શરીરત્રય

આત્મા ત્રણેય શરીરોથી ભિન્ન છે. તેથી આત્માને સમજવા માટે ત્રણેય શરીરોના ગુણ-લક્ષણ જાણીને તેને આપણાથી પૃથક કરવું પડશે. ત્રણ શરીર છે - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ.
 
કારણ શરીર
સૂક્ષ્મ શરીર
સ્થૂલ શરીર
 
>> સ્થૂલ શરીર
 
स्थूलशरीरं किम् ?
पञ्चीकृतपञ्च महाभूतैः कृतं सत्कर्मजन्यं
सुखदुःखादिभोगायतनं शरीरं,
अस्ति जायते बर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति
षड् किकारवदेतत्स्थूल शरीरं ।
સ્થૂલશરીરં કિમ્ ?
પઞ્ચીકૃતપઞ્ચ મહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં
સુખદુઃખાદિભોગાયતનં શરીરં,
અસ્તિ જાયતે બર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતીતિ
ષડ્ કિકારવદેતત્સ્થૂલ શરીરં ।
 
[ભાવાર્થ]
સ્થૂલ શરીર શું છે?
પંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત, સત્કર્મોથી ઉત્પન્ન, સુખ-દુઃખ આદિ ભોગોને ભોગવવાનું સ્થાન તથા અસ્તિ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય, અને વિનાશ જેવા છ વિકારોથી યુક્ત સ્થૂલ શરીર છે.
 
[વ્યાખ્યા]
આપણે આ જે શરીરને જોઇએ છીએ તેને સ્થૂલ શરીર કહેવાય છે. સ્થૂલ શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામક પંચમહાભૂતો માંથી બન્યું છે. આનું વર્ણન આપણે આગળ કરીશું, હમણાં એટલું સમજી લેવું પર્યાપ્ત છે કે આ સ્થૂલ શરીર પંચીકૃત પંચમહાભૂતોથી બન્યું છે.
 
આ શરીર જેટલું સ્થાન ઘેરે છે તે આકાશ છે. શ્વાસ લેવા પર વાયુ શરીરમાં જાય છે. જે રક્ત સાથે ભળે છે. શરીરમાં જે ગરમીનો અનુભવ થાય છે તે અગ્નિ તત્ત્વના કારણે છે. પીવામાં આવેલ પાણી રક્ત આદિમાં ભળી જાય છે. અન્ન રૂપમાં પૃથ્વી તત્ત્વ શરીરમાં પહોંચે છે, જેનાથી અસ્થિ, માંસ વગેરે બને છે.
 
સ્થૂલ શરીર પશુ-પક્ષીઓને પણ પ્રાપ્ત છે, પરંતુ મનુષ્ય શરીર પુણ્ય કર્મોના ફળથી મળે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ એક સુંદર અવસર છે.
 
આ શરીર ભોગાયતન પણ છે, આમાં રહીને જીવ પોતાના કર્મોના ફળ સુખ-દુઃખના રૂપે ભોગવે છે.
 
આ શરીર નશ્વર છે, કારણ કે આમાં છ વિકારો જોવા મળે છે - અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય અને વિનાશ. આ રીતે નશ્વર હોવાને કારણે સ્થૂલ શરીર અનિત્ય છે તથા અનિત્ય હોવાને કારણે મિથ્યા છે.
 
આ શરીરમાં આત્માનું એક પણ લક્ષણ નથી. નશ્વર હોવાને કારણે સત્ નથી, જડ ભૂતોથી નિર્મિત અને કર્મફળનું પરિણામ હોવાથી ચિત્ત નથી, અને વિકારી હોવાને કારણે આનંદ રહિત છે.
 
