વ્રત વિધિ-વિધાન

॥ શ્રી ગણેશાય નમઃ ॥
ૐ પરમાત્માને નમઃ  
 
ભારતની ભાતીગળ સંસ્કૃતિનો આધ્યાત્મિક વિકાસ અને વારસો એટલે વ્રત વૈભવ, તહેવારો અને ઉત્સવોનો ત્રિવેણિ સંગમ. ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રાણ સંસ્કૃતિ છે. પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્માની આરાધના અને ઉપાસના પ્રાચીન કાળથી અને વૈદિક ઋષિ પરંપરાથી ભારતમાં ઊતરી આવી છે. પ્રાચીન ઋષિમુનિઓએ ધાર્મિક કર્મકાંડના સુનિશ્ચિત નિયમોનું સુપેરે નિરૂપણ કર્યું છે. આ ધર્મપ્રાણ સંસ્કૃતિમાં ધર્મનાં શાશ્વત અને સનાતન તત્વો સમાવિષ્ટ થાય છે.
 
સમગ્ર વિશ્વમાં અનેકવિધ દેવ-દેવીઓની આરાધના, ઉપાસના, યજ્ઞો અને ધાર્મિક ક્રિયાઓ પ્રાચીન કાળથી પ્રચલિત છે. આ પ્રચલિત ધાર્મિક પરંપરાને મહાન ઋષિમુનિઓએ મંત્રો, સ્તોત્રો, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા અલંકૃત અને પરિપુષ્ટ કરી છે. પ્રત્યેક ભારતીય એમ માને છે કે, પોતે હજારો વર્ષો પૂર્વે પ્રાદુર્ભાવ પામેલી આ ધાર્મિક પરંપરાનું એક અવિભાજ્ય અંગ છે, આથી તે આ ધાર્મિક વિધિઓનું અનુસરણ કરે છે અને અનન્ય ભક્તિથી પોતાના ઇષ્ટદેવની આરાધના-ઉપાસના કરે છે, તદુપરાંત ઋષિ-મુનિઓએ પ્રબોધેલાં અને આધ્યાત્મિક ગ્રંથોમાં નિરૂપણ કરેલાં વ્રતોનું મન, કર્મ અને વચનથી આચરણ કરે છે. તેથી 'વ્રત-ઉપાસના' ધાર્મિક પરંપરાનું અપરિહાર્ય અને અવિભાજ્ય અંગ બન્યું છે.
 
વ્રત નાનું હોય કે મોટું, પરંતુ કસોટીની પળે એને વળગી રહેવું એ મુખ્ય વાત છે. નિયમિત ખોરાકની જેમ શરીર પુષ્ટ થાય છે તેમ નાનાં-મોટાં વ્રતોથી આત્માનું બળ અભિવૃદ્ધિ પામે છે; મન, બુદ્ધિ અને ચિત્ત પણ પોષાય છે. ભારતીય જીવનના પાયામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમાવિષ્ટ થાય છે. ધર્મ સાધનાના જે વિવિધ પ્રકારો છે, તેમાંનો એક પ્રકાર વ્રત-ઉપાસના દ્વારા સાધી શકાય છે. વ્રત-ઉપાસનાનાં અને ક દ્રષ્ટાંતો પૌરાણિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, કુંતાજીએ સૂર્યવ્રત કર્યું અને પુત્રેચ્છાને લીધે સૂર્યદેવના આશીર્વાદથી તેમને અયોનિ સંતાન પ્રાપ્ત થયું, જે દાનેશ્વરી કર્ણ તરીકે ઓળખાય છે.
 
વ્રત-ઉપાસનાને લીધે પાર્વતીજી શિવજીને પામે છે. વ્રતની પાછળ વ્રત કરનારની શ્રદ્ધા-ભક્તિ પર વ્રતનું ફળ અવલંબે છે. વટસાવિત્રીના વ્રતમાંથી મહર્ષિ અરવિંદને અદ્ભુત પ્રેરણા મળી અને તેમણે પોતાના પૂર્ણયોગનો પાયો રચ્યો, અને મહાનિબંધ 'સાવિત્રી' નું સર્જન થયું ! આદ્યાશક્તિની આરાધનાનાં વ્રતો એ દૈવી શક્તિનું પોતાનામાં અવતરણ કરવાની અનોખી પ્રક્રિયા છે. આ રીતે વ્રત-ઉપાસના દ્વારા પોતાના પ્રાંગણમાં ત્રિવેણિ વ્રતની ગંગાને ઉતારવામાં આવે છે. પ્રત્યેક વ્રતની પાછળ સંયમી બનવાનો અને સાત્વિક વૃત્તિઓ ઉધૃત કરવાનો ઉદ્દેશ હોય છે.
 
