હોલિકોત્સવ કે આનંદોત્સવ !

પરમ કૃપાળુ પરમાત્માએ માનવના હાથમાં એક પ્યાલું આપ્યું અને તેમાં "આનંદ" નો એક તરંગ મૂક્યો અને કહ્યું - "આમાં આનંદ છે, પણ તે ત્યાં સુધી આનંદ રહેશે, જ્યાં સુધી એને કાળનો સ્પર્શ નહિ થાય. કાળનો સ્પર્શ થતાં જ ક્યાં તો એ વિષાદ બની જશે, ક્યાં તો પશ્ચાતાપ થઈ જશે, ક્યાં તો દુર્દશા બની જશે !"
 
આનંદ રહે છે વર્તમાનકાળની એક પવન લહેરખી ઉપર, પળની એક પાંખ ઉપર ! પણ એ એક જ પણ જો તમને પ્રાપ્ત થઈ તો તે તમને આનંદની લીલાની ઝાંખી કરાવશે.
 
પ્રભુએ માનવના બીજા હાથમાં એક પ્યાલું આપ્યું અને તેમાં "દુઃખ" નો એક તરંગ મૂક્યો અને કહ્યું - "જો આ દુઃખ છે ! પણ આ પ્યાલામાંથી નું પાન કરશે, ત્યારે જ તને પેલા પ્યાલાના અમૃતની અદભુત મીઠાશ સમજાશે. દુઃખના સાગર વચ્ચે, જો આનંદની એક મીઠી વીરડી હશે તો તારે માટે જીવનની અનંત લીલા નિહાળવાનું એ એક પ્રકાશ કિરણ બની જશે."
 
કવિવર ટાગોરે કહ્યું છે કે "નદીનો એક કિનારો કહે છે કે, દુનિયામાં જેટલું સુખ છે એ બધું સામેના કિનારે રહેલું છે. નદીનો બીજો કિનારો કહે છે કે, જેટલું સુખ છે તે બધું સામે કિનારે જ છે. જીવનમાં કંઇક આવું જ બનતું હોય છે. એકને જે સુખ દેખાય છે તે બીજાને દુઃખ લાગે છે, બીજાને જે દુઃખમય લાગે છે તે પહેલાને સુખમય લાગે છે."
 
આશાવાદીને શરબતનો પ્યાલો અરધો ભરેલો છે એમ લાગે છે, જ્યારે નિરાશાવાદીને તે પ્યાલો અરધો ખાલી દેખાય છે, પૂરો ભર્યો નથી તેમ લાગે છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ બાકી તો સદા રહો હસતા... સ્મરો ઇષ્ટદેવને... સ્મરો આદ્યશક્તિ અંબાને... બસ આનંદ આનંદ... શાંતિ જ શાંતિ...
 
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે - "વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલ સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠુ લાગે છે, પણ પરિણામે તો ઝેરની ગરજ સારે છે..." માટે કામનાને સંતોષવા કરતાં તેના પર વિજય મેળવવામાં વધારે આનંદ રહેલો છે. પ્રભુ તરફથી જે કાંઈ મળે તેનો સદા આનંદભર સ્વીકાર કરો. આપણા હ્રદયની નીરવતામાં હંમેશા શાંતિ અને આનંદનો નિવાસ હોય છે, આપણે એ હંમેશા ત્યાં મેળવી શકીએ છીએ.
 
જ્યાં સુધી તમારામાં ઇચ્છા રહેશે, આકાંશા રહેશે, આસક્તિ રહેશે, રાગદ્વેષ રહેશે, જ્યાં સુધી જેને "મજા" કહેવામાં આવે છે, તે રીતનો પ્રાણમય અથવા શારીરિક આનંદ થતો રહેશે ત્યાં સુધી તમને "અસ્તિત્વ" ના દિવ્ય આનંદનો અનુભવ તો નહિ જ થઈ શકે. જ્યારે ઇષ્ટદેવની સાથે આપણો સંબંધ સંપૂર્ણ પણે સ્થાપિત થાય છે, ત્યારે આનંદ પરિપૂર્ણ બને છે.
 
