તત્ત્વ બોધ - આદિ શંકરાચાર્ય કૃત

Tattva Bodha means 'Knowledge of the Truth'. This small introductory text of Vedanta reveals the fundamentals of the various aspects of the topic of knowledge of truth. What is the essence of myself and this world? What is the nature of the knowledge of truth? Who is the right student for this specialized knowledge? What is the process of the dawn of this understanding? and, What are the indications of a man of such knowledge? The author of this lovely text is Sri Adi Sankara.

તત્ત્વ બોધ - આદિ શંકરાચાર્ય કૃત

પ્રસ્તાવના

આ વાતમાં કોઈ વિવાદ ન હોય શકે કે સંસારમાં બધા મનુષ્ય સુખી જીવન જીવવા માગે છે, દુઃખ કોઈ નથી માગતું. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તે પોતાના વિચાર અને સમજથી જુદા-જુદા પ્રકારના પ્રયાસો કરે છે પરંતુ તેને આ વાતની પૂરી જાણકારી નથી હોતી કે સુખ પ્રાપ્ત કરવા માટે કેવી-કેવી દશાઓ, પરિસ્થિતિઓ અને વસ્તુઓની આવશ્યકતા હોય છે. બહુધા જોવા મળે છે કે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સુખ આપનાર વસ્તુઓને અને એને પ્રાપ્ત કરવા માટેના સાધનભૂત ધનને જ તે બધુ (પ્રધાન) સમજે છે. ધન પ્રાપ્ત થવાથી યત્કિંચિત્ (થોડુંક) સુખ મળે છે, જેનાથી તેની ધારણા પુષ્ટ થાય છે; પરંતુ આ વાત પણ અસ્વીકાર નથી કરી શકાતી કે મનુષ્યએ જીવનમાં દુઃખ પણ ઘણા ભોગવવા પડે છે. આ જ દુઃખથી તે બચવા માગે છે, અને તો પણ તે બચી નથી શકતો. તેના માટે આ પરતંત્રતા (પરાધીનતા) છે.
 
દુખ ભોગવાની આ પરતંત્રતામા પડેલ મનુષ્ય એમ માનીને ધૈર્ય ધારણ કરી લે છે કે કંઈક દુઃખ તો બધા એ સહેવું પડે છે, એનાથી સંપૂર્ણ પણે બચી શકાતું નથી. પરંતુ એ મનુષ્યની તદ્દન ખોટી ધારણા છે. મનુષ્યની આ સમસ્યા ઘણી જ જૂની છે, કદાચ જ્યારથી આ સૃષ્ટિ બની છે ત્યારથી આ સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા માટે હજારો-લાખો પુરુષોએ પ્રયોગો કર્યા છે. જેના ફળ સ્વરૂપે અધ્યાત્મ વિદ્યાનો વિકાસ થયો છે. આની અંતર્ગત મનુષ્યને પોતાના વ્યક્તિત્વ વિષે ગંભીર અધ્યયન કરી એને વિભિન્ન સ્તરો વચ્ચે તાલમેલ બેસાડી પોતાના મન-બુદ્ધિના ઉપકરણને એટલું સશક્ત બનાવવામાં આવે છે કે તે બાહ્ય જગતની અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાણીમાં કમળપત્રની સમાન તેનાથી અછૂત રહીને પોતાના અંતર્તમમાં વિદ્યમાન આનંદનો અનંત સ્ત્રોત શોધી કાઢી અને તેનાથી તૃપ્ત રહી સંસારમાં નિર્ભય જીવન જીવે.
 
આ વિદ્યા ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોમાં ભલી-ભાંતિ આપવામાં આવી છે. એને સમજવા માટે કેટલાક સહાયક ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્ય દ્વારા લખવામાં આવેલ તત્ત્વ-બોધ નામક આ નાનો ગ્રંથ છે. આ વેદાન્ત-દર્શનની પ્રથમ પુસ્તકનાં રૂપમાં પ્રસિદ્ધ છે. આની વિસ્તૃત વ્યાખ્યા આચાર્યએ આત્મ-બોધ, અપરોક્ષાનુભૂતિ, વિવેક ચૂડામણિ વગેરે ગ્રંથોમાં કરી છે. આનો અભ્યાસ કર્યા બાદ ગીતા અને ઉપનિષદોને સમજવાનું ઘણું સરળ બની જાય છે.
 
"તત્ત્વ-બોધ" માં ત્રણ શરીર, ત્રણ અવસ્થાઓ અને પાંચ કોશોનું વર્ણન કરી આત્મતત્ત્વ શોધવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. જગતની સૂક્ષ્મ અને સ્થૂળ રચનાનું નિરૂપણ કરી એમાં જીવની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જીવ અને ઈશ્વરનો સંબંધ બતાવી એના તાત્વિક રૂપની એકતા પણ બતાવવામાં આવી છે. આની સાથે જ કર્મ-બંધનનું રહસ્ય બતાવી તેનાથી છૂટવાના અને જીવન્મુક્ત થવાના વિધાન પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જીવન્મુક્ત થવું એ જ મનુષ્યની અંતિમ અને સર્વોપરી કામના છે. ગીતમાં એને સ્થિતપ્રજ્ઞ, ત્રિગુણાતીત, ભક્ત વગેરે સંજ્ઞાઓથી વિભૂષિત કરવામાં આવ્યું છે.
 
ચિન્મય મિશનના વિજ્ઞાન-મંદિરોમાં આ ગ્રંથની શિક્ષા આપવામાં આવે છે. તેથી અંગ્રેજીમાં આ પુસ્તક ઘણા સમય પહેલા પ્રકાશિત થઈ ચૂકી છે. હિંદીના પાઠક આની માગ કરી રહ્યા હતા. આશા છે કે એમની આવશ્યકતા આ હિંદી સંસ્કરણમાં પૂરી થઈ જશે.
 
પૂજ્ય ગુરુદેવના ચરણોમાં આ તુચ્છ ભેટ અર્પિત છે. હિંદી ક્ષેત્રમાં વેદાન્ત પ્રચારની એમની યોજનામાં આ પુસ્તક કંઈક અંશે સહાયક થઈ શકે છે.
 
- સ્વામી શંકરાનન્દ
 
ચિન્મય મિશન દ્વારા પ્રકાશિત આ હિંદી પુસ્તકનું ગુજરાતી ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે સનાતન જાગૃતિ દ્વારા આ એક ક્ષુલ્લક પ્રયાસ છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષાંતર વાંચી આપને આનંદ થશે અને આપના અધ્યાત્મિક સફરમાં અધિકાધિક લાભ થશે એવી આશા.
 
