જીવન સંગ્રામમાં પરમ શાંતિ, આનંદ અને સુખ માટે આટલું નિયમિત કરો - તત્ત્વચિંતક વી. પટેલ

૧ - જીવન સંગ્રામમાં પરમ સુખ, શાંતિ, ને આનંદ કોઈ પણ પદાર્થ આપી શકે જ નહી. જગતની કોઈ પણ નિર્જીવ વસ્તુને પગે લાગવાથી સુખ-શાંતિ મળે જ નહી જેથી એ ભ્રમમાંથી પ્રથમ તો બહાર નીકળો.

૨ - દરરોજ નિયમિત એક કલાક કોઇપણ સ્થળે શાંત રીતે ટટાર બેસીને આંખો બંધ કરીને પોતાના શ્વાસને નિરંતર જોયા જ કરો, મનને ત્યાંથી ખસવા દેવાનું નથી. કોઈ જપ કરવાના નથી. થોડાં જ વખતમાં મન શાંત થશે ને પ્રસન્નતા અનુભવશો જે આખો દિવસ રહેશે

૩ - મનને સતત પ્રવૃત્તિશીલ રાખો, કાંઈક ને કાંઈક જાગૃતિ પૂર્વક કર્મ કર્યા જ કરો. ગેમો, સિનેમા, સીરીયલ કે નાટક જોઇને વખત બરબાદ કરશો નહી, તેમાં શાંતિ નથી. તેમાં સુખ છે તેવા ભ્રમમાં રહેશો નહી.

૪ - બીજા જેવા થવાનો જરા પણ પ્રયત્ન જ કરો નહી. તમો જેવા છો તેવા ઉત્તમ છો, તેમ માનીને તમામ વ્યવહાર, વર્તન અને શુધ્ધ આચરણ કરો. તમારા જેવો આ દુનિયામાં કોઈ માણસ પાક્યો નથી ને પાકવાનો પણ નથી. તેનું ગોરવ અનુભવો. આત્મ વિશ્વાસ કેળવો.

૫ - શરીર મન બુધ્ધિ અને ઇન્દ્રિયોથી મનના ભાવથી વિચ્છેદતા અનુભવો. હું આમાંની કોઈ વસ્તુ નથી, હું આત્મ સ્વરૂપ છું, શાશ્વત છું, શુધ્ધ છું, આનંદ સ્વરૂપ છું તેવા ભાવમાં સ્થિર થવા સતત, નિરંતર, પ્રયત્ન કરો, શાંતિ ત્યાં જ છે, સમય લાગશે પણ પ્રાપ્ત થશે જ.

૬ - જેટલા પ્રમાણમાં આત્મા સાથે સંલગ્ન બનશો તેટલો આનંદ અનુભવશો.

૭ - જેટલા પ્રમાણમાં બહ્યાચારોથી મુક્ત થશો ને અંત:કારણમાં ઉતારશો તેટલો આનંદ અનુભવી શકશો.

૮ - કોઈ પણ કર્મ કરો તેમાં બરાબર સંલગ્ન થાવ પણ તેમાંથી કૈક મેળવવું છે તેવા ભાવમાંથી મુક્ત થાવ. મારી ફરજ કર્મ કરવાની છે તેમ મનથી માનીને કર્મ જ કરો. મનને કર્મમાં બરોબર પોરવો. મનના ભાવોમાં ફેરફાર કરવા સિવાય કાંઈ જ કરવાનું નથી. ભાવમાં ફેરફાર એ જ આનંદ.

૯ - કોઈ પણ ની નિંદા કે પ્રશંસાથી મુક્ત બનો. અને પોતાની પ્રશંસા થાય તેવું જરા પણ ઈચ્છો જ નહીં. ટૂકમાં અપેક્ષા, આશાથી મુક્ત થાવ, ને તટસ્થતા કેવળો.

૧૦ – કોઈ પણ કર્મ સારું કે નબળું માનો જ નહીં, કર્મ તો નિર્જીવ છે, પછી સારું મોળું હોવાનો સવાલ જ નથી. સારું નબળું તે તો આપણા ભાવથી નક્કી કરેલ છે તેમાંથી નિવૃત્ત થાવ. કર્મ એટલે કર્મ.