આધ્યાત્મિક સાધના વ્યક્તિને ગમગીન નહિ પણ આનંદનું સંતાન બનાવે છે, પ્રભુમય પુરુષ સદા આનંદમાં રહે છે, તેઓ જીવન વ્યવહાર પણ હંમેશા સ્નેહથી સભર હોય છે. આનંદ પોતાના મસ્તક ઉપર શોકનો મુગટ ધારણ કરીને આવે છે, આનંદને આવકારે છે તેણે શોકને પણ આવકાર આપવો પડશે.
 
ત્મારે જો આનંદની પ્રાપ્તિ કરવી હોય તો હ્રદયને અનુસરો, બુદ્ધિને નહિ. જ્યારે મગજ અને હ્રદય વચ્ચે તમારી અંદર સંઘર્ષ થાય ત્યારે, મગજ નહિ પણ હ્રદય જે કહે તે કરજો. પ્રભુ મગજમાં નથી, પણ આત્મારૂપે હ્રદયમાં છે, ત્યાંથી આવતો અવાજ બુદ્ધિથી પર છે. માટે બુદ્ધિની દોરવણી કરતાં, પ્રભુની દોરવણી પ્રમાણે ચાલો...
 
તમે સ્વપ્નો સેવો ભલે પણ સ્વપ્નોમાં જ રાચો. હા, સ્વપ્નોની સિદ્ધિમાં જરૂર રાચો. સુખના સ્મરણોમાં ઊંડું દુઃખ છે અને દુઃખના સ્મરણોમાં ઊંડું સુખ છે, માટે સંજોગો અને વિષાદોની ઝાપટો વાગતી હોય છતાં અહોનિશ આનંદમાં રહેવું અને પરમ કૃપાળુ પરમાત્મા જે જે વખતે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માણવો અને પરોપકાર તથા માનવતાના કાર્ય કરીશું તો મનનો જીવનબાગ મહેંકી ઊઠશે.
 
મિલનમાં આનંદ હોય છે એ ખરું, પણ વિરહ કદી આવે જ નહિ તો એ આનંદ સદા એકધારો અને અખંડ રહે ખરો? દુનિયામાં આંસુ ન હોત તો કાંઇ કેટલાયે ભાવો અવ્યક્ત જ રહેત !
 
એક સુંદર મુક્તકમાં કહેવાયું છે -
'માગ્યું' ના મળે તેનો ખેદ તો સહુએ કરે,
તને માગ્યું મળ્યું તેનો ખેદ તું હ્રદયે ધરે !
કુદરતે માનવીને શોકના સાગરમાં તરતો મૂક્યો છે. શ્રી મકરંદ દવેના શબ્દોમાં કહીએ તો -
નિત નિત ઊછળે છે જિંદગીના મોજાં,
કોક દિ' ઇદ તો કોક દિ' રોજા.
આત્મા વિનાનો આનંદ એ એક પાપ છે. સ્વાશ્રયમાં જ આનંદ છે. વેઠે પકડાવેલ મજૂરની પેઠે કપાળે કરચલીઓ પાડી, પેટ માટે ગધ્ધાવૈતરું ન કરતાં, આનંદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરો.
કોઇ શાયરે કહ્યું છે કે,
मौज के दिन जिंदगी में आते है मुश्किल से;
मिज़ाज को ऐसा बनाओ, मौज ही दीखा करे !
 
અનાદિકાળથી માનવજીવનનું એકમાત્ર ધ્યેય આનંદની પ્રાપ્તિનું છે. આપણે સૌ મોટે ભાગે સુખને જ આનંદનો પર્યાય ગણીને જીવીએ છીએ. ધર્મશાસ્ત્રોમાં "આનંદ બ્રહ્મ ઇતિ..." એમ કહેવાયું છે, અર્થાત્ સાચો આનંદ એ જ પ્રભુનો પર્યાય !
 
આપણને ભૌતિક સુખો કે દુઃખો પરમ આનંદ આપી શકતાં નથી, કેમ કે સુખો ક્ષણભંગુર છે અને આનંદ અવિનાશી છે. સ્વપ્નમાં ખાધેલ મીઠાઇનો સ્વાદ જાગ્યા પછી ટકતો નથી, તેમ જાગ્યા પછી સુખ ટકતું નથી આનંદ જ માત્ર ટકી શકે છે.
 
