દાનનું રહસ્ય - જયદયાલ ગોયન્દકા

દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે જે વસ્તુનો જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહિ એ ઉત્તમ દાન છે. નિષ્કામભાવે કોઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ સાત્વિક દાન છે. સંતશ્રી એકનાથજીની કથામાં આવે છે કે તેઓ એક વાર પ્રયાગથી કાવડમાં જળ ભરીને તે જળ ચડાવવા શ્રી રામેશ્વરમ્‍ જઈ રહ્યા હતાં. રસ્તામાં એક સ્થળે જયારે તેમણે જોયું કે એક ગધેડો તરસનો માર્યો પાણી માટે તરફડી રહ્યો હતો ત્યારે તે જોઈને તેમને દયા આવી અને તેમણે તે ગધેડાને થોડુંક પાણી પિવડાવ્યું, જેનાથી તેનામાં થોડીક ચેતના આવી. એ પછી તેમણે થોડું-થોડું કરીને બધું જ પાણી તેને પિવડાવી દીધું. પેલો ગધેડો ઊઠીને ચાલ્યો ગયો. સાથીઓએ વિચાર્યું કે ત્રિવેણીનું જળ વ્યર્થ ગયું અને યાત્રા પણ નિષ્ફળ થઈ ગઈ. ત્યારે એકનાથજીએ હસતાં-હસતાં કહ્યું - "ભાઈઓ! તમે વારંવાર સાંભળો છો કે ભવગાન બધાં જ પ્રાણીઓમાં રહેલા છે અને તેમ છતાં તમે આવી ગાંડપણની વાત વિચારો છો? મારી પૂજા તો અહીંથી જ શ્રી રામેશ્વરમ્‍ પહોંચી ગઈ, શ્રી શંકર ભગવાને મારા જળનો સ્વીકાર કરી લીધો!"
 
એક મહાજનની વાર્તા છે કે તેઓ હંમેશાં યજ્ઞ વગેરે કર્મોમાં વ્યસ્ત રહેતા હતા. તેમણે ઘણું દાન કર્યું, એટલું દાન કર્યું કે તેમની પાસે ખાવા માટે પણ કશું રહ્યું નહિ. ત્યારે તેમની પત્નીએ કહ્યું - "બાજુના ગામનાં એક શેઠ રહે છે, તેઓ કિંમત ચૂકવીને પુણ્યો ખરીદે છે. તો તમે તેમની પાસે જાઓ અને પોતાનું થોડુંક પુણ્ય વેચીને પૈસા લઈ આવો કે જેથી આપણું કંઈક કામ ચાલે" ઇચ્છા તો ન હતી, પણ પત્નીના વારંવાર કહેવાથી તેઓ જવા તૈયાર થયા. તેમની પત્નીએ તેમને ખાવા માટે ચાર રોટલા બનાવીને બાંધી આપ્યા. તેઓ ચાલી નીકળ્યા અને પેલા શેઠ રહેતા હતા તે ગામની નજીક પહોંચ્યા. ત્યાં એક તળાવ હતું. ત્યાં શૌચ-સ્નાન વગેરે કર્મો પતાવીને તેઓ રોટલા ખાવા બેઠા, એટલામાં જ ત્યાં એક કૂતરી આવી. તે વગડામાં વિયાયેલી હતી. તેનાં બચ્ચાં અને તે પોતે ત્રણ દિવસથી ભૂખ્યાં હતાં. ભારે વરસાદ થાવાના કારણે તે બચ્ચાંને મૂકીને ગામમાં થઈ શકી ન હતી. કૂતરીને ભૂખી જોઈને તેમણે તે કૂતરીને એક રોટલો આપ્યો. તેણે તે રોટલો ખાઈ લીધો. એ પછી બીજો રોટલો આપ્યો તો તે પણ તે ખાઈ ગઈ. આ રીતે તેમણે એક પછી એક એમ ચારેય રોટલા કૂતરીને ખવડાવી દીધા. કૂતરી રોટલા ખાઈને તૃપ્ત થઈ ગઈ. પછી તે મહાજન ભૂખ્યા જ ઊઠીને ચાલતા થયા અને પેલા શેઠ પાસે જઈ પહોંચ્યા. શેઠની પાસે જઈને તેમણે પોતાનું પુણ્ય વેચવાની વાત કરી. શેઠે કહ્યું - "તમે બપોર પછી આવજો."
 
