અધ્યાત્મ શું છે? – તત્ત્વચિંતક વી. પટેલ

ભારત સદાય અધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક સાધના કરી અંતરમુખી બની જે જે અધ્યાત્મ રહસ્યો ઉજાગર કર્યા છે તે અદ્વિતિય છે, અલૌકિક છે. તેમણે જે સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે અને આધ્યાત્મિક ઉન્નતિના દ્વારો ખોલી નાખ્યા છે તે અદ્વિતિય છે.

ભારતીય સંસ્કૃતિની વિચારધારા અધ્યાત્મિક રંગોમાં રંગાયેલી છે. આધ્યાત્મિક સધના કઠીન જરૂર છે, પણ અસંભવ નથી જ. સત્યનો રસ્તો પકડી નિષ્ઠા પૂર્વક ધીરજ ધરીને સાધના કરવામાં આવે તો સિદ્ધી સાંપડે જ છે. તે નિર્વિવાદ હકીકત છે. આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા જ ભારતે વિશ્વનું નેતૃત્વ કર્યું છે અને વિશ્વગુરુનું પદ પ્રાપ્ત કર્યું છે.

આપણે ત્યાં આધ્યાત્મિક સાધનાની ત્રન ધારાઓ છે - જૈન ધારા, બૌધ્ધ ધારા, અને વૈદિક ધારા. આ ત્રણ ધારાઓ મુખ્ય છે, આ ત્રણમાં બીજી ધારાઓ સમાય જાય છે. આ ત્રણે ધારામાં અધ્યાત્મ વિદ્યાની ગરીમાના મધુર ગીતો ગવાયા છે. અધ્યાત્મ સાધના માનસને પૂર્ણ બનાવે છે અને આનંદમાં સ્થિર કરે છે.

આજની ભૌતિક ભક્તિના યુગમાં માણસને વિસ્મયથી વિમુગ્ધ કરી ધીદો છે, માત્ર વિમુગ્ધ નહિં પણ ભૌતિક્તાથી ચકાચોક કરી દીધો છે. આજે તો માણસ પ્રતિક્ષણ વધુને વધુ બહિર્મુખી જ બન્યો જાય છે. અંતરર્મુખી થવાનો અવકાશ જ નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ચિંતા પણ નથી. અંતર્મુખી બનવાની અને શુદ્ધતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ પણ તેમની નજર સમક્ષ નથી તેથી જ માણસ ચિંતાગ્રસ્ત, દુઃખી, ઉદ્વેગમાં જ જીવે છે અને સુખ-શાંતિ બહાર શોધે છે જયાં છે જ નહિં. જ્યાં નથી ત્યાં શોધવથી કાઈ પરિણામ આવે જ નહિં તે સ્વાભાવિક છે.

દરેક માણસ પૂર્ણ થવાની શક્તિ ધરાવે જ છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ પણ કરે જ છે. માણસ હંમેશા વિચારે જ છે કે હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હવે ક્યાં જવાનો? મારો પુનર્જન્મ થશે? મારુ સ્વરૂપ શું છે? શું હું દેહ છું? શું હું ઇન્દ્રિય છું? શું હું મન છું? આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઊઠતાં જ હોય છે, ઊઠતાં જ રહે છે. આ બધા જ પ્રશ્નોનું સમાધાન આપણા ઋષિમુનીઓએ શોધ્યું જ છે. તેમણે રસ્તા ઓ પણ બતાવ્યા છે પણ આપણી એ રસ્તે ચાલવાની તૈયારી જ નથી. તેમણે પ્રથમ એ કહ્યું છે કે બહિર્મુખતા છોડી અંતર્મુખતામાં સ્થિર થવું જ પડે તેમજ આસક્તિ છોડી અનાસક્ત ભાવમાં સ્થિર થવું પડે અને જીવનમાં ઉપભોગનો ત્યાગ કરી ઉપયોગનો સ્વીકાર કરવો. આ કરીએ એટલે જ જે આપણે શોધીએ છીએ તે અંતઃકરણમાંથી જ પ્રાપ્ત થાય. આનું નામ છે “અધ્યાત્મ શાંતિ”.

ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મને સ્વતંત્ર સ્થાન છે, સ્વતંત્ર વિચારધારા છે, સ્વતંત્ર ઉપાસના પદ્ધતિ છે જે આત્મ દર્શન સુધી પહોંચાડી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અધ્યાત્મ વિચાર સરણીમાં આત્માનું લક્ષણ, આત્માનું સ્વરૂપ, આત્માનો સંબંધ વગેરે બાબતો પર સુક્ષમથી અતિસુક્ષમ રીતે વિચાર કરવામાં આવેલ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા મરણ ધર્મ નથી, શાશ્વત છે. તેને જાણવું તેમાં સ્થિર થવું એનું નામ જ અધ્યાત્મ છે. આપણો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
આત્મા શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે તે નથી લાંબો કે નથી નાનો, નથી ચોરસ કે નથી ગોળ, એની કોઇ આકૃતિ જ નથી, તે અનાદિ અવિનાશી અક્ષય છે. તે પહેલા પણ હતો, ભવિષ્યમાં પણ રહેવાનો, ત્રણો કાળમાં તેની હસ્તી રહેવાથી - આમ આત્મા જ્ઞાન મળે છે. આત્મા સત્ય સ્વરૂપ છે.