 - સનાતન જાગૃતિ

મંગલાચરણ

वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुम् ।
मुमुक्षूणां हितार्थाय तत्वबोधोभिधीयते ॥
 
વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ્ ।
મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે ॥
 
[ભાવાર્થ]
જ્ઞાન પ્રદાન કરનાર ગુરૂ યોગીરાજ ભગવાન વાસુદેવને પ્રણામ કરી મુમુક્ષુઓના હિતાર્થે "તત્ત્વ-બોધ" ની રચના કરવામાં આવે છે.
 
[વ્યાખ્યા]
ગ્રંથ રચના પ્રારંભ કરવા પૂર્વ ઇશ્વર વંદના કરવી એ પ્રાચીન પરંપરા છે. આમાં ઇશ્વર ને પ્રાર્થના કરવામાં આવે છે કે ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્ત થાય તથા જે ઉદ્દેશ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી રહી છે, તે પૂર્ણ થાય. પ્રસ્તુત ગ્રંથ શ્રી શંકરાચાર્યજી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના કરે છે. ગીતાના અંતિમ શ્લોકમાં સંજય ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર રૂપમાં સ્મરણ કરે છે - "यत्र योगेश्वरो कृष्णः" અહીં એ રૂપમાં આચાર્ય શંકર સ્મરણ કરી વંદના કરે છે.
 
શ્રી કૃષ્ણનું બીજું નામ 'ગોવિન્દ' છે. શંકરાચાર્યના ગુરૂજીનું નામ પણ ગોવિન્દ ભગવદપાદ હતું. ઇશ્વર અને ગુરૂમાં કોઇ ભેદ નથી, તેથી શંકરાચાર્ય શ્રી કૃષ્ણ અને એમના ગુરૂજીની વંદના એક સાથે કરી લે છે.     ગ્રંથની પ્રારંભમાં અનુબન્ધ ચતુષ્ટયનો ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેના દ્વારા ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનું જ્ઞાન થાય છે. શ્લોકની બીજી પંક્તિમાં આનો જ સંકેત કરવામાં આવ્યો છે. ગ્રંથનો અધિકારી 'મુમુક્ષુ' છે, એનો વિષય 'તત્વબોધ' છે, તત્ત્વ બોધ થવાથી મનુષ્ય મુક્ત થાય છે અને મુમુક્ષુઓનું હિત જ આ ગ્રંથનું પ્રયોજન છે. મુમુક્ષુ વગેરે પદોની વિસ્તૃત વ્યાખ્યા આગળ ગ્રંથમાં કરવામાં આવી છે.
 
======== * ========

સાધન ચતુષ્ટ્ય

મનુષ્ય તેના જીવનમાં જે પણ પ્રાપ્ત કરી શકે છે, તેને પુરૂષાર્થ કહે છે. પુરૂષાર્થના બે પ્રકાર છે - અભ્યુદય અને નિઃશ્રેયસ. અભ્યુદયની અંતર્ગત ભૌતિક ઉન્નતિ આવે છે, અને તેને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે - ધર્મ, અર્થ અને કામ. આ લોકમાં અથવા સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં આને પ્રાપ્ત કરી શકાય છે. આ બધી ઉપલબ્ધિઓ કર્મ-સાધ્ય અને નશ્વર છે. નિઃશ્રેયસ પરમ પુરૂષાર્થ છે. એનાથી નિત્ય આનંદસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આજ અવસ્થામાં પુનર્જન્મનું ક્લેશ રહેતું નથી. એને મુક્તિ કહેવાય છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણી અંદર કંઇક યોગ્યતા હોવી જોઇએ. અહીં એનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
साधनचतुष्ट्य संपन्न अधिकारिणां मोक्षसाधनभूतं
तत्वविवेक प्रकारं वक्ष्यामः ।
સાધનચતુષ્ટ્ય સંપન્ન અધિકારિણાં મોક્ષસાધનભૂતં
તત્વવિવેક પ્રકારં વક્ષ્યામઃ ।
 
[ભાવાર્થ]
આપણે એજ પ્રકારના તત્ત્વવિવેકનું વર્ણન કરીએ જે સાધનચતુષ્ટ્યથી સમ્પન્ન અધિકારી પુરુષો માટે મોક્ષના સાધનસ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
કર્મો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ અને વસ્તુઓની પરતંત્રતામાં જીવન જીવવું દુઃખમય છે. દરેક વ્યક્તિ સ્વભાવથી સુખમય જીવન જીવવા ઇચ્છે છે. સુખી રહેવા માટે એણે પરતંત્રતા ત્યાગી સ્વતંત્ર અથવા મુક્ત થઇ જવું જોઇએ. પરંતુ સ્વતંત્ર થવા માટે સ્વેચ્છાચારી બનવું ઉચિત નથી. સ્વેચ્છાચારી મનુષ્ય મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી અસામાન્ય છે, મુક્ત નહી. એનાથી ન એ પોતે સુખી થાય છે, કે ન એનો સમાજ.
 
ભારતીય અધ્યાત્મ વિદ્યાનો આ ભલી-ભાંતિ પરિક્ષા કરેલ નિર્ણય છે કે મનુષ્યે યથાર્થ રૂપમાં સ્વતંત્ર અથવા જીવન્મુક્ત થવા માટે પોતાના વિકસિત વિવેકનો પ્રયોગ કરવો જોઇએ. એજ મોક્ષનું સાધન છે. આજ ગ્રંથમાં આગળ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિવેકથી મનુષ્ય જીવન આનંદમય બની શકે છે. અહીંયાં પહેલે એ બતાવવું આવશ્યક છે કે તત્ત્વવિવેકનો ઉદય એજ પુરૂષોમાં થાય છે જે સાધન ચતુષ્ટ્યથી સમ્પન્ન છે. તેથી તત્ત્વવિવેકના અધિકારી બનવા માટે ચાર મહત્વપૂર્ણ ગુણોને જાણવું અને એને પોતામાં વિકસિત કરવું જોઇએ. તેથી પ્રશ્ન છે -  
 
साधनचतुष्ट्यं किम् ?
नित्यानित्यवस्तु विवेकः
इहामुत्रार्थफलभोग विरागः
शमादिषट्संपत्ति मुमुक्षुत्वं चेति ।
સાધનચતુષ્ટ્યં કિમ્ ?
નિત્યાનિત્યવસ્તુ વિવેકઃ
ઇહામુત્રાર્થફલભોગ વિરાગઃ
શમાદિષટ્સંપત્તિ મુમુક્ષુત્વં ચેતિ ।
 
[ભાવાર્થ]
ચાર સાધન શું છે?  - (૧) નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક (૨) આ લોક અને પરલોકમાં પોતાના કર્મોના ફળભોગથી વૈરાગ્ય (૩) શમ આદિ છ સંપત્તિઓ અને (૪) મુમુક્ષત્વ [આ ચાર સાધન ચતુષ્ટ્ય કહેવાય છે.]
 
