એકતાની વિજય

એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને કબૂતર બોલ્યા "વાહ! આજે તે સવાર-સવારમાં જ આપણને ભોજનનો સુઅવસર મળી ગયો. ચાલો નીચે ઊતરીએ."
 
એ કબૂતરોના રાજા સૌથી આગળ ઊડી રહ્યા હતાં. તેમણે કહ્યું - "અવિચાર ના કરો, ગમે ત્યાં ન ઊતરો! આપણે હમણા જંગલ ઉપરથી ઊડી રહ્યાં છીએ, જરા વિચારો જંગલમાં આમ ચોખાના દાણા ક્યાંથી આવે. મને તો આ કોઈની ચાલ લાગે છે."
 
આ સાંભળી એક કબૂતર બોલ્યું - "નિરાધાર સંદેહ પ્રગટ કરવો એ બુઢાપાનું લક્ષણ છે." બીજુ કબૂતર બોલ્યું - "જેમને કશું કામ નથી હોતું, તે જ આ રીતે સંદેહ પ્રગટ કર્યા કરે છે." ત્રીજુ કબૂતર બોલ્યું - "આ સંસારમાં વગર સાહસે કોઈ લાભ નથી થતો." ત્યારે ચોથું કબૂતર બોલ્યું - "સામે સફેદ સુંદર દાણા દેખાય રહ્યાં છે અને બધાને ભૂખ પણ લાગી છે, તો પણ તમે નિરર્થક ચર્ચા કરી રહ્યાં છો. ચાલો નીચે ઊતરો."
 
રાજાની વાત ન સાંભળી આખું ઝુંડ નીચે ઊતર્યું અને દાણા ખાવા લાગ્યું. રાજાએ પણ એમની સાથે નીચે ઊતરવું પડ્યું. રાજા મનમાં ને મનમાં બોલ્યા - "લોભને કારણે શક્તિ નષ્ટ થઈ જાય છે અને બધાનો નાશ થાય છે, આ એક શાશ્વત સત્ય છે."
 
ચોખાના થોડાક દાણા ખાવા બાદ કબૂતરોને ધ્યાનમાં આવ્યું કે તેમના પગ કોઈક જાળમાં ફસાઈ ગયાં છે. ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યાં. આ જોઈ રાજા બોલ્યા - "દોષારોપણ કરવાથી, અંદરો-અંદર લડવાથી કે રડતાં રહેવાથી કોઈ લાભ નથી થવાનો. જીવનમાં સંકટ તો આવે જ છે. આવા સમયે ધૈર્યપૂર્વક મુક્ત થવાનો માર્ગ શોધવો જોઈએ. "
 
બધા કબૂતરો બોલ્યા - "અમે ભૂલ કરી છે કે અમે તમારું કહેવું નહીં માન્યું. હવે તમે જે કહેશો તે જ અમે કરીશું. તમે જ મુક્ત થવાનો માર્ગ બતાવો."
 
કેટલાક કબૂતરો રડતાં-રડતાં બોલ્યા - "શું આપણે ખરેખર મુક્ત થઈ શકીશું?" રાજા બોલ્યા - "અવશ્ય થઈશું. અગર આપણે સંગઠિત થઈ જઈએ તો આ જાળમાંથી આપણે સરળતાથી મુક્ત થઈ જશું. ચાલો બધા તૈયાર થઈ જાઓ. જુઓ શિકારી આ તરફ જ આવી રહ્યો છે."
 
જે શિકારીએ જાળ ફેલાવી હતી તે એક ઝાડ પાછળ બેસીને ખુબ ખુશ થઈ રહ્યો હતો, સવાર-સવારમાં તેને આટલા બધા કબૂતરો જો હાથ લાગ્યાં હતાં.
 
એટલામાં રાજા બોલ્યા - "બધા એક સાથે જોર લગાવીને એકસાથે ઊડો."
 
"એક, બે, ત્રણ..." બધા કબૂતરોએ એકસાથે જોર લગાવ્યું અને પગમાં ફસાયેલી જાળ સાથે જ ઉપર ઊડવા માંડ્યાં. પરંતુ ચતુર શિકારીએ જાળને જમીન સાથે એક દોરી વડે બાંધી રાખી હતી.
 