વ્રતો ફક્ત સ્ત્રીઓ પૂરતા જ સીમિત નથી, પ્રત્યેક વ્રતમાં શિવ અને શક્તિ એટલે પુરુષ અને સ્ત્રીનો સુભગ સમન્વય સધાયો છે. 'વ્રત' ની પરિભાષા (વ્યાખ્યા) આપવી દુષ્કર છે, છતાં એમ કહી શકાય કે, "વ્રત એટલે સુનિશ્ચિત ધાર્મિક અનુષ્ઠાન સાંગોપાંગ આચરણનો સુદ્રઢ સંકલ્પ." આપણા વિચારો જ્યારે ઇષ્ટદેવ પ્રતિ વળે છે અને આપણે આપણી જાત પરમ કૃપાળુ પરમાત્માને સમર્પણ કરીએ છીએ ત્યારે એકએક ચીજ ભવ્ય, દિવ્ય, સુંદર, સરળ અને શાંત બની જાય છે.
 
વ્રતનાં વિવિધ અંગો વિષે વિચારીએ તો પ્રત્યેક વ્રતને સુનિશ્ચિત સમય હોય છે, પૂજન હોય છે, અર્ચન હોય છે, સ્તવન હોય છે. વ્રત-ઉપાસના માટે એનાં ઉપાસ્ય દેવ-દેવીઓ હોય છે. એનાં સંકલ્પ વિશેષ હોય છે. એની સુનિશ્ચિત પૂજા-વિધિ અને ઉદ્યાપન વિધિ તેમજ ચોક્કસ દાન-દક્ષિણા પણ અનિવાર્ય છે.
 
પ્રાચીન કાળથી એટલે કે ઋષિ પરંપરાથી અસ્તિત્વમાં આવેલી આ વ્રત-ઉપાસના જડ નથી, પણ પરમ ચેતનમય છે. એનું કારણ એ છે કે, વ્રત કરનાર વ્યક્તિ (વ્રતી) શાશ્વત ધાર્મિક પરંપરામાં અખૂટ અને અનન્ય શ્રદ્ધા ધરાવે છે. શ્રદ્ધા અને ભક્તિથી વિવિધ પ્રકારનાં પ્રસંગોચિત વ્રતોનું આચરણ કરવાની પ્રણાલિકા પ્રાચીન કાળથી પ્રચલિત છે, અને આર્ય નર-નારીઓ અનન્ય આસ્થાથી આ વ્રતોનું અણિશુદ્ધ આચરણ કરતાં આવ્યાં છે.
 
માનવ દેહ અતિ દુર્લભ છે. દુર્લભ મનુષ્ય દેહ જન્માંતરને અંતે અને મહા પ્રયાસે પ્રાપ્ત થાય છે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે ! આવો દેહ ધરીને જન્મ સફળ કરી સંસાર પાર ઊતરવાનું સાધન વ્રત-ઉપાસના છે.
 
વ્રતો અને પર્વો ધર્મનાં અવિભાજ્ય અંગો છે. વ્રતો અંતઃકરણની શુદ્ધિ દ્વારા આત્માને નિર્મળ બનાવનારાં અમોઘ સાધનો છે અને વ્રતો, પર્વો કે ઉત્સવના દિવસો એ રૂડાં સાધનોનો કલ્યાણકારી ઉપયોગ કરવાનો સર્વોત્તમ સમય છે. જેમના ઉપર ઇષ્ટદેવની અસીમ કૃપા ઊતરે છે તેમને સુખ-સમૃદ્ધિનું અને રિદ્ધિ-સિદ્ધિનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. વ્રતની શક્તિ અપરંપાર છે. વ્રત-ઉપાસનામાં વ્રતી ભાવવિભોર બની જાય છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર થઇ જાય છે.
 
વ્રતનો શુભારંભ શુભ તિથિ, શુભ વાર, શુભ નક્ષત્ર, શુભ માસ અને શુભ સમયમાં વિદ્વાન આચાર્યની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે વ્રત મંગલકારી નીવડે છે. મંગલ કાર્યો માટે ધર્મશાસ્ત્રોમાં નિષિદ્ધ સમય નક્કી કરેલો હોય છે. જો અધિક માસ હોય, ગુરુ-શુક્રનો અસ્ત હોય, બાલ અથવા વૃદ્ધ હોય ત્યારે વ્રતના આરંભનો નિષેધ કરવામાં આવ્યો છે. રવિ, મંગળ અને શનિવારને દિવસે સંબંધિત કર્મ જ સિદ્ધ થાય છે, અને સોમ, બુધ, ગુરુ અને શુક્ર સર્વ કાર્યોમાં સિદ્ધિપ્રદ ગણાય છે.
 