વ્યાખ્યા - સાધન ચતુષ્ટ્યની અંતર્ગત વિવેક, વૈરાગ્ય, ષટ્ સંપત્તિ અને મુમુક્ષત્વ આવે છે. આ ગુણ બધા મનુષ્યોમાં થોડી માત્રામાં હોય છે. પરંતુ એક વિશેષ સ્તર સુધી વિકસિત થવા પર આ ગુણ મનુષ્યને અધ્યાત્મ વિદ્યાનો અધિકારી બનાવી દે છે. સાચું-ખોટુ, હાનિ-લાભ, અને શુભ-અશુભ વગેરેનો ભેદ વિવેક છે. ઘરની કોઈ અશિક્ષિત બાલિકાને પણ કંઈક વિવેક છે. તે ઘરની નકામી વસ્તુઓ અને કચરાને ઝાડુ લગાવીને બહાર ફેંકી દે છે કારણ કે તે ઉપયોગી નથી. તથા જે વસ્તુઓ ઉપયોગી છે તેને ઘરની અંદર સંભાળીને રાખે છે. જ્યારે આ વિવેક શક્તિ વધીને નિત્ય અને અનિત્યનો ભેદ કરવા લાગે તો તે અધ્યાત્મ વિદ્યામાં સહાયક બને છે.
 
વૈરાગ્ય પણ આપણા બધામાં હોય છે. તેથી જ આપણે અનુપયોગી વસ્તુઓનો સંગ્રહ નથી કરતા. પરંતુ જ્યારે બધા કર્મફળ ભોગમાં દોષ દેખાવા માંડે અને હ્રદયથી તેનો ત્યાગ કરી દે તો એવું વૈરાગ્ય મુમુક્ષુઓ માટે ઉપયોગી છે.
 
ષટ્ સંપત્તિઓ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન છે. મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા મુમુક્ષત્વ છે. હવે આ ગુણોને અધિક સ્પષ્ટ કરીએ -
 
======== * ========

નિત્ય-અનિત્ય વિવેક

नित्यानित्यवस्तुविवेकः कः?
नित्यवस्तु एकं ब्रह्म
तद् व्यक्तिरिक्तं सर्वम् अनित्यम्
अयमेव नित्यानित्यवस्तुविवेक्क़ ।
નિત્યાનિત્યવસ્તુવિવેકઃ કઃ?
નિત્યવસ્તુ એકં બ્રહ્મ
તદ્ વ્યક્તિરિક્તં સર્વમ્ અનિત્યમ્
અયમેવ નિત્યાનિત્યવસ્તુવિવેક્ક઼ ।
 
[ભાવાર્થ]
નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક શું છે?
એક બ્રહ્મ જ નિત્ય વસ્તુ છે. એથી અતિરિક્ત બધુ અનિત્ય છે. આ જ નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે.
 
[વ્યાખ્યા]
જે વસ્તુ થોડા કે અધિક કાળમાં નષ્ટ થઈ જાય છે, તેને અનિત્ય કહેવાય છે. આપણે આપણા અનુભવથી કેટલીક વસ્તુઓને નષ્ટ થતા જોઇએ છીએ, જેમ કે ખેતરમાં ધાનની ઊગતી, પાકતી, અને નષ્ટ થતી ફસલ. તે અનિત્ય છે. તેથી ઉપેક્ષા પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર, વગેરે નિત્ય પ્રતીત થાય છે. આને નષ્ટ થતા આપણે નથી જોયા. પરંતુ વિચાર કરવા પર જ્ઞાત થાય છે વસ્તુ કોઈ કાળમાં ઉત્પન્ન થાય છે અને જેનું કોઈ નામ-રૂપ-આકાર છે તે નશ્વર છે. આ દ્રષ્ટિથી વિચાર કરવા પર જ્ઞાત થાય છે કે સૂર્ય, ચન્દ્ર, વગેરે પણ અનિત્ય છે. નિત્ય વસ્તુ કેવળ બ્રહ્મા છે. તે અનાદિ, અનંત, નામ-રૂપ-આકાર રહિત અને કાળથી પણ પરે છે. આનું વિસ્તૃત વર્ણન આગળ કરવામાં આવશે. જ્યારે બુદ્ધિમાં આ નિશ્ચય થઈ જાય કે બ્રહ્મ જ નિત્ય છે, શેષ બધુ જ અનિત્ય છે તો તેને પૂર્ણ વિવેક કહી શકાય છે.
 
======== * ========

વૈરાગ્ય

विरागः कः?
इहस्वर्ग भोगेषु इच्छाराहित्यम् ।
વિરાગઃ કઃ?
ઇહસ્વર્ગ ભોગેષુ ઇચ્છારાહિત્યમ્ ।
 
[ભાવાર્થ]
વિરાગ (વૈરાગ્ય) શું છે?
આ લોક અને સ્વર્ગ લોકના સમસ્ત ભોગોને ભોગવાની ઇચ્છા ન રહેવી એ વિરાગ (વૈરાગ્ય) છે.
 
[વ્યાખ્યા]
નિત્યાનિત્ય (નિત્ય-અનિત્ય) વસ્તુનું વિવેક થવા પર આપણે સ્વતઃ નિત્ય વસ્તુ પ્રતિ પ્રેમ અને અનિત્ય વસ્તુ પ્રતિ હેય અથવા ત્યાગ બુદ્ધિ ઉત્પન્ન થવાનો અનુભવ કરીએ છીએ. બહ્મની અતિરિક્ત આ લોકની બધી વસ્તુઓ અનિત્ય છે અને એવી જ રીતે સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોની વસ્તુઓથી મળતું સુખ પણ અનિત્ય છે અને એની સાથે દુઃખ પણ મળે છે. તેથી તેનાથી સુખની આશા ત્યાગી દેવું એ જ વૈરાગ્ય છે. રાગ (મોહ) બંધનકારક છે અને વૈરાગ્ય મુક્તિ આપનાર છે. વિરક્ત થવા પર (નિત્ય-અનિત્ય વસ્તુ જ્ઞાત થવા પર) જ આપણે નિત્ય વસ્તુ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકાય છે.
 
======== * ========

ષટ્ સંપત્તિ

शमादि साधनसंपत्तिः का?
शमो दम उपरमस्तितिक्षा श्रद्धा समाधानं च इति ।
શમાદિ સાધનસંપત્તિઃ કા?
શમો દમ ઉપરમસ્તિતિક્ષા શ્રદ્ધા સમાધાનં ચ ઇતિ |
 
[ભાવાર્થ]
શમ આદિ સાધન સંપત્તિ શું છે?
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન જ ષટ્સંપત્તિઓ છે.
 
