ટીકા સંબંધમાં

નાની ઊંમરથી જ મારી ગીતામાં વિશેષ રુચિ રહી છે. ગીતાનું ગંભીરતાપૂર્વક મનનવિચાર કરવાથી તથા અનેક સંતમહાપુરુષોના સંગ અને વચનોથી મને ગીતાના વિષયને સમજવામાં ઘણી સહાય મળી. ગીતામાં મહાન સંતોષ આપવાવાળા અનંત વિચિત્રવિચિત્ર ભાવો ભરેલા પડ્યા છે. ભાવોને પૂર્ણ રીતે સમજવાનું અને તેમને વ્યક્ત કરવાનું મારામાં સામર્થ્ય નથી. પરંતુ જ્યારે કેટલાક ગીતાપ્રેમી સજ્જનોએ વિશેષ આગ્રહ કર્યો, હઠ કરી, ત્યારે ગીતાના માર્મિક ભાવોનો પોતાને બોધ થઇ જાય તથા બીજો કોઇ મનન કરે તો એને પણ એમનો બોધ થઇ જાય – એ દ્રષ્ટિએ ગીતાની વ્યાખ્યા લખાવવાની પ્રવૃતિ થઇ.
 
સહુથી પહેલાં એક બારમા અધ્યાયની ટીકા લખાવી તેને સંવત ૨૦૩૦માં ‘ગીતાનો ભક્તિયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એનાં થોડાં વર્ષો બાદ તેરમા અને ચૌદમા અધ્યાયની ટીકા લખાવી, જેને સંવત ૨૦૩૫માં ‘ગીતાનો જ્ઞાનયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એને લખાવ્યા બાદ એવો વિચાર થયો કે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – એ ત્રણે યોગ છે, આથી એ ત્રણેય યોગો ઉપર ત્રણ પુસ્તકો તૈયાર થઇ જાય તો ઠીક રહેશે. એ દ્રષ્ટિએ પહેલાં બારમા અધ્યાયની ટીકાનું સંશોધનપરિવર્ધન કરવામાં આવ્યું અને એની સાથે પંદરમા અધ્યાયની ટીકાને પણ સંમિલિત કરીને સંવત ૨૦૩૯માં ‘ગીતાનો ભક્તિયોગ’ (દ્વિતીય સંસ્કરણ) નામથી પ્રકાશિત કરવામાં આવ્યો. પછી ત્રીજા, ચોથા અને પાંચમાં અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાનો કર્મયોગ’ નામથી બે ખંડોમાં પ્રકાશિત કરવામાં આવ્યો. એનું પ્રકાશન વિલંબને લીધે સંવત ૨૦૪૦માં થયું.
 
ઉપર્યુક્ત ‘ગીતાનો ભક્તિયોગ’, ‘ગીતાનો જ્ઞાનયોગ’ અને ‘ગીતાનો કર્મયોગ’ – એ ત્રણે પુસ્તકોમાં લખવાની પધ્ધતિ કંઇક જુદી રહી અર્થાત્ પહેલાં સંબંધ, પછી શ્લોક, પછી ભાવાર્થ, પછી અન્વય અને પછી પદટીકા – એ પધ્ધતિએ લખવામાં આવ્યું. પરંતુ આ ત્રણ પુસ્તકો બાદ લખવાની પધ્ધતિ બદલવામાં આવી અર્થાત્ પહેલાં સંબંધ, પછી શ્લોક અને પછી ટીકા – એ પધ્ધતિએ લખવામાં આવ્યું. એમાં બીજાઓની પ્રેરણા પણ રહી. પધ્ધતિ બદલવામાં ભાવ એ રહ્યો કે લખણ થોડુંક ઓછું થઇ જાય અને જલદી લખવામાં આવે, જેથી વાચકોને વાંચવામાં વધુ સમય ન લાગે અને પુસ્તક પણ જલદી તૈયાર થઇને સાધકોના હાથમાં પહોંચી જાય. આ જ પધ્ધતિથી પહેલાં સોળમા અને સત્તરમા અધ્યાયની ટીકા લખાવી. એને સંવત ૨૦૩૯માં ‘ગીતાની સંપત્તિ અને શ્રદ્ધા’ નામથી પ્રકાશિત કરવામાં આવી. ત્યાર બાદ અઢારમા અધ્યાયની ટીકા લખવામાં આવી. એને સંવત ૨૦૩૯માં ‘ગીતાનો સાર’ નામથી પ્રકાશિત કરવામાં આવી.
 