અગસ્ત્યોદયનો સમય શુભ કાર્ય માટે વર્જ્ય ગણાય છે. તદુપરાંત વિરુદ્ધ, વૈધૃતિ, વ્યતીપાત, પરિધ, વિષ્કંભક, વજ્ર, વ્યાખાત, શૂલ, ગંડ, અતિગંડ, વગેરે યોગોનો સંપૂર્ણ અથવા અંશતઃ ત્યાગ કરવાના પણ ચોક્કસ નિયમો નિશ્ચિત કરેલા હોય છે. આ ઉપરાંત મલમાસ (અધિક માસ), ક્ષય માસ, દુષ્ટહોરા, વૃદ્ધિ અને ક્ષય તિથિ તેમજ જન્મ માસ, જન્મતિથિ, જન્મ નક્ષત્ર અને પિતાના મૃત્યુનો દિવસ પણ શુભ કાર્ય માટે વર્જ્ય ગણવામાં આવ્યો છે. વ્રતનો શુભ આરંભ આચાર્ય પુરોહિતના આદેશ અનુસાર જ કરવો.
 
વ્રતના અનુષ્ઠાન માટે દરેક પર્વત, નદી, સમુદ્ર, નૈમિષારણ્ય ક્ષેત્ર, કેદાર, કાશી, કુરુક્ષેત્ર, પ્રયાગ, પુષ્કર, અમરકંટક વગેરે પવિત્ર અને પુણ્ય સ્થળ ગણવામાં આવ્યાં છે. પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી હોય તો નદી, ઓદકાન્તમ્ (જળાશય), દેવમંદિર, પોતાના નિવાસ સ્થાનનો વિશુદ્ધ ભાગ વગેરે અનુષ્ઠાન માટે પવિત્ર ગણાય છે.
 
ચારેય વર્ણનાં સ્ત્રી-પુરુષોને વ્રતનો અધિકાર છે, પરંતુ વ્રતીનું ધર્માચરણ વિશુદ્ધ હોવું જરૂરી છે. વ્રતી નિર્લોભી, સત્યવાદી, આડંબર રહિત, વેદની નિંદા ન કરનાર, બુદ્ધિશાળી અને સદાચારી હોવો જોઈએ.
 
ઉપવાસ એ વ્રતનું અનિવાર્ય અંગ છે. નિરાહાર રહેવું જરૂરી છે. વારંવાર જલપાન કરવાથી, તમાકુ (તાંબૂલ) ખાવાથી, દિવસ દરમિયાન શયન કરવાથી અને મૈથુનને લીધે ઉપવાસ નષ્ટ થાય છે. વ્રતીએ શૌચ ક્રિયાથી પરવારી સ્નાન કરી, આચમન કરી, નિરાહાર રહી સંકલ્પ કરવાના હોય છે. જે દેવ-દેવીનું વ્રત હોય તેનું મૂર્તિ પૂજન કરવું, ભૂમિ શયન કરવું, જપ, હોમ, દાન, બ્રાહ્મણોનું પૂજન, એમને ભોજન તથા દક્ષિણા આપવી અનિવાર્ય છે. લોભ, ક્રોધ કે પ્રમાદથી વ્રતભંગ થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરીને વ્રતનો પુનઃ આરંભ કરવો. જલ, મૂળ, ફળ, દૂધ, હવિષ્ય, બ્રાહ્મણની ઇચ્છા, ગુરુનું વચન અને ઔષધ - આ આઠ ઉપવાસનો ભંગ કરતાં નથી.
 
વ્રત દરમિયાન નાસ્તિક, પતિત, અને પાખંડી સાથે સંભાષણ કે વિતંડાવાદ વર્જિત છે. વ્રત અને દાનનો શુભ આરંભ સૂર્યોદય વિના કરવો નહિ. ઋષિમુનિઓની આજ્ઞા છે કે, સર્વ કર્મોના પ્રારંભમાં પ્રણવ મંત્રનો ઓમકારનો ઉચ્ચાર કરવો.
 
વ્રત દરમિયાન હવિષ્યમાં જવ, શાળ, ચોખા, મગ, વટાણા, જળ, દૂધ, સામો, નીવાર અને ઘઉં વગેરે ઉપયોગમાં લઇ શકાય. તદુપરાંત કંદમૂળ, સિંધાલૂણ, સમુદ્ર લવણ, ગાયનુ દૂધ, ઘી, પનસ, કેરી, હરડે, પીપર, જીરૂ, સૂંઠ, સાકર વગેરે પણ સ્વીકાર્ય છે.
 