૧૧ - જીવન વહેતું ઝરણું, તે કદી સીધી પાટીએ ચાલતું નથી, તેમ સુખ-દુઃખ, માન-અપમાન, કીર્તિ-અપકીર્તિ, લાભ-નુકસાન, નિંદા-પ્રશંસા વગેરે આવવાના જ, તેને રોકી શકાતા નથી ને તે મહેમાન તરીકે આવતા હોય છે. તે વહ્યા જ જવાના પણ આપણે તેને રોકી રાખતા હોઈએ છીએ. જે રીતે ઝરણાને રોકો તો ગંધાય તેમ આને રોકોતો તે ગંધાવા જ માંડે, તેથી રોકી રાખતા બંધ થાવ, મનના ભાવમાં ફેરફાર કરો એટલે કે તેનો સહર્ષ સ્વીકાર કરો ને થવાનું હતું તે થઇ ગયું પછી ભૂલી જ જાવ. મનમાં વાગોળ્યા કરો જ નહી કે તેને યાદ કરો જ નહીં. તેવા ભાવમાં જીવો. શાંતિમાં ભંગ થશે જ નહીં. આનું નામ સમત્વ છે જે મોક્ષનો દરવાજો છે. મોક્ષ એટલે પરમ શાંતિ. મર્યા પછીની વાત ભૂલી જાવ અત્યારે જ આનંદ પ્રાપ્ત કરો.

૧૨ - કોઈપણ જાતના સંશય અને ભયમાંથી મુક્ત થાવ ને વિવેકમાં સ્થિર થાવ. ભય જેવી કોઈ વસ્તુ જગતમાં છે જ નહી તેઓ આપણે આપણા મનથી ઉભા કરેલા ભાવો જ છે. સાપ પણ હાલતા માણસને કદી કરડતો નથી, પણ આપણે તેના પર પગ મુકિયે છીએ તેથી તે બચવા આપણને બચકું ભરે છે. કોઇ પણ પ્રાણી એમજ આપણને હેરાન કરતું જ નથી, તેમાં આપણો જ વાંક હોય છે. આપણે જાગૃતિ પુર્વક પગ મુક્યો નથી, તેથી બચકું ભર્યું છે, સાપનો વાંક નથી, આપણે જ ગુનેગાર હોઈએ છીએ, ને તેનો વાંક કાઢીએ છીએ. માણસની પ્રકૃતિ છે કે પોતાની ભૂલ સ્વીકારતો જ નથી ને બીજાની ભૂલો શાધે છે જેથી દુઃખી જ થાય છે, તેથી તેમાંથી મુક્ત થાવ. જાગૃતિ પૂર્વક જીવો, ક્યાંય દુઃખ પાસે આવશે જ નહીં.

૧૩ - જીવન છે ભૂલો તો થવાની જ. ભૂલ થવી એ કોઈ પણ પ્રકારનું પાપ નથી, પણ તેને તમો મનમાંથી બહાર ફેકી દ્યો. ભૂલોને વાગોળ્યા જ કરો તો તે પાપ બની જાય છે. માટે થવાનું હતું તે થઇ ગયું મનમાંથી વિદાય કરતા શીખી જાવ એટલે પુણ્યશાળી જ બની જશો.

૧૪ - પરમાત્માના દરબારમાં કોઈ પાપ-પુણ્ય છે જ નહી, એ આપણા મનના ખેલ છે, તેમાંથી મુક્ત થાવ.

૧૫ - જેટલું મન મેલું એટલું બંધન, અને જેટલું મન શુધ્ધ એટલું સુખ, શાંતિ અને આનંદ. રાગ-દ્વેષ, અહંકાર, આસક્તિ વગેરે મનના મેલ છે. તેમાંથી મુક્ત થવા સતત પ્રયત્ન શીલ રહો.