જ્યારે સોળમા, સત્તરમાં અને અઢારમા અધ્યાયની ટીકા છપાઇ ગઇ, ત્યારે કોઇએ કહ્યું કે જો શ્લોકનો અર્થ પણ આપી દેવામાં આવે તો ઠીક રહેશે; કેમકે પહેલાં વાચક શ્લોકનો અર્થ સમજી લેશે, તો પછી તીકા સમજવામાં સુવિધા રહેશે/ આથી ‘ગીતાની સંપત્તિ અને શ્રદ્ધા’ ના બીજા સંસ્કરણ (સંવત ૨૦૪૦) માં શ્લોકોના અર્થ પણ આપવામાં આવ્યા. શ્લોકોનો અર્થ આપવાની સાથેસાથે પદોની ટીકા કરવાનો ક્રમ પણ કંઇક બદલવામાં આવ્યો.
 
એના પછી દસમા અને અગિયારમા અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાની વિભૂતિ અને વિશ્વરૂપદર્શન’ નામથી પ્રકાશિત કરવામાં આવી. પછી સતમા, આઠમા, અને નવમા અધ્યાયની ટીકા લખાવી, જેને ‘ગીતાની રાજવિદ્યા’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એના પછી છઠ્ઠા અધ્યાયની ટીકા લખાવી, જે ‘ગીતાનો ધ્યાનયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. અંતે પહેલાં અને વીજા અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાનો આરંભ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. આ ચારેય પુસ્તકો સંવત ૨૦૪૧માં પ્રકાશિત થયાં.
 
આ રીતે ભગત્કૃપાથી સમગ્ર ગીતાની ટીકા અલગઅલગ કુલ દશ ખંડોમાં ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત થઇ. એમને પ્રકાશિત કરવાના કાર્યમાં કાગળ વગેરેની કેટલીય મુશ્કેલીઓ આવતી રહી, તેમ છતા પણ સત્સંગી ભાઇઓના પ્રયત્નથી એમને પ્રકાશિત કરવાનું કાર્ય ચાલતું રહ્યું. લોકોએ પણ એ પુસ્તકોનો ઉત્સાહ તેમ જ પ્રસન્નતાપૂર્વક સ્વીકર કર્યો, જેથી કેટલાંક પુસ્તકોનાં બે બે, ત્રણ ત્રણ સંસ્કરણો પણ નીકળી ગયાં.
 
આ ટીકાને એક જગાએ બેસીને નથી લખાવવામાં આવી અને એને પહેલા અધ્યાયથી માંડીને અઢારમાં અધ્યાય સુધી ક્રમવાર પણ નથી લખવામાં આવી. એટલા માટે એમાં પૂર્વાપર સંબંધની દ્રષ્ટિએ કંઇક વિરોધ આવી શકે છે. પરંતુ એથી સાધકોને ક્યાંય પણ મુશ્કેલી નહિ નડે. ક્યાંકક્યાંક સિદ્ધાંતોના વિવેચનમાં પણ ફરક પડ્યો છે; પરંતુ કર્મયોગ, જ્ઞાનયોગ, અને ભક્તિયોગ – એ ત્રણેય સ્વતંત્રતાપૂર્વક પરમાત્મતત્વની પ્રાપ્તિ કરાવવાવાળા છે – એમાં કંઇ ફરક નથી પડતો. ટીકા લખાવતી વખતે ‘સાધકોને શીઘ્ર લાભ કેવી રીતે થાય’ – એવો ભાવ રહ્યો છે. આ કારણથી ટીકાની ભાષા, શૈલી વગેરેમાં પરિવર્તન થતું રહ્યું છે.
 
આ ટીકામાં ઘણા શ્લોકોનું વિવેચન બીજી ટીકાઓથી વિરુદ્ધ પડે છે. પરંતુ એનું તાત્પર્ય બીજી ટીકાઓને ખોટી બતાવવાનું કિંચિતમાત્ર પણ નથી, પરંતુ મને જેવું નિર્વિવાદરૂપે ઉચિત, પ્રકરણસંગત, યુક્તિયુક્ત, સંતોષજનક અને પ્રિય માલૂમ પડ્યું, એવું જ વિકેચન મેં કર્યું છે. મારો કોઇનું ખંડન અને કોઇનું મંડન કરવાનો ભવ બિલકુલ નથી રહ્યો.
 