સુખ-દુઃખની હદ જ્યાં પૂરી થાય છે, ત્યાં આપણા સ્વાર્થોની હદ પણ પૂરી થાય છે, અને ત્યાંથી જ અનહદ આનંદની અનુભૂતિ પામી શકાય છે. કહો કે જેની હદ નથી એ જ અનહદ પરમ આનંદ, એ જ આપણું અસલ ધ્યેય.
 
આમ આનંદ એ બહારનું નથી પરંતુ અંદરનું-અંતરનું છૂપું ઝરણું છે. એ પામવા આપણે બહારના સુખોમાં વારિદોહન કર્યાં કરીએ છીએ. વળી આનંદ અનંતરૂપ છે તેથી આપણા દેહાવસાન બાદ પણે તે યથાવત ટકી રહે છે.
 
પૂ.ડોંગરેજી મહારાજના શબ્દોમાં કહીએ તો -
"આનંદ અંદર છે, આનંદ બહારના કોઇ પદાર્થમાં નથી, એ તો તમારી ભીતરમાં જ બેઠો છે. બહારની વસ્તુમાં આનંદ શોધવા જશો તો વેદનાની સાથે અથડાઇ પડશો, કારણ તમે જે વસ્તુમાં આનંદ માનતા હશો તે કોઇક દિવસ તો નાશ પામશે જ અને તે દિવસે તમારી વેદનાનો પાર નહિ રહે.
કસ્તુરી મૃગની ડૂંટીમાં વસે છે, છતાં મૃગ તે બહાર શોધવા ભટકે છે, તે દુઃખી થાય છે, તેમ આનંદ અંદર જ છે છતાં જીવ બહાર ભટકે છે. આજે સુખ આપનાર ઊપડે ત્યારે એ આનંદ આપી શકશે ખરો?"
 
માનવ મન સુખ-દુઃખ, આનંદ-આક્રંદ, હર્ષ-શોક, વિનોદ-વિષાદ તથા શાંતિ-અશાંતિનું સંગમસ્થાન છે. માનવ મન સંસારના વિવેધ સ્વરૂપે સદૈવ આનંદ અને સુખની શોધમાં રહે છે. આનંદની પ્રાપ્તિ અર્થે નિરંતર પ્રવૃત્તિ રહે છે.
 
અભાવ, ક્રોધ, વિસંગતિ-ક્રાંતિને જન્માવે છે, માત્ર સંતોષ અને શાંતિ જ આનંદ આપનાર છે. સંતોષ વિના સુખ મળતું જ નથી. જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યાં સર્વત્ર આનંદ જ છે, પરંતુ માનવી અંતતાર્માના અવાજને સાંભળતો નથી, આત્મદર્શન કરતો નથી કે અહીં જ આનંદ છે.
 
વૈરભાવના, વિરોધ, વિલાસિતા, વૈભવ, ક્રોધ, ધૃણા, આત્મશ્લાધા એ સર્વ ભાવ આનંદનો ભંગ કરે છે. સત્સંગ અને સ્વાધ્યાયથી આનંદનો ઉદય થાય છે. આનંદનું મૂળ માનવીના જ હ્રદયમાં છે. સુખનું ફળ શાંતિ, શાંતિનું મૂળ સંતોષ અને સંતોષનું મૂળ હ્રદયના અતળ ઊંડાણમાં સ્થિર આત્માની પૂર્ણતા છે.
 
કામનાને સંતોષવા કરતાં તેના પર વિજય મેળવવામાં વધારે આનંદ રહેલો છે.
 
પ્રભુ તરફથી જે કાંઇ મળે તેનો સદા આનંદભેર સ્વીકાર કરો.
 
ભગવાન પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રકાશિત કરવાનો સૌથી સારો ઉપાય છે, સરળ ભાવથી પ્રસન્ન રહેવું.
 
આપણા હ્રદયની નીરવતામાં હંમેશા શાંતિ અને આનંદનો નિવાસ હોય છે...આપણે એ હંમેશા ત્યાં મેળવી શકીએ છીએ.
 
