અધ્યાય ૦૧ - શ્લોક ૦૧

મૂળ શ્લોક: 

धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥

શ્લોક ભાવાર્થ: 

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' - કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્યો થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યાભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે.

અહીં 'धर्मक्षेत्रे' અને 'कुरुक्षेत्रे' પદોમાં 'क्षेत्रे' શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઇની ભૂમિ જ નથી, પરંતુ તિર્થભૂમિ છે, જેમાં પ્રાણી જીવતેજીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઇ જાય - એવો વિચાર કરીને તેમ જ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઇને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે.

સંસારમાં મોટે ભાગે ત્રણ બાબતોને કારણે લડાઇ થાય છે - જમીન, ધન અને સ્ત્રી. આ ત્રણમાં પણ રાજાઓનું આપસઅપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં 'कुरुक्षेत्रे' પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો - બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત્ રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી (કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે) બંને જમીનને માટે લડાઇ કરવા આવ્યા છે.

જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે 'कुरुक्षेत्रे' પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાસસંગત છે, તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઇ પણ કાર્ય કરવું હોય, ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઇ જાય અને કલ્યાણ થઇ જાય.

અહીં આરંભમાં 'धर्म' પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના 'धर्म' પદમાંથી 'धर्' લઇ લેવામાં આવે અને અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકના 'मम' પદમાંથી 'म' લઇ લેવામાં આવે, તો 'धर्म' શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે અર્થાત્ ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્યકર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે.

આ 'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' પદો ઉપરથી બધા મનુષ્યોએ બોધપાઠ લેવો જોઇએ કે કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ. માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહિ; અને કર્તવ્ય-અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઇએ (ગીતા અધ્યાય ૧૬/૨૪).

'समवेता युयुत्सवः' - રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દૂર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહિ. એટલું જ નહિ, ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું [૩]. ત્યારે નિરુપાય થઇને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો - બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઇચ્છાથી એકઠા થયા છે.

બંને સેનાઓમાં યુદ્ધની ઇચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઇચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપ્રાપ્તિનો જ હતો. એ રાજ્યપ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઇ પણ રીતે અમને રાજ્ય મળવું જોઇએ - એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત્ યુદ્ધની ઇચ્છાવાળો હતો.

પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવનનિર્વાહ કરી લઇશું, પરંતુ અમારા ધર્મપાલનમાં વિઘ્ન નહિ આવવા દઇએ અને ધર્મની વિરુદ્ધ નહિ ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઇઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા, તે માતાની આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઇ હતી [૪]. અર્થાત્ કેવળ માની આજ્ઞાના પાલન રૂપ ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઇચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સુ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા.

'मामकाः पाण्डवाश्चैव' - પાંડવો ધૃતરાષ્ટ્ર ને (પોતાના પિતાના મોટા ભાઇ હોવાથી) પિતાતુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તોપણ પાંડવો ઉચિત-અનુચિતનો વિચાર નહિ કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં 'मामकाः' પદની અંતર્ગત કૌરવ [૫] અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં 'पाण्डवाः' પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા [૬]. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે 'मामकाः' અને પાંડુના પુત્રોને માટે 'पाण्डवाः' પદનો પ્રયોગ કર્યો છે; કારણ કે જે ભાવો હૈયામાં હોય છે, તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ વ્દૈધીભાવ (ભેદભાવ) ને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્યમાત્રે એ બોધપાઠ લેવો જોઇએ કે તેઓ પોતાનાં ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં વ્દૈધીભાવ અર્થાત્ આ આપણા છે, આ બીજા છે - એવો ભાવ ન રાખે. કારણ કે વ્દૈધીભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી પણ ઊલટાનો કલહ થાય છે.

અહીં 'पाण्डवाः' પદની સાથે 'एव' પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે; આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું. પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા, તો ત્યાં આવીને એમણે શું કર્યું?

['मामकाः અને पाण्डवाः' [૭] - એ બેમાંથી પહેલા 'मामकाः' પદનો ઉત્તર સંજય આગળના (બીજા) શ્લોકથી તેરમા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના મુખ્યમુખ્ય સેનાપતિઓનાં નામ લીધાં. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્યમુખ્ય યોદ્ધાઓનાં નામ લઇને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવસેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઊઢ્યાં. પછી ચૌદમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી 'पाण्डवाः' પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવપક્ષના ભગવાન શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. ત્યાર બાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાનાં હૈયાં કંપી ઊઠ્યાં. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતાંકહેતા વીસમા શ્લોકથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે.]

યુદ્ધ થયું નહિ? એ જાતનો વિકલ્પ તો અહીં લઇ શકાતો નથી; કારણ કે દસ દિવસ સુધી યુદ્ધ થઇ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે.

'મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું, કે યુદ્ધ કરી બેઠા ! એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું' - એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો; કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો.

અહીં 'किम्' શબ્દનો અર્થ 'પશ્ન' લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદાજુદા પ્રકારની નાનીમોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે.


[૧] - વૈશંપાયન અને જનમેજયના સંવાદની સંદર 'ધૃતરાષ્ટ્રસંજયસંવાદ' છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર 'શ્રીકૃષ્ણર્જુનસંવાદ' છે.

[૨] - સંજયનો જ્ન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તે મુતિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા - 'संजयो मुतिकल्पस्तु यज्ञे सूतो गवल्गणात्' (મહાભારત, આદિપર્વ, ૬૩/૯૭). એ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા.

[૩] - यावद्धि तीक्ष्णया सूच्चा विध्येदग्रेण केशव । तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति ॥ (મહાભારત, ઉદ્યોગ. ૧૨૭/૨૫)

[૪] - માતા કુંતા ઘણી સહનશીલ હતી. કષ્ટથી બચીને, સુખ, આરામ, રાજ્ય વગેરેની ઇચ્છા - એ વાત એનામાં ન હતી. એ એક વિલક્ષણ માતા હતી, જેણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું. એનામાં સુખલોલુપતા ન હતી, પરંતુ એના મનમાં બે વાતોને લઇને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે, રાજ્યને માટે કૌરવપાંડવ આપસાઅપસમાં લડત, કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધૂ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઇચ્છા કરી, અપમાનિત કરવાની ઇચ્છા કરી - એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજી ઘણી જ ખરાબ લાગી.
બીજી વાત, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઇને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ વગેરી ભગવાનને પકડી લઇને કેદ કરવાની ઇચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલદીથી મારી નાખવા જોઇએ. કારણ કે એમના જીવતા એઅહેવાથી એમનાં પાપ વધતાં જ રહેશે, જેથી એમને ઘણું જ નુકશાન થશે. આ બે કારણોથી માતા કંતાએ પાંડવોને યુદ્ધને માટે આજ્ઞા આપી હતી.

[૫] - જોકે 'कौरव' શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે 'पाण्डव' શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં 'कौरव' શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે.

[૬] - ધૃતરાષ્ટ્રના મનમાં વ્દૈધીભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે. આ ભાવને કારણે દુર્યોધનું ભીમમે વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઇને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો. કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો કે જો કોઇ પણ રીતે પાંડવોનો નાશ થઇ જાય, તો મારા પુત્રોનું રાજ્ય સુરક્ષિત રહેશે.

[૭] - અહીં આવેલા 'मामकाः' અને 'पाण्डवाः' નું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટ્થી જ આગણ ઉપર સંજયનાં વચનોમાં 'दुर्योधनः' (અધ્યાય ૧/૨) અને 'पाण्डवः' (અધ્યાય ૧/૧૪) શબ્દો પ્રયોજાયા છે.