>> સૂક્ષ્મ શરીર
सूक्ष्मशरीरं किम् ?
अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यं
सुखदुःखादि भोगसाधनं,
पंचज्ञानेन्द्रियाणि, पंचकर्मेन्द्रियाणि, पंचप्राणादयः
मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह
यत्तिष्ठति तत्सूक्ष्मशरीरम् ।
સૂક્ષ્મશરીરં કિમ્ ?
અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં
સુખદુઃખાદિ ભોગસાધનં,
પંચજ્ઞાનેન્દ્રિયાણિ, પંચકર્મેન્દ્રિયાણિ, પંચપ્રાણાદયઃ
મનશ્ચૈકં બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશકલાભિઃ સહ
યત્તિષ્ઠતિ તત્સૂક્ષ્મશરીરમ્ ।
 
[ભાવાર્થ]
સૂક્ષ્મ શરીર શું છે?
અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત સત્કર્મના ફળ સ્વરૂપે ઉત્પન્ન અને સુખ-દુઃખ ભોગવવાનું સાધન સૂક્ષ્મ શરીર છે. આમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ અને મન-બુદ્ધિ એમ સત્તર કળાઓ અથવા અંગ છે.
 
[વ્યાખ્યા]
સૂક્ષ્મ શરીરનો વાસ સ્થૂલ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત હોવાને કારણે સૂક્ષ્મ છે અને ભૌતિક હોવાને કારણે જડ પણ છે. આમાં ભાસિત થતી ચેતના એની પોતાની નથી.
 
આની રચના પૂર્વ જન્મમાં કરવામાં આવેલ કર્મોને કારણે થાય છે. સત્કર્મોનું ફળ ભોગવવા માટે આ એક સાધન છે. પુણ્ય કર્મ સાથે પાપ કર્મ પણ થાય છે. તેથી આ શરીર દ્વારા સુખ અને દુઃખ એમ બન્ને ભોગવવા પડે છે. ધ્યાન રહે, સ્થૂલ શરીર ભોગનું આયતન (ભવન કે કક્ષ) છે અને સૂક્ષ્મ શરીર ભોગનું સાધન (ઉપકરણ) છે.
 
સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિય, પ્રાણ અને મન-બુદ્ધિનો સમાવેશ થાય છે. આને સ્થૂલ શરીરથી પૃથક સમજવું જોઇએ. સ્થૂલ શરીરમાં એના ગોલક કે ઠેકાણા હોય છે જ્યાં સ્થિત રહીને શરીરને ચલાવે છે.
 
श्रोत्रं त्वक् चक्षुः रसनाघ्राणम् इति पंच ज्ञानेन्द्रियाणि ।
શ્રોત્રં ત્વક્ ચક્ષુઃ રસનાઘ્રાણમ્ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ ।
 
[ભાવાર્થ]
કાન, ત્વચા, નેત્ર, જિહવા અને નાસિકા - આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.
 
[વ્યાખ્યા]
કર્ણ આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી એને જ્ઞાનેન્દ્રિય કહે છે. જ્ઞાનેન્દ્રિય સૂક્ષ્મ સ્વરૂપ છે. સ્થૂલ શરીરના ગોલકોમાં એનો વાસ હોય છે. આ બધી ઇન્દ્રિયોના એક-એક દેવતા છે.
 
श्रोत्रस्य दिग्देवता, त्वचो वायुः, चक्षुषः सूर्यः,
रसनाया वरुणा, घ्राणस्य अश्विनौ,
इति ज्ञानेन्द्रिय देवताः ।
શ્રોત્રસ્ય દિગ્દેવતા, ત્વચો વાયુઃ, ચક્ષુષઃ સૂર્યઃ,
રસનાયા વરુણા, ઘ્રાણસ્ય અશ્વિનૌ,
ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ ।
 
[ભાવાર્થ]
કાનના દેવતા દિક્ (આકાશ), ત્વચાના વાયુ, ચક્ષુના સૂર્ય, જિહવાના વરુણ અને નાસિકાના અશ્વિનીકુમાર છે. આ જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે.
 
