નિર્વાણષટકમ્ / આત્મષટકમ્

        मनोबुद्ध्यहंकारचित्तानि नाहं न च श्रोत्रजिव्हे न च घ्राणनेत्रे ।
        न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥
હું (હું એટલે કે આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમ જ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
 
        न च प्राणसंज्ञो न वै पंचवायु र्न वा सप्तधातुर्न वा पंचकोशः ।
        न वाक् पाणिपादौ न चोपस्थपायू चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ २ ॥
હું પ્રાણ નથી, હું પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) નથી. હું સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક) નથી. હું પાંચ કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય) નથી. વળી હું વાણી, હાથ, પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય) કે પાયૂ (ગુદા) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
 
        न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नै व मे नैव मात्सर्यभावः ।
        न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ३ ॥
મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી તેમ જ મદ કે ઇર્ષ્યા નથી. વળી મારે માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ (કોઈ પુરુષાર્થ પણ) નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદસ્વરૂપ છું.
 
        न पुण्यं न पापं न सौख्य न दुःखं न मंत्रो न तीर्थ न वेदा न यज्ञाः ।
        अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ४ ॥
મને પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી. તેમ જ મારે મંત્ર, તીર્થ, વેદો કે યજ્ઞો (ની જરૂર) નથી. વળી હું ભોજન (ક્રિયા), ભોજ્ય (પદાર્થ) કે ભોક્તા (ક્રિયા કરનાર - ભોગવનાર) પણ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
 
        न मे म्रुत्युशंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म ।
        न बंधुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५ ॥
મને મૃત્યુની શંકા (ભય) કે જાતિભેદ નથી. મારે પિતા નથી કે માતા નથી. વળી મારે બંધુ નથી કે મિત્ર નથી, ગુરુ કે શિષ્ય નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
 
        अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
        सदा मे समत्वं न मुक्तिर्न बन्ध: चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६ ॥
હું નિર્વિકલ્પ, નિરાકાર રૂપ છું (મારે કોઈ સંકલ્પ નથી, મને કોઈ આકર નથી) . હું સર્વ ઇન્દ્રિયોમાં છું. સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. મારે હમેશાં સમભાવ છે, મને મુક્તિ નથી તેમજ બંધન નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
 
        ॥ इति श्रीमच्छङकराचार्यविरचितं आत्मषटकं सम्पूर्णम् ॥
અહીં શ્રી મદ્ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્ સંપૂર્ણ થાય છે.