[વ્યાખ્યા]
શમ આદિ છ ગુણ આધ્યાત્મિક સાધકની એ સંપત્તિ છે, જેના બળ પર તે અનિત્ય જગતથી વિરક્ત થઈજે નિત્યતત્ત્વની તરફ અગ્રસર થાય છે. આના દ્વારા એનું વ્યક્તિત્વ સંગઠિત અને સશક્ત બને છે. એમાં તેના પર વિશ્વાસ જાગ્રત થાય છે.
 
शमः कः?
मनो निग्रहः ।
શમઃ કઃ?
મનો નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
શમ શું છે?
મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું જ શમ છે.
 
[વ્યાખ્યા]
મન વિષયોની પાછળ ભાગે છે એ વિષયોનું જ ચિંતન કરે છે. તે સવેગોથી વિક્ષુબ્ધ (અશાંત) પણ થાય છે. આવું મન સૂક્ષ્મ વસ્તુઓનું ચિંતન કરવામાં બાધક બને છે. તેથી એને વિચારપૂર્વક નિયંત્રણમાં લગાવવાનો પ્રયાસ કરવો જોઇએ. એમાં સફળતા મળવા પર મન આપણા કાબુમાં થઈ જાય છે. આપણે હવે એને જ્યા કામ લગાવવા માગીએ છીએ ત્યાં લગાવી શકીએ છીએ.
 
दमः कः?
चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः ।
દમઃ કઃ?
ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
ઇન્દ્રિય બે પ્રકારની હોય છે - જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયોથી વિષયોનું જ્ઞાન થાય છે અને કર્મેન્દ્રિયોથી વિષયોને પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે ઇન્દ્રિયો સ્વતંત્ર થઈને વિષયોમાં વિચરણ નથી કરતી, તે મનના વશમાં રહે છે તો તેને દમ કહેવાય. જો પહેલા શમનો અભ્યાસ કરવામાં આવે તો ઇન્દ્રોયોનું દમ (સંયમ/દમન) કરવામાં સહજ જ સફળતા મળી જાય. તેનાથી વિપરીત જો ઇન્દ્રિય નિગ્રહમાં કંઇક સફળતા મળી જાય તો તે મનનાં નિગ્રહમાં સહાયક બને છે.
 
उपरमः कः?
स्वधर्मानुष्ठानमेव ।
ઉપરમઃ કઃ?
સ્વધર્માનુષ્ઠાનમેવ |
 
[ભાવાર્થ]
ઉપરામતા શું છે?
પોતાના ધર્મનું અનુષ્ઠાન જ ઉપરામતા છે.
 
[વ્યાખ્યા]
આપણા સૌનું કંઇક કર્તવ્ય હોય છે. આપણા પોતાના પ્રતિ, આપણા માતા-પિતા પ્રતિ, આપણા ગુરુ પ્રતિ, આપણા પરિવાર પ્રતિ અને સમાન પ્રતિ, વગેરે જે કર્તવ્યો છે તેનું પાલન કરવું એ જ ધર્મ છે. આપણા ધર્મનો દૃઢતાથી અનુષ્ઠાન કરવા પર મન અધર્મ, પાપ કે દુરાચારની તરફ નથી જતું. આ જ મનની ઉપરતિ છે.
 
મનુષ્યનો પરમ ધર્મ સત્યની શોધ કરવાનો છે. આ કાર્યમાં દૃઢતા પૂર્વક લાગી જવાથી મન અનિત્ય વસ્તુઓમાં સુખની શોધ નથી કરતું. આ પણ મનની ઉપરતિ છે. સામાન્ય રીતે ઉપરામ શબ્દનો પ્રયોગ વૈરાગ્યના અર્થમાં લેવામાં પણ આવે છે.
 
तितिक्षा का?
शीतोष्ण सुखदुःखादि सहिष्णुत्वम् ।
તિતિક્ષા કા?
શીતોષ્ણ સુખદુઃખાદિ સહિષ્ણુત્વમ્ |
 
[ભાવાર્થ]
તિતિક્ષા શું છે?
ગરમી-ઠંડી, સુખ-દુખ, વગેરે દ્વંદ્વ (વિસંગતતા) સહન કરવાનો સમભાવ જ તિતિક્ષા (સહનશીલતા, સમભાવશીલતા) છે.
 
[વ્યાખ્યા]
મનુષ્ય જીવનમાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓનું આવવું એ સ્વાભાવિક છે. એને રોકી નથી શકાતું. પોતાના સામર્થ્યથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિવારણ કરી અને જે કંઇક પણ અનિવાર્ય થઈ જાય છે (એટલે કે જેનું નિવારણ નથી) તેને ચિંતારહિત શાંત મનથી સહન કરવાનો અભ્યાસ હોવો જોઇએ. અભ્યાસથી આ ગુણ વધાવી શકાય છે. તત્ત્વ ચિંતન કરવામાં પણ આ ગુણ સહાયક બને છે.
 
श्रद्धा कीदृशी?
गुरूवेदान्त वाक्यादिषु विश्वासः श्रद्धा ।
શ્રદ્ધા કીદૃશી?
ગુરૂવેદાન્ત વાક્યાદિષુ વિશ્વાસઃ શ્રદ્ધા |
 
[ભાવાર્થ]
શ્રદ્ધા કેવી હોય છે?
ગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.
 
[વ્યાખ્યા]
ઉપનિષદ વેદાન્ત ગ્રંથ છે. એના વચન સ્વતઃ પ્રમાણ છે. તે નિર્ભ્રાંત સત્ય (ભ્રમિત ન કરે એવા સત્ય) નું નિરૂપણ કરે છે. ગુરૂએ સત્યતાનો અનુભવ એમના વ્યાવહારિક જીવનમાં કર્યો છે. તેથી ગુરૂ શીષ્યની સામે એજ સત્યનું પ્રતિપાદન કરે છે. આ બન્ને વચનોને સત્ય સ્વીકાર કરવું એજ શ્રદ્ધા છે. આજ આધારે સાધક સ્વયં પણ એજ સત્યનું સાક્ષાત્કાર કરવા માટે પોતાનું જીવન અર્પિત કરી દે છે.
 
समाधानं किम्?
 चित्तैकाग्रता ।
સમાધાનં કિમ્?
ચિત્તૈકાગ્રતા |
 
[ભાવાર્થ]
સમાધાન શું છે?
ચિત્તની એકાગ્રતા જ સમાધાન છે.
 
