સિકંદર અને સંત કબીર

"ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે." ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
 
કબીરની વાળી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં. કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં. તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
 
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે. કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી, કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેનવાની હતી. આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો. સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો. ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.
 
"કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો !" કોઈ એક દરબારીએ હુકમ કર્યો.
 
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ અને તે પરમ કૃપાળુ પરમેશ્વર. આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
 
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો. અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા. વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા. કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી. ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -
लीला मेरे लालकी, जीत देखो तीत लाल,
लीला देखन मय गई, मय भी हो गई लाल.
- રામનો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા ભગવાનની જ લીલા જોવા મળે છે. લાલની લીલા જોવા જતાં હું જ લાલ બની ગઈ.
 
"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી." કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના વિલોરી કાચ શાં સત્ય વચન સાંભળી ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
 
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ વીરોના પણ વીરનાં વધામણાં કર્યાં. અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે પોતાનું સર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.
 
આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.
 
"સંત સુવાસ" પુસ્તક માંથી
લેખક: બેપ્સી એંજિનિયર
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર