દીપક શા માટે પ્રગટાવવામાં આવે?

       शुभं करोतु कल्याणमारोग्यं धनसंपदा।
       शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
       दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
       दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥
"દીપ જ્યોતિ અમારું કલ્યાણ કરનાર, શુભ કરનાર, અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનાર છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે, જનાર્દન છે, અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!"
 
જ્યાં પ્રકાશ હોય છે ત્યાંથી અંધકાર દુર થઈ જાય છે. જ્યાંથી અંધકાર દુર થઈ જાય છે ત્યાં માંગલ્ય થાય છે, સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય પણ સારૂં રહે છે, ત્યાં ધન સંપત્તિ પણ હોય છે. બુદ્ધિમાં પ્રકાશ થતાં જ શત્રુની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે શત્રુનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરેનો નાશ થઈ જાય છે. પાપનું કારણ અજ્ઞાન છે અને આ અજ્ઞાનને દૂર કરનાર દીપક છે. આપણા જીવનમાં તે જ્ઞાનનો પ્રકાશ લાવે છે અને અજ્ઞાનના અંધકારને દૂર ભગાવી દે છે.
 
મનુષ્યના જીવનમાં ચિન્હો અને સંકેતોનું ખુબજ મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં માટીમાંથી બનાવેલ દીવામાં પ્રજ્વલિત જ્યોતિનું ખાસ મહત્વ છે. દીપક આપણને અજ્ઞાન દૂર કરીને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંદેશ આપે છે. દીપક અંધકાર દૂર કરે છે. માટીનો દીવો માટીમાંથી બનેલ મનુષ્ય શરીરનો પ્રતીક છે અને એ દીવામાં રહેલ તેલ આપણી જીવનશક્તિનું પ્રતીક છે. મનુષ્ય પોતાની જીવનશક્તિથી મહેનત કરીને સંસારમાંથી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવો જોઇએ એવો સંદેશ આપે છે.
 
મંદિરમાં આરતી કરતી સમયે દીવો સળગાવવા પાછળ પણ આ જ ભાવ રહ્યો છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે. 'तमसो मा ज्योतिर्गमय' ગાઢ અંધકારમાંથી હે પ્રભુ! પરમ પ્રકાશની તરફ લઈ જાઓ.
 
દીપાવલીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજનમાં અમાસની અંધારી રાતમાં દીપક સળગાવવા પાછળ પણ આ જ ઉદ્દેશ્ય છુપાયેલ છે. ઘરમાં તુલસીના ક્યારા પાસે પણ દીપક પ્રગટાવવામાં આવે છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત પણ દીપક પ્રગટાવીને કરવામાં આવે છે. કોઈ મૃત્યુ પામે ત્યારે પણ તેમની છબી પાસે દીવો સળગાવવામાં આવે છે. જે આપણને સંદેશ આપે છે કે આપણું આ શરીર ફક્ત એક માટીની કાયા છે, જ્યારે તેમાં રહેલ જીવનશક્તિ રૂપી તેલ સમાપ્ત થઈ જશે ત્યારે આ શરીર રૂપી દીવો એના મૂળ સ્વરૂપ પંચમહાભૂતોમાં ભળી જશે.
 
સારા અને સંસ્કારી પુત્રને પણ કુળ-દીપક કહેવામાં આવે છે. આપણા વેદ અને શાસ્ત્ર પણ આપણને એ જ શિક્ષા આપે છે કે હે ભગવાન! અંધકારથી પ્રકાશની તરફ, મૃત્યુથી અમરતાની તરફ લઈ જાઓ.
 
તાત્વિક વિચારધારા પ્રમાણે આપણે બે પ્રકારના પ્રકાશની કામના કરીએ છીએ. એક કે જેને આપણે અધ્યાત્મનો પ્રકાશ કહીએ છીએ, અને બીજો બહારી જગતનો પ્રકાશ જે આપણને દિનમાં સૂર્ય અને રાતમાં ચન્દ્ર-તારા પાસેથી મળે છે; અર્થાત્ પહેલો પ્રકાશ આધ્યાત્મિક અને બીજો લૌકિક પ્રકાશ.
 
આધ્યાત્મિક પ્રકાશ માટે મન અને આત્માના દીપકને પ્રગટાવવો પડે છે. મનના છ વિકાર છે - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો ન રહેવા પર આત્માનો પ્રકાશ જોવા મળે છે, જે ઈશ્વરને મેળવવા માટેનો માર્ગ સરળ બનાવી દે છે. બહારી જગતમાં જ્યારે અંધકાર છવાય છે ત્યારે પ્રકાશ ફેલાવવા માટે એક દીપકની આવશ્યકતા હોય છે. જ્યાર સુધી સૂરજનો પ્રકાશ રહે છે, ત્યાર સુધી દિન અને જ્યારે સૂરજ ડૂબી જાય છે ત્યારે રાત થઈ જાય છે. રાતના અંધારામાં દીપક જ આપણો સાથ આપે છે. દીપક સળગાવીને આપણે એ કામના કરીએ છીએ કે હે પ્રભુ! અમારી બુદ્ધિને પ્રકાશિત કરો. આ કારણસર જ આપણે કોઈ પણ નવા કાર્યની શરૂઆત દીપક પ્રગટાવીને કરીએ છીએ. અને આ જ છે આપણી ભારતીય સંસ્કૃતિની ગરિમા.
 
ॐ असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मामृतं गमय ।
ॐ शान्ति शान्ति शान्ति ।।
 
======== * ========