[વ્યાખ્યા]
પોતાના પ્રિય વિષયમાં બધા લોકોનું ચિત્ત એકાગ્ર થઈને લાગી રહે છે. પરંતુ જ્યારે ચિત્તનો આ ગુણ ગુરૂ અને શાસ્ત્ર વચનને સમજવા અને અનુભવ કરવામાં કામ આવે છે તો તેને સમાધાન કહે છે. સમસ્ત સંશયોથી મુક્ત થઈને જ્યારે મન નિત્ય વસ્તુમાં સ્થિર થઈ જાય છે તો તે પણ સમાધાન છે.
 
======== * ========

મુમુક્ષત્વ

मुमुक्षत्वं किम्?
 मोक्षो मे भूयाद् इति इच्छा ।
મુમુક્ષત્વં કિમ્?
મોક્ષો મે ભૂયાદ્ ઇતિ ઇચ્છા |
 
[ભાવાર્થ]
મુમુક્ષત્વ શું છે?
મારે મોક્ષ પ્રાપ્ત હો - આ ઇચ્છનું નામ મુમુક્ષત્વ છે.
 
[વ્યાખ્યા]
જો કે બધા મનુષ્ય પોતાના કર્મના બંધનમાં બંધાયેલ છે, ન ઇચ્છતા પણ પોતાના કર્મનું ફળ વિવશ થઈને ભોગવવું જ પડે છે. એજ બંધનમાં બંધાઈને અનેક યોનિઓમાં ભટકવું અને શરીર ધારણ કરવું પડે છે. પરંતુ તે ન તો એ જાણે છે કે છૂટી શકાય છે અને ન તો તે છૂટવાની ઇચ્છા કરે છે. કોઈક જ વ્યક્તિ પોતાની કઠિન સમસ્યાથી અવગત થાય છે અને એનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ કરે છે. જેમ કોઈ વ્યક્તિ પોતાના માથાના લાંબા વાળમાં લાગેલી આગથી વ્યાકુળ થઈને સરોવરમાં કૂદવાની ઇચ્છા કરે છે તેવી જ રીતે જીવન-દુઃખોથી વ્યથિત થઈને મનુષ્ય જ્યારે તેનાથી મુક્ત થવાની ઇચ્છા કરે છે તો તેને મુમુક્ષત્વ કહે છે. એવા જ લોકો માટે વેદાન્તશાસ્ત્ર છે અને એવા જ લોકો એના અધ્યયનથી લાભાન્વિત થાય છે.
 
एतत् साधनचतुष्ट्यम् ।
ततस्तत्त्वविवेकस्याधिकारिणो भवन्ति ।
એતત્ સાધનચતુષ્ટ્યમ્ |
તતસ્તત્ત્વવિવેકસ્યાધિકારિણો ભવન્તિ |
 
[ભાવાર્થ]
આજ ચાર સાધન છે. આનાથી સમ્પન્ન પુરુષ તત્ત્વવિવેકના અધિકારી હોય છે.
 
[વ્યાખ્યા]
અહીં સાધન ચતુષ્ટ્યનું વર્ણન પૂર્ણ થયું. આ યોગ્યતાઓથી સમ્પન્ન વ્યક્તિ સત્સ્વરૂપ પરમાત્માને શોધવા અને મેળવવા માટે અધિકારી બને છે. જાતિ, સ્ત્રી-પુરુષ, ઉમર-આયુ, વગેરે એના માટે બાધક નથી બનતા. સંસારમાં ક્યાંય પણ રહેનાર કોઈ પણ વ્યક્તિ વિવેક આદિ ગુણોથી અધિકારી બની અને તત્ત્વજ્ઞાન મેળવી મુક્ત બની શકે છે.
 
======== * ========

તત્ત્વ વિવેક (આત્મજ્ઞાન)

સાધન ચતુષ્ટ્ય સમ્પન્ન પુરુષ મુક્ત થવા માટે તત્ત્વ વિચાર કરે છે. આથી હવે તત્ત્વવિવેક પ્રારંભ કરીએ છીએ.
 
तत्त्वविवेकः कः ?
आत्मा सत्यं तदन्यत् सर्वं मिथ्येति ।
તત્ત્વવિવેકઃ કઃ ?
આત્મા સત્યં તદન્યત્ સર્વં મિથ્યેતિ ।
 
[ભાવાર્થ]
તત્ત્વવિવેક શું છે?
આત્મા સત્ય છે અને એના સિવાય બધું જ મિથ્યા છે. આજ તત્ત્વવિવેક છે.
 
[વ્યાખ્યા]
"તત્ત્વ" સત્ વસ્તુ છે. એને મિથ્યા વસ્તુથી પૃથક કરી ઓળખવું એ તત્ત્વવિવેક છે. તેથી સત્ અને મિથ્યાનો ભેદ અને એના લક્ષણ જ્ઞાત હોવા જોઇએ. સત્ એ છે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળમાં યથાવત રહે. એમાં ન પરિવર્તન થાય અને ન તો એનું વિનાશ થાય. એનાથી વિપરીત જે વસ્તુ ત્રણેય કાળમાં યથાવત ન હોય તેને અસત્ કહેવાય છે, જેમકે સાંસારિક સંબંધો. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ભાસિત થાય છે, ત્રણેય કાળમાં પરાવર્તિત થતી રહે છે, અને નષ્ટ પણ થાય છે. આ પ્રકારની સત્તાને મિથ્યા કહેવાય છે. આ જગત એવું જ છે. સંક્ષેપમાં કહી શકાય છે કે નિત્ય વસ્તુ સત્ય છે જ્યારે અનિત્ય વસ્તુ મિથ્યા છે.
 
પાછળ કહી ગયા છીએ - "नित्यवस्त्वेकं ब्रह्म तद् व्यतिरिक्तं सर्वमनित्यम्" - નિત્ય વસ્તુ ફક્ત બ્રહ્મ જ છે અને એ ઉપરાંત બધું જ મિથ્યા છે. અહીં બ્રહ્મના સ્થાન પર આત્મા કહી એને જ સત્ય અર્થાત્ નિત્ય કહીએ છીએ અને આત્મા ઉપરાંત બધું જ મિથ્યા છે એમ સમજીએ. આત્મા અને બ્રહ્મ એકજ છે - એ આપણે આગળ જોઈશું. હમણાં આપણે નિત્ય બ્રહ્મનું વિવેક કરવા માટે સત્ સ્વરૂપ આત્માનું વિવેક કરવું જોઇએ. અજ્ઞાનના કારણે આપણે શરીર આદિ ને જ આત્મા સમજીએ છીએ. આ અજ્ઞાનને દૂર કરી આત્મવિવેક કરવું એજ તત્ત્વવિવેક છે.
 