૧૬ - મૃત્યુ વખતે જો ઈચ્છાઓથી, આશાઓથી મુક્ત થશો તો જ તો નવા જન્મથી મુક્ત થઇ શકશો. જો ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ બાકી રહી ગઈ તો તેની પૂર્તિ કરવા નવો જન્મ લેવો જ પડશે. કારણ કે કોઈ પણ કર્મ ફળ વિનાનું હોતું જ નથી, ને ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મનું વિસર્જન થતું નથી એટલે ઈચ્છા, આશા, અપેક્ષા બાકી રહી ગઈ તેની પુરતી કરવા નવો જન્મ છે. માટે સંક્લ્પો-વિકલ્પો ને ઇચ્છાઓથી મુક્ત થાવ. અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં સ્થીર થાવ ને અહંકારથી નિવૃત્ત થાવ. એ જ મુક્તિ છે.

૧૭ - આપણે આપણી જાતને જાણી તેમાં જે કાંઈ નબળાઈઓ દેખાય તેનાથી સતત નિવૃત થઈ એને સ્વ સ્વરૂપમાં સ્થીર થઈએ ને, આત્માના અવાજને અનુસાર જ વર્તન વ્યહાર કરીએ તો કદી પાપ લાગશે જ નહી. ખોટા કામો થશે જ નહી. કારણ આત્મા સત્ય સ્વરૂપ છે, તેનો અવાજ સત્ય સ્વરૂપ જ હોય છે, માટે સત્યનો રસ્તો જ બતાવે છે. જેથી જીવનમાં ક્યાય મુશ્કેલી આવશે જ નહી.

૧૮ - આત્માના અવાજ ને જાણવા માટે કોઈ પણ વિચાર બુદ્ધિમા આવ્યો તો તે વિચારનો અમલ તુરંત કરવા માંડવો નહીં, પણ બે મિનીટ થોભી જવું, આ બે મિનીટ સાવ જ શાંત થઈ જવું પછી જે કાઈ સમજાય તે પ્રમાણે વર્તન વ્યવહાર આચરણ કરવું. આ બે મીનીટમાં જે સુજ્યું તે જ આત્માનો અવાજ છે, તે સાંભળતા શીખી જાવ એટલે જીદગીમાં ક્યાંય પણ દુઃખ, ચિંતા, તનાવ પડખે આવશે જ નહી.

૧૯- આપણા ભૂતકાળને કદી પણ સ્વપ્નમાં પણ યાદ કરવો જ નહી, જે ગયું તે ગયું, ને ભવિષ્યમાં આમ કરી કરવું છે તેવો વિચાર સુધ્ધાં કરવો નહી, વર્તમાનમાં જીવે જાવ વર્તમાંનમા જ શાંતિ, સુખ અને આનંદ છે.

૨૦ - સંકલ્પ, વિકલ્પ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ એ તો ચિંતાનું જ ધર છે, ત્યાં ચિંતા સિવાય કાંઈ હાથમાં આવે જ નહી. એનો અર્થ પ્રગતી નહી કરાવી એવો થતો નથી, જરૂર પ્રગતી જરૂર કરો પણ તે વર્તમાનમાં રહીને કરો એટલે કે કર્મ વખતે કર્મ પછી તેનાથી અલિપ્ત આ અલિપ્ત થતા આવડી ગયું એટલે સુખ સિવાય કાંઈ હાથમાં આવશે જ નહી.

૨૧ - બાળક દરિયા કિનારે જાય ને રેતીમાં ધર બનાવે ત્યારે બીજો બાળક તોડી નાખે તો બાળક ખીજાય તેને મારવા પણ તૈયાર થઇ જાય ને પછી ધરે આવવાનો સમય થાય ત્યારે તેઓ જ ભાગીને ભુક્કો કરી નાખે છે ને બધું ભૂલીને સાથે રમતા રમતા ધરે આવે છે, આવા જ રહો એટલે શાંતિ જ છે, આનંદ જ હાથમાં આવશે. બાળકે મકાન બનાવ્યું તે તમો ધંધામાં દિલ દઈને કામ કરો પણ ધરે ધંધાને લાવો નહી એટલું જ જો આવડી જાય તો સુખ સિવાય કાંઈ હાથમાં આવે જ નહી. ટુકમાં અસંગ બનતા આવડી જાય આ જ એક કલાક શાંતિથી બેસવાની તાલીમ છે, ચાલો આપણે એક કલાક નિરાંતે બેસીએ આટલામાં બધું છે.