[વ્યાખ્યા]
દેવતા દ્યોતન (ઉજ્જવળ બનાવનાર) કરવાવાળી શક્તિઓ છે. ઈશ્વર સમસ્ત જગતના નિયંતા છે. ઇશ્વરના અંશભૂત દેવતા ઇશ્વરની આધીન રહીને જગત અને જીવો પર પ્રાકૃતિક નિયમો અનુસાર નિયંત્રણ રાખે છે. આ દેવતા આપણી અંદર વ્યષ્ટિ રૂપમાં અને બાહ્ય જગતમાં સમષ્ટિ રૂપમાં પ્રકૃતિના કોઈ વિશેષ નિયમોનું સંચાલન કરે છે. દેવતા ત્યાંના અધિષ્ઠાતા (નિયામક) હોય છે.
 
ઉદાહરણના રૂપમાં (૧) સ્થૂલ શરીરના કાન અને છિદ્ર આદિ જડ ગોલક છે, (૨) એમાં સ્થિત ક્રિયા શક્તિ પ્રાણ છે, જેના દ્વારા શબ્દ તરંગો કાનના પરદાથી મસ્તિષ્ક સુધી પહોંચે છે, અને (૩) એમાં વિદ્યમાન રહેવા વાળુ ચેતન તત્ત્વ જ પ્રાણ, શબ્દ અને શરીર (કાન) ની ઉપાધિથી દેવતા છે. આ બધાની સહાયતાથી આપણે શબ્દ ગ્રહણ કરીએ છીએ. કાનના દેવતા દિક્ (આકાશ) છે. બહાર સમસ્ત આકાશમાં વ્યાપ્ત ચૈતન્ય આકાશની ઉપાધિ ધારણ કરી દિક્ દેવતા છે. એનો જ અંશ કાનમાં સ્થિત થઈને આપણને શબ્દ સાંભળવામાં મદદ કરે છે. આજ નિયમ અન્ય ઇન્દિયો સાથે સમજવો.
 
ઈશ્વર અને એમના અધીનસ્થ (ગૌણ) આ દેવતાઓનું વિસ્તૃત વર્ણન આપણે ઈશ્વરના પ્રસંગમાં આગળ કરીશું. 
 
श्रोत्रस्य विषयः शब्दग्रहणं ।
त्वचो विषयः स्पर्शग्रहणं ।
चक्षुषो विषयः रूप ग्रहणम् ।
रसनाया विषयः रसग्रहणम् ।
घ्राणस्य विषयः गंधग्रहणम् इति ।
શ્રોત્રસ્ય વિષયઃ શબ્દગ્રહણં ।
ત્વચો વિષયઃ સ્પર્શગ્રહણં ।
ચક્ષુષો વિષયઃ રૂપ ગ્રહણમ્ ।
રસનાયા વિષયઃ રસગ્રહણમ્ ।
ઘ્રાણસ્ય વિષયઃ ગંધગ્રહણમ્ ઇતિ ।
 
[ભાવાર્થ]
કાનનો વિષય શબ્દ ગ્રહણ, ત્વચાનો વિષય સ્પર્શ ગ્રહણ, ચક્ષુનો વિષય રૂપ ગ્રહણ, જિહવાનો વિષય રસ ગ્રહણ અને નાકનો વિષય ગંધ ગ્રહણ છે.
 
[વ્યાખ્યા]
બધી ઇન્દ્રિયોના કાર્યક્ષેત્ર વહેચાયેલા છે. તે પોતાના ક્ષેત્રમાં જ કાર્ય કરે છે. આથી પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષય ક્ષેત્રો પણ પાંચ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ - આ પાંચ વિષયો છે. ઇન્દ્રિયો આ વિષયોને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે અને ત્યાંથી તે વિષયો મન અને બુદ્ધિ સુધી પહોંચે છે.
 
वाक्पाणिदपायूपस्थानि इति पंचकर्मेन्द्रियाणि ।
વાક્પાણિદપાયૂપસ્થાનિ ઇતિ પંચકર્મેન્દ્રિયાણિ ।
 
[ભાવાર્થ]
વાક (મુખ), હાથ, પગ, ગુદા અને ઉપસ્થ પાંચ કર્મેન્દ્રિયો છે.
 