आत्मा कः ?
स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः
पञ्चकोशातीतः सन्
अवस्थात्रय साक्षी
सच्चिदानन्दस्वरूपः सन्
यः तिष्ठति स आत्मा ।
આત્મા કઃ ?
સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ્ વ્યતિરિક્તઃ
પઞ્ચકોશાતીતઃ સન્
અવસ્થાત્રય સાક્ષી
સચ્ચિદાનન્દસ્વરૂપઃ સન્
યઃ તિષ્ઠતિ સ આત્મા ।
 
[ભાવાર્થ]
આત્મા શું છે?
સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરોથી પૃથક અને પંચકોશોથી શ્રેષ્ઠ, જે ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી સત્ અને આનંદ સ્વરૂપ થઈને સ્થિત છે તે આત્મા છે.
 
[વ્યાખ્યા]
આપણું સ્વરૂપ આત્મા છે. આપણું સ્વરૂપ આપણાથી પૃથક નથી હોય શકતું. એ સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છે. શરીર આદિ આપણાથી પૃથક અનાત્મા છે, તો પણ ભ્રમથી આપણે એમાં આત્મભાવનો અનુભવ કરીયે છીએ. જ્યાર સુધી આપણે વિચાર નહીં કરીશું ત્યાર સુધી આપણે આજ ભ્રમમાં પડી રહીશું. આજ ભ્રમ આપણા માટે કર્મ બંધનનું કારણ બની રહ્યું છે. વિવેક વિચારથી આત્માને અનાત્માથી પૃથક કરી ભ્રમ દૂર કરી શકાય છે. એના માટે આત્માના લક્ષણ અને અનાત્માના લક્ષણ પૃથક રૂપથી સ્પષ્ટ જ્ઞાત થવા જોઇએ. એજ લક્ષણોની સહાયતાથી આત્મા0અનાત્માનો ભેદ ઓળખી શકાય છે. આથી લક્ષણો સહિત એની ઓળખ આગળ બતાવવામાં આવી છે.
 
સામાન્ય રૂપે આત્મ-વિવેક માટે ત્રણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે. - (૧) સર્વપ્રથમ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરોને અનાત્મા સમજી એની ઉપરાંત જે આપણી સત્તા ઉપલબ્ધ રહે છે, તેને જ આત્મા સમજવું. એમાં સત્, ચિત્ અને આનંદ લક્ષણો મળે છે. (૨) બીજી પ્રક્રિયામાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય - પાંચ કોશોથી શ્રેષ્ઠ જઈને આપણે આપણા સ્વરૂપને સાક્ષાત મેળવી શકીએ છીએ. અહીં પણ આત્માના ત્રણેય લક્ષણો અનુભવમાં આવે છે. (૩) ત્રીજી પ્રક્રિયામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ - આ ત્રણ અવસ્થાઓ ઉપર વિચાર કરવામાં આવે છે. આ અવસ્થાઓની સાક્ષી આપણું સ્વરૂપ આત્મા જ છે. આત્મજ્ઞાન કરાવવા માટે ઉપનિષદોમાં આજ ત્રણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવી છે.
 
======== * ========

શરીરત્રય

આત્મા ત્રણેય શરીરોથી ભિન્ન છે. તેથી આત્માને સમજવા માટે ત્રણેય શરીરોના ગુણ-લક્ષણ જાણીને તેને આપણાથી પૃથક કરવું પડશે. ત્રણ શરીર છે - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ.
 
કારણ શરીર
સૂક્ષ્મ શરીર
સ્થૂલ શરીર
 
>> સ્થૂલ શરીર
 
स्थूलशरीरं किम् ?
पञ्चीकृतपञ्च महाभूतैः कृतं सत्कर्मजन्यं
सुखदुःखादिभोगायतनं शरीरं,
अस्ति जायते बर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति
षड् किकारवदेतत्स्थूल शरीरं ।
સ્થૂલશરીરં કિમ્ ?
પઞ્ચીકૃતપઞ્ચ મહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં
સુખદુઃખાદિભોગાયતનં શરીરં,
અસ્તિ જાયતે બર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતીતિ
ષડ્ કિકારવદેતત્સ્થૂલ શરીરં ।
 
[ભાવાર્થ]
સ્થૂલ શરીર શું છે?
પંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત, સત્કર્મોથી ઉત્પન્ન, સુખ-દુઃખ આદિ ભોગોને ભોગવવાનું સ્થાન તથા અસ્તિ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય, અને વિનાશ જેવા છ વિકારોથી યુક્ત સ્થૂલ શરીર છે.
 
[વ્યાખ્યા]
આપણે આ જે શરીરને જોઇએ છીએ તેને સ્થૂલ શરીર કહેવાય છે. સ્થૂલ શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામક પંચમહાભૂતો માંથી બન્યું છે. આનું વર્ણન આપણે આગળ કરીશું, હમણાં એટલું સમજી લેવું પર્યાપ્ત છે કે આ સ્થૂલ શરીર પંચીકૃત પંચમહાભૂતોથી બન્યું છે.
 
આ શરીર જેટલું સ્થાન ઘેરે છે તે આકાશ છે. શ્વાસ લેવા પર વાયુ શરીરમાં જાય છે. જે રક્ત સાથે ભળે છે. શરીરમાં જે ગરમીનો અનુભવ થાય છે તે અગ્નિ તત્ત્વના કારણે છે. પીવામાં આવેલ પાણી રક્ત આદિમાં ભળી જાય છે. અન્ન રૂપમાં પૃથ્વી તત્ત્વ શરીરમાં પહોંચે છે, જેનાથી અસ્થિ, માંસ વગેરે બને છે.
 
સ્થૂલ શરીર પશુ-પક્ષીઓને પણ પ્રાપ્ત છે, પરંતુ મનુષ્ય શરીર પુણ્ય કર્મોના ફળથી મળે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ એક સુંદર અવસર છે.
 
આ શરીર ભોગાયતન પણ છે, આમાં રહીને જીવ પોતાના કર્મોના ફળ સુખ-દુઃખના રૂપે ભોગવે છે.
 
આ શરીર નશ્વર છે, કારણ કે આમાં છ વિકારો જોવા મળે છે - અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય અને વિનાશ. આ રીતે નશ્વર હોવાને કારણે સ્થૂલ શરીર અનિત્ય છે તથા અનિત્ય હોવાને કારણે મિથ્યા છે.
 