તે શેઠની પત્ની પતિવ્રતા હતી. શેઠે તેને જણાવ્યું - "એક મહાજન આવ્યો છે અને તે પોતાનું પુણ્ય વેચવા માગે છે. તો, તું જ બતાવ કે તેનાં પુણ્યોમાંથી કયું પુણ્ય સૌથી વધુ લેવા જેવું છે?" સ્ત્રીએ કહ્યું - "આજે તેણે તળાવકાંઠે બેસીને એક ભૂખી કૂતરીને ચાર રોટલા ખવડાવી દીધા તે પુણ્ય ખરીદવું જોઈએ, કારણ કે તેના જીવનમાં આનાથી વધુ સારું અન્ય કોઈ પુણ્ય નથી." શેઠ "બરાબર છે" એમ કહીને બહાર આવ્યા.
 
નિર્ધારિત સમયે મહાજન આ શેઠ પાસે આવ્યા અને બોલ્યા - "તમે મારાં પુણ્યોમાંથી કયું પુણ્ય ખરીદશો?" શેઠે કહ્યું - "તમે આજે જે યજ્ઞ કર્યો તે યજ્ઞનું પુણ્ય અમે ખરીદવા ઇચ્છીએ છીએ." મહાજને કહ્યું - "મેં આજે તો કોઈ યજ્ઞ કર્યો નથી. મારી પાસે પૈસા જ ન હતાં, તો હું યજ્ઞ ક્યાંથી અને કેવી રીતે કરવાનો હતો?" આ સાંભળીને શેઠે કહ્યું - "તમે આજે તળાવકાંઠે બેસીને ભૂખી કૂતરીને જે ચાર રોટલા ખવડાવી દીધાં છે તે જ પુણ્યને હું ખરીદવા માગું છું." મહાજને પૂછ્યું - "એ સમયે તો ત્યાં કોઈ જ ન હતું, તો એ વાતની કેવી રીતે ખવર પડી?" શેઠે કહ્યું - "મારી પત્ની પતિવ્રતા છે. તેણે જ આ બધી વાત મને કહી છે." ત્યારે મહાજને કહ્યું - "ભલે, ભલે! એ પુણ્ય લો; પણ તેની કિંમત શી આપશો?" શેઠે કહ્યું - "તમારા રોતલા જેટલા વજનના હતાં તેટલા જ વજનનાં હીરા-મોતી તોળીને હું આપીશ." મહાજને મંજૂર રાખ્યું અને તેમની સંમતિ અનુસાર પેલા શેઠે અંદાજે એટલા જ વજનના ચાર રોટલા બનાવીને ત્રાજવાના એક પલ્લામાં મૂક્યા અને બીજા પલ્લામાં હીરા-મોતી વગેરે મૂક્યાં. પરંતુ ઘણાંબધાં રત્નો મૂકવા છતાં પણ પેલું રોતલાવાળું પલ્લું ઊંચું થયું નહિ. તેથી શેઠે કહ્યું - "બીજા રત્નોની થેલી લાવો." હવે જ્યારે પેલા મહાજને પોતાના તે પુણ્યનો આ પ્રકારનો પ્રભાવ જોયો ત્યારે તેમણે કહ્યું કે, "શેઠજી, હવે મારે આ પુણ્ય વેચવું નથી." શેઠ બોલ્યા - "ભલે, જેવી તમારી મરજી."
 
ત્યારપછી તે મહાજન ત્યાંથી ચાલી નીકળ્યાં અને પેલા તળાવકાંઠે ગયા, કે જ્યાં બેસીને તેમણે કૂતરીને રોટલા ખવડાવી દીધા હતાં. ત્યાથી પત્નીના ઠપકાથી બચવા થોડા ચમકદાર કાંકરા-પથરા અને કાચના ટુકડા કપડામાં બાંધીને પોતાના ઘર ભણી ચાલી નીકળ્યાં. ઘરે આવીને તેમણે તે પોટલી પોતાની પત્નીને આપી અને કહ્યું - "જમ્યા પછી આપણે આ પોટલી ખોલીશું." આમ કહીને તેઓ બહાર ગયા. સ્ત્રીના મનમાં તે પોટલીમાં શું છે તે જોવાની ઇચ્છા થઈ. તેણે પોટલી ખોલી તો તેમાં હીરા, પન્ના, માણેક વગેરે રત્નો ક્ષગમગી રહ્યાં હતાં. તે ઘણી ખુશ થઈ ગઈ. થોડાક સમય પછી જ્યારે તે મહાજન ઘરે પાછા આવ્યાં ત્યારે પત્નીએ પૂછ્યું - "આટલાં હીરા-માણેક ક્યાંથી લઈ આવ્યાં?" મહાજને કહ્યું - "શા માટે મારી મજાક કરે છે?" પત્નીએ કહ્યું - "મજાક નથી કરતી. મેં જાતે પોટલી ખોલીને જોયું છે કે એમાં ઢગલાબંધ અતિમૂલ્યવાન હીરા-માણેક છે." મહાજન બોલ્યા - "લાવ, બતાવ તો!" તેણે પોટલી લાવીને ખોલીને સામે મૂકી. મહાજન તે જોઈને દંગ રહી ગયા. તેમણે આને પોતાના પુણ્યનો પ્રભાવ જાણ્યો. પછી તે તેમણે પોતાની યાત્રાનો બધોય વૃતાંત પત્નીને કહી સંભળાવ્યો.
 
