'तत् त्वं असि' નો બોધ

જ્યારે ઉપનિષદ આપણને 'तत् त्वं असि' (તું તે છે) નું સંબોધન કે ઉદઘોષ કરે છે, ત્યારે આપણા મનમાં એ પૂર્ણતયા સ્પષ્ટ હોવું જોઇએ કે 'તું' શબ્દનો અભિપ્રાય શું છે. જ્યારે 'તું' ને સ્પષ્ટતા અને સૂક્ષ્મતા પૂર્વક જાણીશું ત્યારે જ આપણને વાસ્તવમાં અને તત્ક્ષણ બોધ થશે કે 'તે' શબ્દનો શું અભિપ્રાય છે. તથા આ બન્ને શબ્દો 'તું' અને 'તે' માં શું અને કઇ રીતે એકત્વનો સંબંધ છે તેનો બોધ થશે.
 
જો આપણે એવું સમજતા હોય કે ઉપનિષદનો 'त्वम्' સંબોધનનો ભાવ એ 'તું' થી છે, જે 'તું' હમણાં આપણે આપણા કાનો દ્વારા સાંભળીયે છીએ અને આપણા મન-બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણી આ માન્યતા કે આપણી આ સમજ તદ્દન ખોટી છે. તથા 'त्वम्' શબ્દ સંબોધનનું ઉદ્દેશ્ય જ સમાપ્ત થઇ જાય. કારણ કે જો 'તું' શબ્દનો અર્થ આપણે આપણા દેહ-બોધથી સમજીએ છીએ તો એવો અર્થ થયો કે આપણે સ્વયંની ઓળખ દેહ, મન અને બુદ્ધિથી બનાવી બેઠા છીએ. જ્યાર સુધી આપણે આપણા વિષયમાં બોધની એ અવસ્થામાં અને ચેતનાની એ અવસ્થામાં રહીશું, ત્યાં સુધી આપણે ઉપનિષદના ઉદ્દેશ્યને સમજવામાં અસફળ રહીશું. તેથી 'त्वम्' શબ્દનો સંકેત એ સ્થૂલ 'તું' નહીં હોય શકે.
 
જ્યારે ઉપનિષદ 'त्वम्' કહે છે, ત્યારે મનુષ્યની સ્થૂળ ભાષાનો પ્રયોગ ન કરતા, દિવ્ય અનુભૂતિને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તે તો સંસ્કૃત, હિંદી, ગુજરાતી, અંગ્રેજી તથા અન્ય કોઇ ભાષાથી અભિવ્યક્ત થઇ જ ના શકે. તે તો એક એવી અનુભૂતિનો ઉદઘોષ કરે છે જે અચિંતનીય છે, મન-બુદ્ધિની પકડની બહાર છે, "यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह" (જ્યાં સુધી પહોંચી ન શકવાને કારણે મન-બુદ્ધિ સહિત વાણી પાછી ફરે છે).
 
તેથી જો આપણે 'त्वम्' શબ્દને એ સ્તર પર સમજવાનો પ્રયત્ન નહીં કરીએ જ્યાં પહોંચ્યા વિના મન-બુદ્ધિએ પણ પાછું ફરવું પડે છે તો આપણે એનો અર્થ શારીરિક અને માનસિક સ્તર પર જ કરીએ છીએ, અને આપણે હજી સુધી એનો આંતરિક ગૂઢ અર્થ નથી સમજ્યા. ઉપનિષદ એમ નથી કહેતા કે અમુક નામધારી શ્રીમાન અથવા શ્રીમતી બ્રહ્મ છે. આ તો અસંગત છે. હિંદીમાં એક કહેવત છે કે 'कहने और समझने में आकाश-पाताल का अन्तर', એવો અર્થ થાય છે.
 
તેથી સર્વપ્રથમ તો આપણે એ સમજવું જોઇએ કે આ 'त्वम्' શું છે, જેના સંબંધમાં ઉપનિષદ ઉદઘોષણા કરે છે - 'तत् त्वं असि'. અહીં આપણે જે આ નામ-રૂપ-આકાર વાળા દેખાઈએ છીએ તે તરફ 'त्वम्' નો સંકેત નથી. તે તો અદૃશ્ય 'તું' ની તરફ સંકેત છે. જે કઇ પણ દ્રષ્ટવ્ય છે તે તરફ નિર્દેશ નહીં પરંતુ આપણા એ અદૃશ્ય ગુહ્ય અજ્ઞાત દ્રષ્ટાની તરફ સંકેત છે, જે સમસ્ત વસ્તુ-પદાર્થોનો દ્રષ્ટા છે, સૌનો જ્ઞાતા છે. આ આયામમાં આપણે સૌ સમસ્ત દૃશ્ય વસ્તુ-પદાર્થોના એ અદૃશ્ય દ્રષ્ટા છે, જે સર્વવ્યાપ્ત છે.