આ શરીરમાં આત્માનું એક પણ લક્ષણ નથી. નશ્વર હોવાને કારણે સત્ નથી, જડ ભૂતોથી નિર્મિત અને કર્મફળનું પરિણામ હોવાથી ચિત્ત નથી, અને વિકારી હોવાને કારણે આનંદ રહિત છે.
 
>> સૂક્ષ્મ શરીર
सूक्ष्मशरीरं किम् ?
अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यं
सुखदुःखादि भोगसाधनं,
पंचज्ञानेन्द्रियाणि, पंचकर्मेन्द्रियाणि, पंचप्राणादयः
मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह
यत्तिष्ठति तत्सूक्ष्मशरीरम् ।
સૂક્ષ્મશરીરં કિમ્ ?
અપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતં સત્કર્મજન્યં
સુખદુઃખાદિ ભોગસાધનં,
પંચજ્ઞાનેન્દ્રિયાણિ, પંચકર્મેન્દ્રિયાણિ, પંચપ્રાણાદયઃ
મનશ્ચૈકં બુદ્ધિશ્ચૈકા એવં સપ્તદશકલાભિઃ સહ
યત્તિષ્ઠતિ તત્સૂક્ષ્મશરીરમ્ ।
 
[ભાવાર્થ]
સૂક્ષ્મ શરીર શું છે?
અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત સત્કર્મના ફળ સ્વરૂપે ઉત્પન્ન અને સુખ-દુઃખ ભોગવવાનું સાધન સૂક્ષ્મ શરીર છે. આમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ અને મન-બુદ્ધિ એમ સત્તર કળાઓ અથવા અંગ છે.
 
[વ્યાખ્યા]
સૂક્ષ્મ શરીરનો વાસ સ્થૂલ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર અપંચીકૃત પંચમહાભૂતોથી નિર્મિત હોવાને કારણે સૂક્ષ્મ છે અને ભૌતિક હોવાને કારણે જડ પણ છે. આમાં ભાસિત થતી ચેતના એની પોતાની નથી.
 
આની રચના પૂર્વ જન્મમાં કરવામાં આવેલ કર્મોને કારણે થાય છે. સત્કર્મોનું ફળ ભોગવવા માટે આ એક સાધન છે. પુણ્ય કર્મ સાથે પાપ કર્મ પણ થાય છે. તેથી આ શરીર દ્વારા સુખ અને દુઃખ એમ બન્ને ભોગવવા પડે છે. ધ્યાન રહે, સ્થૂલ શરીર ભોગનું આયતન (ભવન કે કક્ષ) છે અને સૂક્ષ્મ શરીર ભોગનું સાધન (ઉપકરણ) છે.
 
સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિય, પ્રાણ અને મન-બુદ્ધિનો સમાવેશ થાય છે. આને સ્થૂલ શરીરથી પૃથક સમજવું જોઇએ. સ્થૂલ શરીરમાં એના ગોલક કે ઠેકાણા હોય છે જ્યાં સ્થિત રહીને શરીરને ચલાવે છે.
 
श्रोत्रं त्वक् चक्षुः रसनाघ्राणम् इति पंच ज्ञानेन्द्रियाणि ।
શ્રોત્રં ત્વક્ ચક્ષુઃ રસનાઘ્રાણમ્ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ ।
 
[ભાવાર્થ]
કાન, ત્વચા, નેત્ર, જિહવા અને નાસિકા - આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે.
 
[વ્યાખ્યા]
કર્ણ આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી એને જ્ઞાનેન્દ્રિય કહે છે. જ્ઞાનેન્દ્રિય સૂક્ષ્મ સ્વરૂપ છે. સ્થૂલ શરીરના ગોલકોમાં એનો વાસ હોય છે. આ બધી ઇન્દ્રિયોના એક-એક દેવતા છે.
 
श्रोत्रस्य दिग्देवता, त्वचो वायुः, चक्षुषः सूर्यः,
रसनाया वरुणा, घ्राणस्य अश्विनौ,
इति ज्ञानेन्द्रिय देवताः ।
શ્રોત્રસ્ય દિગ્દેવતા, ત્વચો વાયુઃ, ચક્ષુષઃ સૂર્યઃ,
રસનાયા વરુણા, ઘ્રાણસ્ય અશ્વિનૌ,
ઇતિ જ્ઞાનેન્દ્રિય દેવતાઃ ।
 
[ભાવાર્થ]
કાનના દેવતા દિક્ (આકાશ), ત્વચાના વાયુ, ચક્ષુના સૂર્ય, જિહવાના વરુણ અને નાસિકાના અશ્વિનીકુમાર છે. આ જ્ઞાનેન્દ્રિયોના દેવતા છે.
 
[વ્યાખ્યા]
દેવતા દ્યોતન (ઉજ્જવળ બનાવનાર) કરવાવાળી શક્તિઓ છે. ઈશ્વર સમસ્ત જગતના નિયંતા છે. ઇશ્વરના અંશભૂત દેવતા ઇશ્વરની આધીન રહીને જગત અને જીવો પર પ્રાકૃતિક નિયમો અનુસાર નિયંત્રણ રાખે છે. આ દેવતા આપણી અંદર વ્યષ્ટિ રૂપમાં અને બાહ્ય જગતમાં સમષ્ટિ રૂપમાં પ્રકૃતિના કોઈ વિશેષ નિયમોનું સંચાલન કરે છે. દેવતા ત્યાંના અધિષ્ઠાતા (નિયામક) હોય છે.
 
ઉદાહરણના રૂપમાં (૧) સ્થૂલ શરીરના કાન અને છિદ્ર આદિ જડ ગોલક છે, (૨) એમાં સ્થિત ક્રિયા શક્તિ પ્રાણ છે, જેના દ્વારા શબ્દ તરંગો કાનના પરદાથી મસ્તિષ્ક સુધી પહોંચે છે, અને (૩) એમાં વિદ્યમાન રહેવા વાળુ ચેતન તત્ત્વ જ પ્રાણ, શબ્દ અને શરીર (કાન) ની ઉપાધિથી દેવતા છે. આ બધાની સહાયતાથી આપણે શબ્દ ગ્રહણ કરીએ છીએ. કાનના દેવતા દિક્ (આકાશ) છે. બહાર સમસ્ત આકાશમાં વ્યાપ્ત ચૈતન્ય આકાશની ઉપાધિ ધારણ કરી દિક્ દેવતા છે. એનો જ અંશ કાનમાં સ્થિત થઈને આપણને શબ્દ સાંભળવામાં મદદ કરે છે. આજ નિયમ અન્ય ઇન્દિયો સાથે સમજવો.
 
ઈશ્વર અને એમના અધીનસ્થ (ગૌણ) આ દેવતાઓનું વિસ્તૃત વર્ણન આપણે ઈશ્વરના પ્રસંગમાં આગળ કરીશું. 
 