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્થ ઘણો જ ગંભીર છે. એનું પઠનપાઠન, મનન ચિંતન અને વિચાર કરવાથી ઘણા જ વિલક્ષણ અને નવાનવા ભાવો સ્ફુતિર થતા રહે છે, જેનાથી મનબુદ્ધિ ચકિત થઇને તૃપ્ત થઇ જાય છે! ટીકા લખાવતી વેળાએ જ્યારે એ ભાવોનો લખવવાનો વિચાર થતો, ત્યારે એક એવું વિચિત્ર પૂર આવી જતું કે ક્યાં કયા ભાવો લખાવું અને કેવી રીતે લખાવું – એ બાબતમાં હું પોતાને બિલકુલ અયોગ્ય જણાતો. છતાં પણ મારા જે સાથીઓ છે અને આદરણીય નિત્રો છે, એમના આગ્રહથી કંઇક લખાવી દેતો. તેઓ એ ભાવોને લખી લેતા ને સંશોધિત કરીને તેમને પુસ્તકરૂપે પ્રકાશિત કરાવી દેતા. પછી ક્યારેક એ પોસ્તકોને જોવાનો પ્રસંગ પડતો ત્યારે એમાં કેટલીક જગ્યાએ ખામીઓ માલૂમ પડતી અને એવું માલૂમ પડતું કે બધી નથી આવી, ઘણીયે બાબતો રહી જઇ છે! એટલા માટે એમાં વારંવાર સંશોધનપરિવર્તન કરવામાં આવતું રહ્યું. આથી વાચકોને પ્રાર્થના છે કે તેઓ અગાઉ લખવામાં આવેલી બાબતની અપેક્ષાએ પાછળથી લખવામાં આવેલી બાબતને જ મહત્વ આપે અને એનો જ સ્વીકાર કરે.
 
સમગ્ર ગીતાની ટીકાના અલગઅલગ કેટલાય ખંડ રહેવાથી એમના પુનર્મુદ્રણમાં અને એમને બધાને એક સાથે મેળવવામાં મુશ્કેલી રહે છે – એમ વિચારીને હવે સમગ્ર ગીતાની ટીકાને એક ક્લેવરમાં પ્રસ્તુત ગ્રંથના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી છે. એમ કરતાં પહેલાં પૂર્વપ્રકાશિત સમગ્ર ટીકાને એકવાર ફરીથી જોઇ લીધી છે અને એમાં આવશ્યક સંશોધન, પરિવર્તન અને પરિવર્ધન પણ કર્યાં છે. તેરમા અને ચૌદમા અધ્યાયની ટીકા પણ બીજી વખત લખવામાં આવી છે. ભાષા અને શૈલીને પણ લગભગ એક સમાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેટલીયે નવી બાબતોને ઉમેરવામાં આવી છે અને કેટલીયે બાબતોને એક સ્થાનેથી દૂર કરીને બીજે યથોચિત સ્થાને મૂકી દેવામાં આવી છે. જે બાબતોની વધારે પુનરુક્તિઓ થઇ છે, તેમને યથાસંભવ દૂર કરી દીધી છે, પરંતુ સંપૂર્ણપણે નહિ. વિશેષ ધ્યાન આપવા યોગ્ય બાબતોની પુનરુક્તિઓને સાધકોને માટે ઉપયોગી સમજીને નથી દૂર કરી. આ કાર્યમાં ઘણી ભૂલો પણ થવાની સંભાવના છે, જેને માટે વાચકોને એવી પ્રાર્થના કરું છું કે એમને ને ભૂલો જણાય, એમને તેઓ જણાવવાની કૃપા કરે. એનાથી આગામી સંસ્કરણમાં એમની સુધારણા કરવામાં સુવિધા રહેશે.
 
ગીતા સાથે સંબંધ ધરાવતા કેટલાય નવાનવા વિષયોના, ખોજપૂર્ણ નિબંધોનો એક સંગ્રહ અલગ તૈયાર કરવામાં આવ્યો છે, જેને ‘ગીતાદર્પણ’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ગીતાનાં મનનવિચાર કરવાથી અને ગીતાની ટીકા લખાવવાથી મને ઘણો જ આધ્યાત્મિક લાભ થયો છે અને ગીતાના વિષયોનું બહુ જ સ્પષ્ટ જ્ઞાન પણ થયું છે. બીજાં ભાઇબહેનો પણ જો એનું મનન કરશે, તો એમને પણ આધ્યાત્મિક લાભ અવશ્ય થશે – એવી મારી વ્યક્તિગત માન્યતા છે. ગીતાનાં મનનવિચાર કરવાથી લાભ થાય છે – એમાં મને ક્યારેય કિંચિતમાત્ર પણ સંદેહ નથી.
 
कृष्णानुग्रहदायिका सकरुणा गीता समाराधिता
कर्मज्ञानविरागभक्तिरसिका मर्मार्थसंदर्शिका ।
सोत्कण्ठं किल साधकैरनुदिनं पेपीयमाना सदा
कल्याणं परदेवतेव दिशती संजीवनी वर्धताम् ॥
 
વિનીત –

સ્વામી રામસુખદાસજી