આત્માને જાણી તેમાં સ્થિર થવું એનું નામ જ અધ્યાત્મ છે. ઉપનિષદોમાં આધ્યાત્મિક સાધનાના ચાર સોપાન દર્શાવ્યા છે. જેમાં દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન. નિદિધ્યાસન એટલે ધ્યાન વિજ્ઞાન. જ્યારે દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા. મનન વિના જ્ઞાન શક્ય નથી અને શ્રદ્ધા વિના મનન શક્ય નથી. આપ અહિં શ્રદ્ધા, મનન અને વિજ્ઞાન એ ત્રણ ક્રમિક સાધનો છે. આમ આધ્યાત્મિક સાધના અને આધ્યાત્મિક ગુણોના મૂળમાં શ્રદ્ધા છે. આમ શ્રદ્ધાનો અર્થ છે ચિત્ત શુદ્ધિ. “રાગ” ચિત્ત મળ છે. એ મળ દૂર થતા જ ચિત્ત શુદ્ધ બને છે. ચિત્તનો સ્વભાવ જ તત્ત્વ પથપળ છે. પરંતુ તેનો આ સ્વભાવ અગ્રહ, હઠાગ્રહ દૃષ્ટિરાગથી આવરિત થઈ ગયો છે, હાનિ પામ્યો છે. પરંપરાથી જન્મથી પ્રાપ્ત માન્યતાઓ, સિદ્ધાંતો અને ધારણાઓ પ્રત્યેના રાગમાંથી મુક્ત થવાને પરિણામે જ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય એ. આવી ચિત્ત શુદ્ધિ દરેક આધ્યાત્મિક સાધક માટે આવશ્યક છે. કારણ કે આવું શુદ્ધ ચિત્ત સામે આવેલા સત્યને ગ્રહણ કરવાની યોગ્યતા-ક્ષમતા ધરાવી શકે છે. આમ રાગ મળ દૂર થવાથી આવેલી ચિત્ત શુદ્ધિ અને પરિણામે પ્રગટેલી સત્ય પ્રણવતા એજ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાના આધારે જ પરમ તત્ત્વ સાથે મિલન થઇ શકે છે.

આધ્યાત્મિક સાધના દ્વારા રાગ મુક્ત થઈ આવશ્યક ચિત્ત શુદ્ધિ પામી સાધક સત્યને પ્રાપ્ત કરી જ શકે છે. આમ શ્રવણ, મનન અને નિદિધ્યાસનની અવશ્તામાંથી જ પસાર થતા શ્રદ્ધા વધુને વધુ પુષ્ટ થતી જાય છે. જેમ જેમ ચિત્ત આ ભૂમિકાઓમાંથી પસાર થાય છે, તેમ તેમ રાગ મળ વધુને વહુ ક્ષિણ થતો જાય છે અને પરિણામે ચિત્તની વિશુદ્ધિ વધુને વધુ થતી જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિના વધવા સાથે ચિત્તમાં સત્ય વધુને વધુ વિશુદ્ધરૂપે ગૃહિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. આમ શ્રદ્ધાના વિકાસ સાથે જ્ઞાનનો પણ વિકાસ થાય છે અને સાધક પોતાની પૂર્ણતા પ્રજ્ઞામાં પામે છે. નિવિતર્ક અને નિવિચારાત્મક ધ્યાનને પરિણામે સાધકમાં રાગનો સંપૂર્ણ નાશ થતાં જ ઉત્કૃષ્ટ ચિત્ત વિશુદ્ધિની પ્રાપ્તિ થતાં જ પ્રજ્ઞાનો ઉદય થાય એ. આમ રાગ નાશ પામતા જ વિશુદ્ધ જ્ઞાન – કેવળ જ્ઞાન – અનંત જ્ઞાન – આત્મ જ્ઞાન – પ્રાપ્ત થાય છે. આપ યોગની સાધનાને પરિણામે સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. પરિણામે રાગ-અહંકાર-ઇચ્છા-બંધનોનો સંપૂર્ણ ક્ષય થતાં અનંત જ્ઞાન પ્રગતે છે જે પૂર્ણતા છે. જેને મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે છે. જેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ – અમૃતની પ્રાપ્તિ કહે છે. જે જીવનની સિદ્ધિ છે.

- તત્ત્વચિંતક વી. પટેલ