કહેવાનો અભિપ્રાય એ છે કે આ રીતે અભાવગ્રસ્ત આતુર પ્રાણીને આપેલા દાનનું અનંત ફળ મળે છે, ભગવાનની દયાના પ્રભાવથી કાંકરા-પથ્થર પણ હીરા-માણેક બની જાય છે.
 
આ રીતે દીન-દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભકારક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ વગેરે સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠી ચણા આપવા એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સુવર્ણ, અલંકારોનું દાન તથા પોતાના વજન જેતલા ધનનું દાન (તુલાદાન) આપવામાં આવે છે તેનાથી એટલો લાભ થતો નથી જેટલો લાભ આપત્તિવેળાએ આપેલા થોડા-સરખા દાનથી થાય છે. તેથી દરેક મનુષ્યે આપત્તિગ્રસ્ત, અનાથ, લૂલાંલંગડાં, દુઃખી, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન-મોટાઈ-પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન છે, કારણ કે માન-મોટાઈ-પ્રતિષ્ઠા પણ પતન કરનારા છે. આજે તો આ માન-મોટાઈ આપણને મીઠાં લાગે છે પણ એનું નિશ્ચિત પરિણામ પતન જ છે. તેથી માન-મોટાઈની ઇચ્છા ત્યજી દેવી જોઈએ. એટલું જ નહિ, જો કોઈ પ્રકારે આપણી કોઈ નિંદા કરે તો તેને સારી (લાભકારક) માનવી જોઈએ. શ્રી કબીરદાસજી કહે છે -
निन्दक नियरें राखिये, आँगन कुटि छवाय ।
बिन पानी साबुन बिना, निरमल करै सुभाय ॥
 
તેથી, પરમ હિતની દ્રષ્ટિએ માન-મોટાઈના સ્થાને આ સંસારમાં નિંદા-અપમાન થાય એ ઉત્તમ છે. સાધક માટે તો માન-મોટાઈ એ મીઠું ઝેર છે, જ્યારે નિંદા-અપમાન અમૃતતુલ્ય છે. તેથી જ નિંદા કરનારાને આદરની દ્રષ્ટિથી જોવો જોઈએ. પણ, આપણે કોઈ પણ નિંદાપાત્ર પાપાચાર કરવો જોઈએ નહિ. દુર્ગુણો-દુરાચાર તો ભારે જોખમભરેલી વસ્તુઓ છે, તેથી તેમને હ્રદયમાંથી ત્યજી દેવા જોઈએ. પોતાના સદ્‍ગુણોને અપ્રગટ રાખવા જોઈએ અને દુર્ગુણોને પ્રગટ કરવા જોઈએ. આજકાલ લોકો પોતાના ખરેખરા દુર્ગુણો સંતાડે છે અને પોતાનામાં હોય જ નહિ તેવા સદ્‍ગુણોનો પોતાનામાં ભંડાર ભરેલો છે એવો પ્રચાર કરે છે - એ તો સીધો નરકમાં લઈ જનારો માર્ગ છે. તેથી માન-મોટાઈની ઇચ્છા હ્રદયમાંથી સર્વથા કાઢી નાખવી જોઈએ. સંસારમાં આપણી પ્રતિષ્ઠા થઈ રહી છે અને આપણે જો એ માટે લાયક નથી તો સમજવું કે એમાં આપણું પતન થઈ રહ્યું છે. માન-મોટાઈ-પ્રતિષ્ઠાની ઇચ્છા રાખનારથી ભગવાન દૂર થઈ જાય છે, કારણ કે માન-મોટાઈ-પ્રતિષ્ઠાની ઇચ્છા પતનમાં ધકેલનારી છે. માન-મોટાઈને રૌરવ (નરક) સમાન અને પ્રતિષ્ઠાને વિષ્ઠા સમાન ગણવાં જોઈએ. સંતોનો આ જ આદેશ છે.
 
એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સુપાત્રને આપેલું દાન બંનેય (દાન લેનાર અને આપનાર) માટે કલ્યાણકારી છે; જ્યારે કુપાત્રને આપેલું દાન બંનેયને ડુબાવનારું અર્થાત્‍ પતન કરનારું છે. જેમ પથ્થરની નાવ એમાં બેસનારને સાથે લઈને ડૂબે છે તે જ રીતે કુપાત્ર વ્યક્તિ દાન આપનારને સાથે લઈને નરકમાં જાય છે.
 
દાનની બાબતમાં એક વધુ વાત સમજવાની છે. મોટા ધનવાન પુરુષે આપેલા લાખો રૂપિયાના દાન કરતાં નિર્ધનનું એક રૂપિયાનું દાન વધારે મહત્વ ધરાવે છે, કારણ કે નિર્ધન માટે તો તેણે કરેલું એક રૂપિયાનું દાન પણ તેનો ઘણો મોટો ત્યાગ છે. ભગવાનને ત્યાં ન્યાય છે. એવું ન હોત તો પછી નિર્ધનોની મુક્તિ થાત જ નહિ. આ બાબતમાં એક વાર્તા છે -
 
એક રાજા પ્રજાજનો સાથે તીર્થયાત્રા કરવા નિકળ્યાં હતાં. રસ્તામાં એક માણસ નિર્વસ્ત્ર પડેલો હતો અને ઠંડીને લીધે થરથરી રહ્યો હતો. રાજાના સહયાત્રી પ્રજાજનોમાં એક જાત હતો, તેણે પોતાનાં બે ધોતિયાંમાંથી એક ધોતિયું પેલા નિર્વસ્ત્ર માણસને આપી દીધું અને તેથી તેનો જીવ બચી ગયો. જાટની પાસે હવે એક જ ધોતિયું હતું. તે બધા આગળ વધતા દૂર પહોચ્યાં ત્યારે ત્યાં ઘણો સખત તાપ પડતો હતો, પણ તેમણે જોયું કે વાદળાં તેમના ઉપર છાંયડો કરતાં-કરતાં ચાલતાં હતાં. રાજાએ વિચાર્યું કે મારા પુણ્યના પ્રતાપે જ વાદળાં છાંયડો કરતાં ચાલી રહ્યાં છે. ત્યારબાદ તેઓ કોઈ વનમાં એક ઠેકાણે રોકાયા. જ્યારે તેઓ ફરીથી ચાલવા લાગ્યા ત્યારે કોઈ મહાત્માએ પૂછ્યું - "રાજન! તમને શું એ વાતની ખબર છે કે આ વાદળાં કોના પ્રતાપે છાંયડો કરતાં ચાલી રહ્યાં છે?" રાજા કશો પણ જવાબ આપી શક્યા નહિ, ત્યારે મહાત્માએ કહ્યું - "ભલે! તમે એક પછી એક એમ અહીંથી આગળ ચાલો. જેની સાથે આ વાદળાં છાંયડો કરતાં ચાલશે તે પુણ્યવાનના પુણ્યનો આ પ્રતાપ સમજવો રહ્યો." ત્યારે ત્યાંથી સૌ પહેલાં રાજા ચાલ્યા, ત્યારબાદ એક પછી એક એમ બધા પ્રજાજનો ચાલ્યા, પણ વાદળાં ત્યાંનાં ત્યાં જ રહ્યાં. ત્યારે રાજાએ કહ્યું - "જુઓ તો, પાછળ કોણ રહી ગયું છે?" સેવકોએ જોયું કે ત્યાં એક જાટ સૂતેલો છે. તેને ઉઠાડીને તેઓ રાજાની પાસે લઈ આવ્યા; અને ત્યારે વાદળાં પણ તેની સાથે સાથે છાંયડો કરતાં આવ્યાં. ત્યારે મહાત્મા બોલ્યા - "આ જ પુણ્યવાનના પુણ્યનો આ પ્રતાપ છે." રાજાએ પેલા જાટને પૂછ્યું - "તમે એવું કયું પુણ્ય કર્યું છે?" વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "મેં બીજું તો કોઈ પુણ્ય કર્યું નથી, પણ હમણાં રસ્તે ચાલતાં મારાં બે ધોતિયામાંથી એક ધોતિયું રસ્તામાં પડેલા અને ઠંડીથી થરથરી રહેલા એક નિર્વસ્ત્ર માણસને આપ્યું હતું."
 
આ સાંભળીને મહાત્માએ રાજાને કહ્યું - "રાજાજી! તમે મોટાં દાન કરો છો, પણ તમારી પાસે અપાર સંપત્તિ છે; તેથી તમારો ત્યાગ બે ધોતિયાંમાંથી એક ધોતિયું આપી દેવાની તોલે આવી શકે નહિ."
 
આ રીતે દાનનું રહસ્ય સમજીને દાન કરવું જોઈએ.