ગીતા સાર - અર્જુન સાંભળો રે

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે
       તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે
આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે
       તે તો સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે
સત્કર્મ ધર્મ કહેવાય, આચરતાં ચિત્ત શુદ્ધિ થાય
       તે તો કર્મ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે
સત્કર્મ સદા આચરીયે ફળ હરિને અર્પણ કરીએ
       તે તો બ્રહ્માર્પણ કહેવાય, અર્જુન સાંભળો રે
પોતે પોતાના ગુરુ બનીએ નારાયણનું ધ્યાન જ ધરીએ
       તે તો સંયમી કહેવાય, અર્જુન સાંભળો રે
વાસુદેવ સર્વ વ્યાપક છે હજારોમાં કોક જાણે છે
       તે તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે
આખા વિશ્વતણો ક્ષણ થાય, મારું ધામ અક્ષય કહેવાય
       અક્ષર ધામ તે કહેવાય, અર્જુન સાંભળો રે
સરજુ પાળુને સહારું માટે ભજન કરો તમે મારું
       તે તો રાજયોગ કહેવાય, અર્જુન સાંભળો રે
હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
       આ છે વિભૂતીયોગ મારો, અર્જુન સાંભળો રે
અંતરની આખો ખોલો, મને સઘળે હવે તમે જોઈ લો
       તે તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભળો રે
અનન્ય ચિંતન મારું કરશે તે તો મૃત્યુ સાગર તરશે
       એવું ભક્તિયોગ સમજાવે, અર્જુન સાંભળો રે
દેહ પ્રકૃતિને કહેવાય, જીવ મારો અંશ કહેવાય
       ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે
જ્યારે ભેદભાવના જાયે, ત્યારે સમાનતા આવે,
       તે તો ત્રિગુણાતિત કહેવાય, અર્જુન સાંભળો રે
જગ વૃક્ષ તણું જે મૂળ છે, જડ ચેતનથી ઉત્તમ છે
       તે તો પુરુષોત્તમ કહેવાય, અર્જુન સાંભળો રે
સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય,
       તે તો દેવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે
જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
       તે તો શ્રદ્ધાત્રય કહેવાય, અર્જુન સાંભળો રે
સઘળા ધર્મો છોડી દોને, તમે મારે શરણે આવો ને
       મુક્ત સંન્યાસી થઈને, અર્જુન સાંભળો રે
ગીતામૃત પાન જે કરશે તેને જીવનમુક્તિ મળશે
       તેનો થાશે જય જયકાર, અર્જુન સાંભળો રે
કવિશ્રી - શ્રી શિવરામ
======== * ========