કબૂતરોએ એટલું જોર લગાવ્યું કે એ જાળ દોરીની જમીન સાથેની ખીલી વડે ઉખડી ગઈ અને ફરી બધા કબૂતરો ઉપર ઊડવા માંડ્યાં.
 
શિકારીએ આ પ્રકારનું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. તે આશ્ચર્ય ચક્તિ થઈ ગયો. તેણે ઊંચી બૂમો પાડી, પથ્થરો ફેંક્યા, લાકડી ફેંકી, પરંતુ કબૂતરો ખૂબ જ દૂર ઊડી ગયા.
 
એક સમસ્યા તો તળી, હવે બીજી સમસ્યા હતી. એક કબૂતર બોલ્યું - "આપણા પગમાંથી આ જાળ કેવી રીતે નીકળશે?" રાજા બોલ્યા - "એનો પણ એક ઉપાય છે. સામેના એક પર્વતની તળેટીમાં એક ઉંદર રહે છે, તે મારો મિત્ર છે. આવા સમયમાં તે આપણી જરૂરથી મદદ કરશે. "
 
બધા કબૂતરો ત્યાં ઉતર્યાં અને રાજાએ બૂમ પાડી - "મિત્ર, બહાર આવ, અમને સંકટમાંથી મુક્ત કર."
 
ઉંદરે બહાર જોયું. તેનો મિત્ર જ છે તેની ચકાસણી કરીને તે દરમાંથી બહાર આવ્યું. તેણે કહ્યું - "અરે! કબૂતરોના રાજા, તમે તો ખૂબ ચતુર છો, પછી તમે આ જાળમાં કઈ રીતે ફસાય ગયા?"
 
રાજાએ કહ્યું - "હું તને બધુ પછી કહું પહેલા અમને બધાને આ જાળમાંથી મુક્ત કર." તો ઉંદરે કહ્યું - "સારું, હું પ્રથમ તમને જ મુક્ત કરું." તો રાજાએ કહ્યું - "નહીં, પહેલા મારા સાથીઓને મુક્ત કર, મને અંતમાં" તો ઉંદરે કહ્યું - "મારા દાંત હલી રહ્યાં છે, જો એ તૂટી જશે તો તમે આ જાળમાં જ ફસી રહેશો." રાજાએ પ્રતિઉત્તર આપતા કહ્યું - "હું ફસી રહું અને મરી પણ જાઉં તો કઈ નહીં, પહેલા મારા સાથીઓને મુક્ત કર."
 
ઉંદરે કહ્યું - "સાબાશ, આમ તો રાજા અને નેતા સ્વાર્થી હોય છે, તેઓ કેવળ પોતાના ભલા વિશે જ વિચારે છે. પરંતુ તમે એવું નહીં કર્યું. હું તો કેવળ ચકાસણી જ કરી રહ્યો હતો. મને આપની નિષ્ઠા જોઈને આનંદનો અનુભવ થાય છે."
 
આમ કહી ઉંદરે તેના તીક્ષ્ણ દાંતો વડે આખી જાળ કાપી નાખી અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા. બધા કબૂતરોએ ઉંદરને ધન્યવાદ આપ્યા. અને કબૂતરો બોલ્યા - "અમારા રાજા ખૂબ જ સારા છે. ઉપયોગી મિત્રો સાથે કેવી રીતે મિત્રતા રાખવી એ તેમની સારી રીતે જ્ઞાત છે. હે રાજા ! તમારા મિત્રને કારણે અમારા પ્રાણ બચી ગયા."
 
રાજા બોલ્યા - "હા! તમે સાચુ કહી રહ્યાં છો. મારા મિત્રએ આજે અમૂલ્ય સહાયતા કરી છે. એ ધ્યાનમાં રાખજો કે આપણે સંગઠિત રહ્યાં તેથી જ બચી શક્યા."
 
બધા કબૂતરો બોલ્યા - "એકતાની વિજય થાઓ..."