જ્યાં સુધી તમારામાં ઇચ્છા રહેશે, આસક્તિ રહેશે, જ્યાં સુધી જેને 'મજા' કહેવામાં આવે છે, તે રીતનો પ્રાણમય અથવા શારીરિક આનંદ થતો રહેશે ત્યાં સુધી તમને (અસ્તિત્વના) આ દિવ્ય આનંદનો અનુભવ તો નહિ જ થઇ શકે, ના, નહિ જ થઇ શકે!
 
જ્યારે ભગવાનની સાથે આપણો સંબંધ સંપૂર્ણપણે સ્થાપિત થાય છે, ત્યારે આપણી શાંતિ અને આનંદ પણ પૂર્ણ બને છે. આપણને દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે તે જ મોટી વાત છે. હું જન્મ્યો છું, હું શ્વાસ લઉ છું, હું બોલું છું, મને વાચા, સુગંધ, શ્રવણશક્તિ મળ્યાં; શું એ ઓછો આનંદ છે? આજે માજવજીવમાં જો કોઇ મોટામાં મોટો દુષ્કાળ હોય તો તે આનંદનો દુષ્કાળ છે.
 
આપણે આનંદને પણ માણી શકતા નથી. મને શું શું નથી મળ્યું તેનો વિચાર કરવા કરતાં મને જીવનમાં શું શું મળ્યું તેનો વિચાર કરતાં થઇશું તો આનંદ માળી શકીશું. બીજા નથી કરી શકતા તે માનવજીવન કરી શકે છે કે મેળવી શકે છે; શું એ ઓછો આનંદ છે? સાથેસાથ એ પણ ન ભૂલવું જોઇએ, 'પહેલું સુખ તે જાતે નર્યા...' આનંદનું જ્યારે વિભાજન થાય છે ત્યારે જ એનું ગુણાંકન પણ થાય છે.
 
કહેવાનું તાત્પર્ય એ છે કે, તહેવારો અને ઉત્સવો તો અનેક આવે છે પણ તહેવારોની ઊજવણીનો આનંદ અને રંગ જુદો જુદો હોય છે. એમાંય હોળી-ધૂળેટીના જોડિયા તહેવારોનો આનંદ તો અનોખો જ છે!
 
વસંતના આગમનની છડી પોકારતા આ તહેવારોનો મહિમા પણ મોટો છે. ઋતુરાજ પાંદડે પાંદડે સ્પર્શ કરતો, કળીઓને ખીલવતો ચોમેર ફરી વળે છે. વૃક્ષો અને વેલીઓ નવાં વસ્ત્રો પરિધાન કરે છે. સારીય કુદરત ઋતુરાજ વસંતનું સામૈયું કરતી ખીલી ઊઠે છે. નૈસર્ગિક રંગ-રાગ લોક હ્રદયને ભરી દે છે. માનવ હ્રદય શૃંગાર અને વિલાસ તરફ આકર્ષાય છે અને આનંદની પરમ સીમા એટલે રંગભરી હોળી!
 
અન્ય પર્વની માફક આ આનંદનું પર્વ પણ ઋતુઓના સન્માનનું પ્રતિક છે, એમાં ધાર્મિક ભાવનાનો સુભગ સમન્વય દ્રષ્ટિગોચર થાય છે. વૃંદાવન વિહારી ભગવાન શ્રીકૃષ્ણે રાધિકાજી સાથે હોલિકોત્સવ ઉજવ્યો હતો, અને વૃંદાવનની કુંજે કુંજે ગુલાલ ઊડાયો હતો.
 
ફાગણ સુદ પુનમની રાત્રે ધેરૈયાઓ શેરીએ શેરીએ હોળી પ્રગટાવે છે. સ્ત્રીઓ શ્રીફળ, હળદર, ચોખા, પકવાન અને પુષ્પો વગેરે સામગ્રીથી વિધિપૂર્વક પૂજન કરે છે. સ્ત્રીઓ હોળી પણ ભૂખ્યા રહીને વ્રત કરે છે.
 
("પ્રાચીન વ્રત ઉપાસના" પુસ્તક માંથી)
પ્રકાશક - જલારામ જ્યોત પ્રકાશન