[વ્યાખ્યા]
કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો છે. જેનાથી પાંચ પ્રકારના કર્મો કરવામાં આવે છે. જે હાથથી આપણે આપવા-લેવાનું કામ કરીએ છીએ, તે સ્થૂલ શરીરનો એક ભાગ છે. એમાં હસ્તેન્દ્રિય વાસ કરે છે. હસ્તેન્દ્રિયના કામ કરવા પર સ્થૂલ શરીરનો અંગ કામ કરતો હોય એવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં કર્મ સૂક્ષ્મ શરીરમાં હસ્તેન્દ્રિય દ્વારા થાય છે. હસ્તેન્દ્રિય સૂક્ષ્મ શરીરનો અંગ છે. આ જ રીતે અન્ય ઇન્દ્રિયોને પણ સમજવું જોઇએ.
 
જ્ઞાનેન્દ્રિયોની જેમ કર્મેન્દ્રિયોના પણ પોતપોતાના દેવતા હોય છે.
 
वाचो देवता वहिनः । हस्तयोरन्द्रः । पादयोर्विष्णुः ।
पायोर्मृत्युः । उपस्थस्य प्रजापतिः ।
इतिकर्मेन्द्रियदेवताः
વાચો દેવતા વહિનઃ । હસ્તયોરન્દ્રઃ । પાદયોર્વિષ્ણુઃ ।
પાયોર્મૃત્યુઃ । ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ।
ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ ।
 
[ભાવાર્થ]
વાણીના દેવતા અગ્નિ, હાથના ઇન્દ્ર, પગના વિષ્ણુ, ગુદાના મૃત્યુ અને ઉપસ્થ ઇન્દ્રિયના દેવતા પ્રજાપતિ છે. આ કર્મેન્દ્રિયોના દેવતા છે.
 
[વ્યાખ્યા]
અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, યમરાજ અને પ્રજાપતિ દેવતા છે. પ્રકૃતિની વિવિધ શક્તિઓના આ સ્વામી છે. એમના જ એક-એક અંશ આપણા બધામાં કર્મેન્દ્રિયોમાં સ્થિત થઈને કર્મેન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. આ રીતે એક કર્મેન્દ્રિયના ત્રણ સ્તર થયા - સ્થૂલ શરીરનો અંગ, એમાં વાસ કરનાર પ્રાણમયી ઇન્દ્રિય અને એનું નિયંત્રણ કરનાર એના અધિષ્થાતૃ દેવતા. આ ત્રણેયના સંયોગથી કર્મ થાય છે.
 
પ્રત્યેક કર્મેન્દ્રિયનું પોતાનું ચોક્કસ કામ છે. એનું વર્ણન હવે આપણે જોઇએ.
 
वाचो विषयः भाषणम् । पाण्योर्विषयः वस्तुग्रहणम् ।
पादयोर्विषयः गमनम् । पायोर्विषयः मलत्यागः ।
उपस्थस्य विषयः आनन्द इति ।
વાચો વિષયઃ ભાષણમ્ । પાણ્યોર્વિષયઃ વસ્તુગ્રહણમ્ ।
પાદયોર્વિષયઃ ગમનમ્ । પાયોર્વિષયઃ મલત્યાગઃ ।
ઉપસ્થસ્ય વિષયઃ આનન્દ ઇતિ ।
 
[ભાવાર્થ]
વાણીનો વિષય ભાષણ, હાથનો વિષય વસ્તુ ગ્રહણ, પગનો વિષય ચાલવું, ગુદાનો વિષય મળ ત્યાગ અને ઉપસ્થનો વિષય પ્રજનન સુખ છે.
 
[વ્યાખ્યા]
કર્મેન્દ્રિયાના કર્મ જ એના વિષય છે. વાણી એક કર્મેન્દ્રિય છે, તેના દ્વારા બોલવાનું કામ થાય છે. હાથ બીજી કર્મેન્દ્રિય છે, તેના દ્વારા વસ્તુ પકડવાનું કામ થાય છે. આ પ્રકારે અન્ય ઇન્દ્રિયોના પોત-પોતાના કામ સમજવા.
 
