સમગ્ર જીવન - સ્વામી આત્માનંદ

પરમાત્માના વિશેષ અનુગ્રહથી આપણને આ અદ્‍ભુત જગતમાં સુંદર જીવન જીવવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે. જો જીવનને નજદીકથી અને ગહન રીતે જોવામાં આવે તો એક મહાન કૃપાની અનુભૂતિ થયા વગર નહીં રહે. સંપૂર્ણ જગત એક ખુબ જ સુંદર વ્યવસ્થા છે. સૌરમંડળમાં વિવિધ ગ્રહ-નક્ષત્ર ભ્રમણ કરી રહ્યાં છે. પૃથ્વી પોતાની ધરી પર, સૂર્યની ફરતે ભ્રમણ કરી રહી છે. સમય-સમય પર ઋતુઓ પરિવર્તિત થાય છે. વૃક્ષ આદિ પોતાના સમય પર ફળ આપે છે. સૌમાં એક સંવાદિતા નજર આવે છે. એકમાં થતા પરિવર્તનનો તથા વિકૃતિનો બીજા પર પ્રભાવ જોવા મળે છે. એ જોવા મળે છે કે આખી સમષ્ટિ અન્યોન્ય રીતે સંબદ્ધ છે. આવા સુંદર જગતનો અનુભવ કરનારના આનંદની કોઈ સીમા નથી રહેતી. જીવનમાં પણ બહુ વિરલ ક્ષણો હોય છે કે જેમાં આ સુંદરતા તેમજ વ્યવસ્થાનો અનુભવ થતો હોય છે. દરેક વ્યક્તિ આ આવશ્યક સજગતા તેમજ સંવેદનશીલતાથી વંચિત હોવાના કારણનું જ શોધ કરવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર જગતને જોવાના દ્રષ્ટિકોણના પરિવર્તનથી બધુ બદલાય શકે છે. તેથી આના પર વિચાર કરવું આવશ્યક છે જગતને આપને કઈ દ્રષ્ટિથી નિહાળીયે છીએ, અને કઈ દ્રષ્ટિથી નિહાળવાથી કયું પરિણામ આવી શકે છે.
 
જગતને જોવાની અને જીવનને જાણવા માટે સામાન્ય રીતે બે દ્રષ્ટિઓ છે - ૧) ખંડિત દ્રષ્ટિકોણ ૨) સમગ્ર દ્રષ્ટિકોણ.
 
ખંડિત દ્રષ્ટિકોણ એ છે - જેમાં બધું અલગ-અલગ જોવામાં આવે છે. આપણે આપણા જીવનનો ભાર પોતે જ ઊંચકવાનો છે. આપણા જીવનનો બધો ભાર આપણા ઉપર જ છે, એટલું જ નહીં પરંતુ બીજા લોકો પણ આપણા માટે કોઈને કોઈ રીતે સમસ્યાનું કારણ જ બનતા રહે છે, તો કેટલાક સહયોગી પણ બને છે. એમની સાથેના સંબંધ કૃતજ્ઞતાપૂર્ણ નહીં થતા સ્વાર્થજનિત અને અહં કેન્દ્રિત હોય છે. એવા વ્યક્તિ એમની આસપાસ અહંકારની પાકી દિવાલ બનાવી દે છે તથા તેઓ પોતે જ એનાથી ઘુટન અનુભવે છે. તે સ્વનિર્મિત દિવાલના કારણે પોતાના હ્રદયમાં કોઈનો પ્રવેશ થવા દેતા નથી. તેઓ એકલાપણું, અસુરક્ષા, તણાવ આદિથી ગ્રસિત રહે છે. તેઓ હંમેશા અંદરથી ખાલીપણું અનુભવે છે, તેમજ હંમેશા કંઈક ખોટ અનુભવે છે. સમસ્ત વિકારો એમની સાથે જોડાયેલા હોય છે. એવા લોકો જગતને અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે ભાગોમાં વિભાજિત કરી દે છે. એકથી હંમેશા દૂર ભાગે છે, તથા બીજાને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. સફળતામાં અભિમાન અને ગર્વ કરે છે, તથા અસફળતામાં શોક આદિથી યુક્ત થાય રહે છે. આ જ ખંડિત દ્રષ્ટિકોણ છે.
 
આ ઉપરાંત જગત તથા સ્વયંને જોવાનો એક બીજી પણ શૈલી છે, જેને સમગ્ર દ્રષ્ટિકોણ કહે છે. જેમાં એ સમજ હોય છે કે આ જગતની સુંદર વ્યવસ્થાના કારણે સૌ એકબીજા સાથે સંબદ્ધ છે. આપણને આ જીવનરૂપી વરદાન મળ્યું છે. આપણું કાર્ય સદૈવ બીજાના કોઈને કોઈ રીતે સહકારથી જ થાય છે. આપણે એકલા નથી. આપણા જીવનમાં અન્યનું, સમસ્ત પ્રકૃતિનું પણ યોગદાન જોવા મળે છે. આપણે એક વિશાળ બ્રહ્માંડવ્યાપી સંસ્થાના સદસ્ય છીએ. તેથી આપણે સ્વયંને અત્યંત ધન્ય અને સ્વાભિમાનથી યુક્ત સમજીએ છીએ, તથા આપણા કાર્યને પ્રેમ તથા ધન્યતા પૂર્વક કરીએ છીએ. આ દ્રષ્ટિકોણ માત્ર આપણને એવું આશીર્વાદ પ્રદાન કરે છે. જ્યારે સ્વભાવિકરૂપથી ખંડિત દ્રષ્ટિકોણથી જ સૌ ઘુટન થાય છે.
 
તેથી એ સમજવું આવશ્યક છે કે સત્ય શું છે, ઉચિત શું છે. જો વિચાર કરવામાં આવે તો સમજાય છે કે ખંડિત દ્રષ્ટિકોણ આપણી કલ્પના માત્ર છે તથા તે અજ્ઞાન પર આશ્રિત છે, જ્યારે સમગ્ર દ્રષ્ટિકોણ જ એક યથાર્થ છે. યથાર્થ પર જ જીવન આશ્રિત છે, એ જ સદૈવ કલ્યાણનો માર્ગ છે. જે મનુષ્ય આ દ્રષ્ટિ પોતાના જીવનમાં ઉતારીને જીવે છે, એ જીવવાની શૈલીને જ સમગ્ર જીવન કહી શકાય. જ્યારે આ સમગ્ર દ્રષ્ટિને જીવનના પ્રત્યેક ભાગમાં ચરિતાર્થ કરવામાં આવશે ત્યારે સમસ્યાઓ માનો સમાપ્ત થઈ જશે. આ જગતની સુંદરતાને જોતા અલૌકિક આનંદનો અનુભવ થશે.
 
- સ્વામી આત્માનંદ
વેદાંત આશ્રમ, ઇન્દૌર