ષટ્ સંપત્તિ

शमादि साधनसंपत्तिः का?
शमो दम उपरमस्तितिक्षा श्रद्धा समाधानं च इति ।
શમાદિ સાધનસંપત્તિઃ કા?
શમો દમ ઉપરમસ્તિતિક્ષા શ્રદ્ધા સમાધાનં ચ ઇતિ |
 
[ભાવાર્થ]
શમ આદિ સાધન સંપત્તિ શું છે?
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન જ ષટ્સંપત્તિઓ છે.
 
[વ્યાખ્યા]
શમ આદિ છ ગુણ આધ્યાત્મિક સાધકની એ સંપત્તિ છે, જેના બળ પર તે અનિત્ય જગતથી વિરક્ત થઈજે નિત્યતત્ત્વની તરફ અગ્રસર થાય છે. આના દ્વારા એનું વ્યક્તિત્વ સંગઠિત અને સશક્ત બને છે. એમાં તેના પર વિશ્વાસ જાગ્રત થાય છે.
 
शमः कः?
मनो निग्रहः ।
શમઃ કઃ?
મનો નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
શમ શું છે?
મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું જ શમ છે.
 
[વ્યાખ્યા]
મન વિષયોની પાછળ ભાગે છે એ વિષયોનું જ ચિંતન કરે છે. તે સવેગોથી વિક્ષુબ્ધ (અશાંત) પણ થાય છે. આવું મન સૂક્ષ્મ વસ્તુઓનું ચિંતન કરવામાં બાધક બને છે. તેથી એને વિચારપૂર્વક નિયંત્રણમાં લગાવવાનો પ્રયાસ કરવો જોઇએ. એમાં સફળતા મળવા પર મન આપણા કાબુમાં થઈ જાય છે. આપણે હવે એને જ્યા કામ લગાવવા માગીએ છીએ ત્યાં લગાવી શકીએ છીએ.
 
दमः कः?
चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः ।
દમઃ કઃ?
ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
ઇન્દ્રિય બે પ્રકારની હોય છે - જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયોથી વિષયોનું જ્ઞાન થાય છે અને કર્મેન્દ્રિયોથી વિષયોને પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે ઇન્દ્રિયો સ્વતંત્ર થઈને વિષયોમાં વિચરણ નથી કરતી, તે મનના વશમાં રહે છે તો તેને દમ કહેવાય. જો પહેલા શમનો અભ્યાસ કરવામાં આવે તો ઇન્દ્રોયોનું દમ (સંયમ/દમન) કરવામાં સહજ જ સફળતા મળી જાય. તેનાથી વિપરીત જો ઇન્દ્રિય નિગ્રહમાં કંઇક સફળતા મળી જાય તો તે મનનાં નિગ્રહમાં સહાયક બને છે.
 
उपरमः कः?
स्वधर्मानुष्ठानमेव ।
ઉપરમઃ કઃ?
સ્વધર્માનુષ્ઠાનમેવ |
 
[ભાવાર્થ]
ઉપરામતા શું છે?
પોતાના ધર્મનું અનુષ્ઠાન જ ઉપરામતા છે.
 
[વ્યાખ્યા]
આપણા સૌનું કંઇક કર્તવ્ય હોય છે. આપણા પોતાના પ્રતિ, આપણા માતા-પિતા પ્રતિ, આપણા ગુરુ પ્રતિ, આપણા પરિવાર પ્રતિ અને સમાન પ્રતિ, વગેરે જે કર્તવ્યો છે તેનું પાલન કરવું એ જ ધર્મ છે. આપણા ધર્મનો દૃઢતાથી અનુષ્ઠાન કરવા પર મન અધર્મ, પાપ કે દુરાચારની તરફ નથી જતું. આ જ મનની ઉપરતિ છે.
 
મનુષ્યનો પરમ ધર્મ સત્યની શોધ કરવાનો છે. આ કાર્યમાં દૃઢતા પૂર્વક લાગી જવાથી મન અનિત્ય વસ્તુઓમાં સુખની શોધ નથી કરતું. આ પણ મનની ઉપરતિ છે. સામાન્ય રીતે ઉપરામ શબ્દનો પ્રયોગ વૈરાગ્યના અર્થમાં લેવામાં પણ આવે છે.
 
तितिक्षा का?
शीतोष्ण सुखदुःखादि सहिष्णुत्वम् ।
તિતિક્ષા કા?
શીતોષ્ણ સુખદુઃખાદિ સહિષ્ણુત્વમ્ |
 
[ભાવાર્થ]
તિતિક્ષા શું છે?
ગરમી-ઠંડી, સુખ-દુખ, વગેરે દ્વંદ્વ (વિસંગતતા) સહન કરવાનો સમભાવ જ તિતિક્ષા (સહનશીલતા, સમભાવશીલતા) છે.
 
[વ્યાખ્યા]
મનુષ્ય જીવનમાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓનું આવવું એ સ્વાભાવિક છે. એને રોકી નથી શકાતું. પોતાના સામર્થ્યથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિવારણ કરી અને જે કંઇક પણ અનિવાર્ય થઈ જાય છે (એટલે કે જેનું નિવારણ નથી) તેને ચિંતારહિત શાંત મનથી સહન કરવાનો અભ્યાસ હોવો જોઇએ. અભ્યાસથી આ ગુણ વધાવી શકાય છે. તત્ત્વ ચિંતન કરવામાં પણ આ ગુણ સહાયક બને છે.
 
श्रद्धा कीदृशी?
गुरूवेदान्त वाक्यादिषु विश्वासः श्रद्धा ।
શ્રદ્ધા કીદૃશી?
ગુરૂવેદાન્ત વાક્યાદિષુ વિશ્વાસઃ શ્રદ્ધા |
 
[ભાવાર્થ]
શ્રદ્ધા કેવી હોય છે?
ગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.
 
[વ્યાખ્યા]
ઉપનિષદ વેદાન્ત ગ્રંથ છે. એના વચન સ્વતઃ પ્રમાણ છે. તે નિર્ભ્રાંત સત્ય (ભ્રમિત ન કરે એવા સત્ય) નું નિરૂપણ કરે છે. ગુરૂએ સત્યતાનો અનુભવ એમના વ્યાવહારિક જીવનમાં કર્યો છે. તેથી ગુરૂ શીષ્યની સામે એજ સત્યનું પ્રતિપાદન કરે છે. આ બન્ને વચનોને સત્ય સ્વીકાર કરવું એજ શ્રદ્ધા છે. આજ આધારે સાધક સ્વયં પણ એજ સત્યનું સાક્ષાત્કાર કરવા માટે પોતાનું જીવન અર્પિત કરી દે છે.
 
समाधानं किम्?
 चित्तैकाग्रता ।
સમાધાનં કિમ્?
ચિત્તૈકાગ્રતા |
 
[ભાવાર્થ]
સમાધાન શું છે?
ચિત્તની એકાગ્રતા જ સમાધાન છે.
 
[વ્યાખ્યા]
પોતાના પ્રિય વિષયમાં બધા લોકોનું ચિત્ત એકાગ્ર થઈને લાગી રહે છે. પરંતુ જ્યારે ચિત્તનો આ ગુણ ગુરૂ અને શાસ્ત્ર વચનને સમજવા અને અનુભવ કરવામાં કામ આવે છે તો તેને સમાધાન કહે છે. સમસ્ત સંશયોથી મુક્ત થઈને જ્યારે મન નિત્ય વસ્તુમાં સ્થિર થઈ જાય છે તો તે પણ સમાધાન છે.
 
======== * ========