સૂક્ષ્મ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયા, પાંચ કર્મેન્દ્રિયા, પાંચ પ્રાણ તથા મન અને બુદ્ધિ બતાવવામાં આવ્યા છે. આમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પ્રાણ, મન અને બુદ્ધિનું વર્ણન અહીં નથી કરતા એનું વિવરણ પંચકોશ વિવેકમાં કરવામાં આવશે.
>> કારણ શરીર
 
कारणशरीरं किम् ?
अनिर्वाच्यानाद्यविद्या रूपं
शरीरद्वयस्य कारणमात्रं सत्स्व-रूपाऽज्ञानं
निर्विकल्पकरूपं यदस्ति तत्कारणशरीरम् ।
કારણશરીરં કિમ્ ?
અનિર્વાચ્યાનાદ્યવિદ્યા રૂપં
શરીરદ્વયસ્ય કારણમાત્રં સત્સ્વ-રૂપાઽજ્ઞાનં
નિર્વિકલ્પકરૂપં યદસ્તિ તત્કારણશરીરમ્ ।
 
[ભાવાર્થ]
કારણ શરીર શું છે?
જે અનિર્વાચ્ય, અનાદિ, અવિદ્યારૂપ, બે શરીરોનું કારણ માત્ર, સત્સ્વરૂપનું અજ્ઞાન અને વિર્વિકલ્પક રૂપ છે તેને કારન શરીર કહે છે.
 
[વ્યાખ્યા]
ત્રણ શરીર છે - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. કારણ શરીર સૂક્ષમ અને સ્થૂલ શરીરોનું કારણ છે, તેથી તેને કારણ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂલ શરીર એના કાર્ય છે. કારણથી ઉત્પન્ન કાર્ય નષ્ટ થવા પર તે કારણમાં જ લીન થઈ જાય છે. જેવી રીતે માટી રૂપ કારણથી ઘડા રૂપી કાર્ય ઉત્પન્ન થયું અને એ ઘડો નષ્ટ થવા પર તે માટીમાં જ લીન થઈ જાય છે. બધા લોકોના કારણ શરીર એક સમાન નથી, તેથી બધાની બુદ્ધિ એક સમાન નથી. સ્ત્રી, પુરુષ, કીટ-પંતંગિયા અને પશુ-પક્ષિઓના નાનારૂપ (જૂદા-જૂદા રૂપ) શરીરોનો હેતુ કારણ શરીર જ છે. તેથી 'शरीरद्वयस्य कारणमात्रं' કહેવામાં આવ્યું છે.
 
'अविद्यारूपं' - કારણ શરીર અવિદ્યારૂપ છે. અવિદ્યાનો અર્થ છે 'सत्स्वरूप अज्ञानं'. આપણું સત્સ્વરૂપ આત્મા છે - આ અનુભવ ન હોવો એજ અજ્ઞાન છે જેને અવિદ્યા કહેવાય છે. આત્મા તો અનાદિ-અનંત અને નિત્ય છે પરંતુ અવિદ્યા આ કોટિની નથી. અવિદ્યા અનાદિ તો છે પરંતુ અનંત નથી. વિદ્યાના પ્રકાશથી અવિદ્યા નષ્ટ થઈ જાય છે. અનિર્વાચ્ય એ વસ્તુને કહેવાય છે જે ત્રણેય કાળોમાં સત્ છે અને આકાશ-કુસુમની સમાન અસત્ નથી. આવી અસત્ વસ્તુને મિથ્યા પણ કહેવાય છે.
 
ગહન નિદ્રામાં આપણું-પારકું કઈ પણ જ્ઞાત નથી રહેતું. આજ અવિદ્યા છે. આ સ્થિતિમાં કોઈ દ્વૈતનું (અન્યનું) બોધ ન હોવાને કારણે તેને 'निर्विकल्पक' કહેવામાં આવ્યું છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં નાનાત્વ અર્થાત્ વિકલ્પ જેવા મળે છે. આને અધિક સ્પષ્ટ રૂપમાં સમજવા માટે ત્રણ અવસ્થાઓનો વિચાર કરવો જોઇએ. આનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે.
 
======== * ========