વે ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધા ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.
 
સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં નિર બધા પ્રવેશે,
જેમાં પ્રવેશે સહુકામ તેમ, તે શાંતિ પામે નહિં કામ કામી
 
છોડીને કામના સર્વે ફરે જે નર નિઃસ્પૃહ, અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.
આ છે બ્રહ્મ દશા એને, પામ્યેના મોહમાં પડે, અંત કાળે ય તે રાખી, બ્રહ્મ નિર્વાણ મેળવે.
 
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(ગીતા ધ્વની)