શ્રી ગણેશ વંદના

ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા,
        હે નાથ, આપ જગપાલક છો વિધાતા;
વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૧)
આવ્યો અહિં શરણમાં ચરણે તમારા,
        લાવ્યો ન ભેટ ધરવા ફળ, ફૂલમાળા;
કીધા નથી મન કરી તવ નામ જાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૨)
સવારી કરી મુશકની ઉપરે, ફરતા,
        ભક્તો તણાં સહુય સંકટને હરતા;
બાળો ભયંકર બધાં શત જન્મ પાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૩)
લંબોદરા, ગણપતિ, ગજકર્ણ દાદા !
        સો કોટિ ભાસ્કર સમા સુર વંધ દાતા;
મેલા મનોરથ બધા મમ સદા કાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૪)
હે નાથ ! નિર્મલ કરો મમ ચિત્ત બુદ્ધિ;
        શ્રીપાદ વલ્લભ, ભજું તમને સ-શુદ્ધિ;
સંતપ્ત છું, તન અને મન કષ્ટ કાપો;
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૫)
હું 'ભૂ' પરે ભટકતું છું અલ્પ પ્રાણી,
        કેડી મને ન મળતી દિશ કો જવાની;
હે નાથ ! હાથ મુજને ઝટ આપ આપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૬)
દૂર્વા ન અર્પણ કરી, શિર મેં તમારા,
        ગંધાક્ષતે નવ કરી, કદી દુગ્ધ ધારા;
દોષો થતાં મધુ થકી સહુની ક્ષમા દો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૭)
વેગે સહાય કરવા, નિજ ભક્ત કેરી,
        નિત્યે જ તત્પર રહો, કરુણા ઘણેરી;
હે તાત ! આ જગતમાં સુખશાંતિ સ્થાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૮)