વ્રતમાં પંચરત્ન, પંચદ્રવ્ય, પંચામૃત, સપ્તમૃતિકા, સપ્તધાતુ, વગેરે ઉલ્લેખ અનુસાર પૂજા-વિધિમાં લઇ શકાય છે. તદુપરાંત સુવર્ણ, રજત, તામ્ર અથવા મૃતિકાઓ કળશ ઉપયોગમાં લેવામાં આવે છે. દેવ પ્રતિમા પોતાની શક્તિ અનુસાર તૈયાર કરાવવી. હોમની સંખ્યા ૧૦૮ રાખવી. હોમમાં હંમેશા ગાયના ઘીનો ઉપયોગ કરવો.
 
વ્રતમાં વિદ્વાન અને સદાચારી બ્રાહ્મણની વરણી કરવી, આચાર્ય ને એમની અર્ધાગનાને વસ્ત્રાલંકાર અર્પણ કરીને એમનું પૂજન કરવું. ઋત્વિજ તરીકે બીજા ૨૪ અથવા ૨૫ બ્રાહ્મણોને પસંદ કરવા. એમને પણ વસ્ત્રાલંકાર અર્પી પત્ની સહિત એમનું પૂજન કરવું. પૂજા વિધિ આડત્રીસ ઉપચારથી, દશોપચારથી કે ષોડષોપચારથી કરવી અને પૂજાને અંતે વિસર્જન કરવું.
 
દેવપૂજનમાં નિષિદ્ધ દ્રવ્યોમાં ભગવાન વિષ્ણુ માટે અક્ષતથી પૂજા વર્જિત છે. દૂર્વા (દાભડો) થી દેવીપૂજન અને બિલ્વપત્રથી સૂર્ય-પૂજા કદી ન કરવી. શિવ અને સૂર્ય-પૂજન સિવાય સર્વત્ર શંખ દ્વારા જ અભિષેક કરવો.
 
વ્રતની પરિપૂર્ણતા માટે ઉદ્યાપન આવશ્યક છે. ઉદ્યાપન વિના વ્રતની ફલશ્રુતિ પ્રાપ્ત થતી નથી. વ્રત અનુસાર ગૌદાન, સુવર્ણ દાન, વગેરે વિધિ આચાર્યની આજ્ઞા અનુસાર કરવી. બ્રહ્મવાક્ય કદી મિથ્યા થતું નથી.
 
વ્રતરાજની મોટા ભાગની વ્રતકથાઓ પૌરાણિક છે. આથી મુખ્ય વક્તા સુતજી છે અને શ્રોતાઓ શૌનક વગેરે મુનિઓ છે. સૃષ્ટિમાં સુતજી જેવા દિવ્ય વક્તા અને શૌનક જેવા શ્રદ્ધાવાન શ્રોતા ખરેખર દુર્લભ છે.
 
દેવ, દાનવ અને માનવને કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. નિયતિનું ચક્ર સ્વયં વિધાતાને પણ છોડતું નથી. પુણ્યના સંચય માટે અને પાપના ક્ષય માટે તેમજ મનોકામના પરિપૂર્ણ કરવા માટે વ્રતોનું આચરણ અનિવાર્ય છે.
 
વ્રતોનું પ્રયોજન છે પુણ્યવૃદ્ધિ અને પાપનો ક્ષય. વ્રતરાજના વ્રતો ઉપદ્રવોની શાંતિ માટે આચરવામાં આવ્યાં છે. વ્રતરાજની વ્રતકથાઓનો વ્યાપ વિશાળ છે, જે જીવનનાં સર્વ અંગોને સ્પર્શે છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને અભિવ્યક્ત કરે છે.
 
ભાવ, ભક્તિ અને ભાવનાનો ત્રિવેણિ સંગમ મળે ત્યારે માનવીનાં અંતમાં દિવ્ય જ્યોત પ્રગટે છે. જોકે વ્રતનું ફળ અચૂક મળે જ છે, પણ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવું જોઇએ. વ્રત કરવાથી દરિદ્રપણું અને ત્રિવિધ તાપ (આધિ, વ્યાધિ અને ઉપાધિ) નષ્ટ થાય છે. વ્રત એ તો અંતરવીણાનો મધુર ઝંકાર, ચેતનનું ગીત અને પરમ ધામનો પ્રસાદ છે.
 
વ્રત-ઉપાસનાથી ભક્તિ, ભજન અને ભાવનાની પ્રભુમય પ્રતિકૃતિ (છબી) અંતઃકરણના અતળ ઊંડાણમાં અંકિત થાય છે. વ્રત-ઉપાસના એ જીવનદાન દેનાર સંજીવની છે, મોક્ષમાર્ગનું ઉત્તમ સોપાન છે અને સંયમી જીવનનું પાથેય (ભાથું) છે, તેમજ સરળતા અને શુદ્ધિનું સોપાન છે. વ્રત-ઉપાસના કરનાર વ્રતિની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે.