ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા

 
૧. આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર રહેવું જોઈએ.
 
૨. ફરજ (કર્તવ્ય) - આપણી પ્રથમ અને અગ્રીમ ફરજ ઈશ્વર અને સદાચારયુક્ત જીવન પ્રતિ છે. સદાચારી જીવન જીવવું તે આપણા દેશની અતિ મૂલ્યવાન સેવા છે.
 
૩. ચારિત્ર્યઃ ચારિત્ર્ય સૌથી મહાન સંપત્તિ છે. એક શુદ્ધ, સદાચારી, ભ્રષ્ટાચારરહિત નાગરિક આપણા રાષ્ટ્ર ભારતની ઉમદા મૂડી છે. આ અનિવાર્ય અને આવશ્યક બાબત છે.
 
૪. તંદુરસ્તીઃ નિરામયતા જીવન સાફલ્યનો પાયો છે. તંદુરસ્તી એ સાચી સંપત્તિ છે. ચારિત્ર્ય પછી, મહાન રાષ્ટ્રીય સંપત્તિ તરીકે તેનું સ્થાન છે. નાગરિક તરીકે ઉમદા ચારિત્ર્યનું ઘડતર કરવું અને આરોગ્ય જાળવવું એ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રાથમિક ફરજ છે.
 
૫. સદગુણઃ આપણે જુગાર, દારૂ, કેફી દ્રવ્યો અને કેફી પીણાઓ, ધુમ્રપાન, પાનમસાલા જેવાં દુષણોને જડમૂળથી ઉખેડી નાખીએ. આપણે લાંચરૂશ્વત, ભ્રષ્ટાચાર, સ્વાર્થપરાયણતા, અપ્રામાણિકતા, અનૈતિકતા અને ગેરવર્તણૂક જેવી બદીઓને પણ આપણા જીવનમાંથી નિર્મૂળ કરીએ. રાષ્ટ્ર પ્રત્યેની બેવફાદારી એ સૌથી મોટો ગુનો અને પાપ છે.
 
૬. જાહેર મિલ્કતઃ હે દેશવાસી નાગરિકો! આપણે પ્રજાકીય જાહેર મિલ્કતના રક્ષક છીએ. રાષ્ટ્રીય સંપત્તિનો દુર્વ્યય ન કરીએ. તેનો દુરુપયોગ પણ ન કરીએ. તેની ચોરી કે તેનો નાશ પણ ન કરીએ. તેનું પ્રેમપૂર્વક જતન કરીએ. આપણા દેશને સ્વચ્છ, ચોખ્ખો રાખીએ.
 
૭. એક કુટુમ્બઃ આપણા રાષ્ટ્રના તમામ નાગરિકો આપણા ભાઈઓ છે. આપણે બંધુત્વનો અનુભવ કરીએ. આપણે એકબીજાને ચાહીએ અને એક બનીએ.
 
૮. ધર્મઃ તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે સમાન આદરભાવ રાખીએ. તમામ ધર્મોના અનુયાયીઓ પ્રત્યે આત્મીયતા, બંધુભાવ કેળવીએ. સૌ પાસે આપણે જેવી વર્તણૂકની અપેક્ષા રાખીએ છીએ તેવી જ વર્તણૂક આપણે સૌ પ્રતિ રાખીએ.
 
૯.માનવીય અહિંસાઃ કોઈ પણ પ્રકારની હિંસા અને ધિક્કારથી દૂર રહીએ. હિંસા, જબરદસ્તી એ રાષ્ટ્રના ઉજ્જ્વલ નામ પરનું કલંક છે.
 
૧૦. અર્થ - વ્યવહારઃ ‘સાદુ જીવન અને ઉચ્ચ વિચાર’ અપનાવીએ. ઉડાઉ ન થઈએ. બધા જ પ્રકારના નિરર્થક ખર્ચને અટકાવીએ. કરકસરની ટેવ પાડીએ. જે કંઈ આપણી પાસે સંચિત છે તે સઘળુ આપણા કમનસીબ દેશબાંધવો સાથે વહેંચીએ.
 
૧૧. કાયદોઃ સામાજિક ન્યાયની પુષ્ટિ કરીએ અને નિયમોનું - કાયદાઓનું સન્માન કરીએ.
 
૧૨. સાર્વત્રિક અહિંસાઃ ‘અહિંસા પરમો ધર્મ’.અહિંસા સૌથી મોટો સદગુણ છે. કરુણા એ દૈવી ગુણ છે. પશુઓનું રક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે. ભારત-વર્ષનો આ ખાસ સંદેશ છે. તમામ જીવો પ્રત્યે માયાળુ બનીએ. આમ સાચા ભારતીય બનીએ.
 
૧૩. પર્યાવરણઃ માનવી અને કુદરતને છૂટા ન પાડી શકાય તેવા છે. માનવી અને તેની આસપાસનું કુદરતી પર્યાવરણ બંને એકબીજા સાથે સંકળાયેલા-વણાયેલા અને સમાન રીતે પરાવલંબી છે. કુદરતની દરેક વસ્તુનો આપણા પાલન, પોષણ અને રક્ષણમાં હિસ્સો છે. તેથી આપણે આપણી આસપાસના નૈસર્ગિક પર્યાવરણનું રક્ષણ કરીએ. પર્યાવરણની સમતુલા જાળવવી એ આપણી ફરજ છે. આપણા સલામત જીવન અને સર્વોત્કૃષ્ટ કલ્યાણ માટે તે સહાયરૂપ છે. રાષ્ટ્રના હવા અને પાણીને પ્રદુષિત કરવા તે રાષ્ટ્રીય ગુનો છે. આપણે આપણી ભૂતકાળની ભૂલોને સુધારી લેવી જોઈએ.
 
૧૪. એકતાઃ રાષ્ટ્રના નાગરિકો જેટલા વધુ સંપીને રહે એટલી તે રાષ્ટ્રમાં અવરોધો અને જોખમો સામે ઊભા રહેવાની શક્તિ વધુ. એકતામાં ચડતી છે, વિખવાદમાં પડતી. વર્તમાન ભારત માટે આ વાત બિલકુલ સાચી છે. તેથી આપણે આપણા દેશબાંધવો સાથે ગાઢ સુસંવાદમાં અને પ્રેમપૂર્ણ સદભાવનાઓ સાથે રહીએ. રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્ર્ના નાગરિકો પ્રત્યેનો પ્રેમ. એક ભારતીય નાગરિક તરીકેની આ આપણી માતૃભૂમિ ભારત પ્રત્યેની અત્યંત મૂલ્યવાન સેવા છે.
 
૧૫. કેળવણીઃ આપણે આપણા બાળકોમાં તથા કુટુમ્બીજનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર-ભક્તિ અને રાષ્ટ્રસેવાને જગાડીએ.
 
તમે તમારી જીવનરીતિ અને આચરણ વડે એક સાચા નાગરિક તરીકે ઝળકી ઊઠો અને દેશની સર્વોત્કૃષ્ટ સેવા કરો. જય હિંદ…


  • આ અતિ મૂલ્યવાન લખાણનું કાળજીપૂર્વક જતન કરીએ.
  • આમાં એક રાષ્ટ્ર તરીકેની આપણી એકતા અને અખંડિતતાનો પથ સમાહિત છે.
  • અન્યોન્ય પ્રત્યેની સદભાવના, શાંતિ અને સુસંવાદિતાનો પણ આ માર્ગ છે જે આપણી આબાદી અને સુખ માટે અત્યંત આવશ્યક છે.
  • વધુમાં વધુ લોકો આપણા સમાજજીવનના ક્ષેત્રે આ સંહિતાના મુદ્દાઓને જીવનરીતિ તરીકે અપનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરો તથા પ્રેરો.
  • આનાથી આપણું સર્વોત્તમ ભલું નિપજશે.
 
સંકલનકર્તાઃ દેશપ્રેમી દેશવાસીઓ.