श्रोत्रस्य विषयः शब्दग्रहणं ।
त्वचो विषयः स्पर्शग्रहणं ।
चक्षुषो विषयः रूप ग्रहणम् ।
रसनाया विषयः रसग्रहणम् ।
घ्राणस्य विषयः गंधग्रहणम् इति ।
શ્રોત્રસ્ય વિષયઃ શબ્દગ્રહણં ।
ત્વચો વિષયઃ સ્પર્શગ્રહણં ।
ચક્ષુષો વિષયઃ રૂપ ગ્રહણમ્ ।
રસનાયા વિષયઃ રસગ્રહણમ્ ।
ઘ્રાણસ્ય વિષયઃ ગંધગ્રહણમ્ ઇતિ ।
 
[ભાવાર્થ]
કાનનો વિષય શબ્દ ગ્રહણ, ત્વચાનો વિષય સ્પર્શ ગ્રહણ, ચક્ષુનો વિષય રૂપ ગ્રહણ, જિહવાનો વિષય રસ ગ્રહણ અને નાકનો વિષય ગંધ ગ્રહણ છે.
 
[વ્યાખ્યા]
બધી ઇન્દ્રિયોના કાર્યક્ષેત્ર વહેચાયેલા છે. તે પોતાના ક્ષેત્રમાં જ કાર્ય કરે છે. આથી પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષય ક્ષેત્રો પણ પાંચ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ - આ પાંચ વિષયો છે. ઇન્દ્રિયો આ વિષયોને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે અને ત્યાંથી તે વિષયો મન અને બુદ્ધિ સુધી પહોંચે છે.
 
वाक्पाणिदपायूपस्थानि इति पंचकर्मेन्द्रियाणि ।
વાક્પાણિદપાયૂપસ્થાનિ ઇતિ પંચકર્મેન્દ્રિયાણિ ।
 
[ભાવાર્થ]
વાક (મુખ), હાથ, પગ, ગુદા અને ઉપસ્થ પાંચ કર્મેન્દ્રિયો છે.
 
[વ્યાખ્યા]
કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો છે. જેનાથી પાંચ પ્રકારના કર્મો કરવામાં આવે છે. જે હાથથી આપણે આપવા-લેવાનું કામ કરીએ છીએ, તે સ્થૂલ શરીરનો એક ભાગ છે. એમાં હસ્તેન્દ્રિય વાસ કરે છે. હસ્તેન્દ્રિયના કામ કરવા પર સ્થૂલ શરીરનો અંગ કામ કરતો હોય એવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં કર્મ સૂક્ષ્મ શરીરમાં હસ્તેન્દ્રિય દ્વારા થાય છે. હસ્તેન્દ્રિય સૂક્ષ્મ શરીરનો અંગ છે. આ જ રીતે અન્ય ઇન્દ્રિયોને પણ સમજવું જોઇએ.
 
જ્ઞાનેન્દ્રિયોની જેમ કર્મેન્દ્રિયોના પણ પોતપોતાના દેવતા હોય છે.
 
वाचो देवता वहिनः । हस्तयोरन्द्रः । पादयोर्विष्णुः ।
पायोर्मृत्युः । उपस्थस्य प्रजापतिः ।
इतिकर्मेन्द्रियदेवताः
વાચો દેવતા વહિનઃ । હસ્તયોરન્દ્રઃ । પાદયોર્વિષ્ણુઃ ।
પાયોર્મૃત્યુઃ । ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ।
ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ ।
 
[ભાવાર્થ]
વાણીના દેવતા અગ્નિ, હાથના ઇન્દ્ર, પગના વિષ્ણુ, ગુદાના મૃત્યુ અને ઉપસ્થ ઇન્દ્રિયના દેવતા પ્રજાપતિ છે. આ કર્મેન્દ્રિયોના દેવતા છે.
 
[વ્યાખ્યા]
અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, યમરાજ અને પ્રજાપતિ દેવતા છે. પ્રકૃતિની વિવિધ શક્તિઓના આ સ્વામી છે. એમના જ એક-એક અંશ આપણા બધામાં કર્મેન્દ્રિયોમાં સ્થિત થઈને કર્મેન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. આ રીતે એક કર્મેન્દ્રિયના ત્રણ સ્તર થયા - સ્થૂલ શરીરનો અંગ, એમાં વાસ કરનાર પ્રાણમયી ઇન્દ્રિય અને એનું નિયંત્રણ કરનાર એના અધિષ્થાતૃ દેવતા. આ ત્રણેયના સંયોગથી કર્મ થાય છે.
 
પ્રત્યેક કર્મેન્દ્રિયનું પોતાનું ચોક્કસ કામ છે. એનું વર્ણન હવે આપણે જોઇએ.
 
वाचो विषयः भाषणम् । पाण्योर्विषयः वस्तुग्रहणम् ।
पादयोर्विषयः गमनम् । पायोर्विषयः मलत्यागः ।
उपस्थस्य विषयः आनन्द इति ।
વાચો વિષયઃ ભાષણમ્ । પાણ્યોર્વિષયઃ વસ્તુગ્રહણમ્ ।
પાદયોર્વિષયઃ ગમનમ્ । પાયોર્વિષયઃ મલત્યાગઃ ।
ઉપસ્થસ્ય વિષયઃ આનન્દ ઇતિ ।
 
[ભાવાર્થ]
વાણીનો વિષય ભાષણ, હાથનો વિષય વસ્તુ ગ્રહણ, પગનો વિષય ચાલવું, ગુદાનો વિષય મળ ત્યાગ અને ઉપસ્થનો વિષય પ્રજનન સુખ છે.
 
[વ્યાખ્યા]
કર્મેન્દ્રિયાના કર્મ જ એના વિષય છે. વાણી એક કર્મેન્દ્રિય છે, તેના દ્વારા બોલવાનું કામ થાય છે. હાથ બીજી કર્મેન્દ્રિય છે, તેના દ્વારા વસ્તુ પકડવાનું કામ થાય છે. આ પ્રકારે અન્ય ઇન્દ્રિયોના પોત-પોતાના કામ સમજવા.
 
સૂક્ષ્મ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયા, પાંચ કર્મેન્દ્રિયા, પાંચ પ્રાણ તથા મન અને બુદ્ધિ બતાવવામાં આવ્યા છે. આમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પ્રાણ, મન અને બુદ્ધિનું વર્ણન અહીં નથી કરતા એનું વિવરણ પંચકોશ વિવેકમાં કરવામાં આવશે.
>> કારણ શરીર
 
कारणशरीरं किम् ?
अनिर्वाच्यानाद्यविद्या रूपं
शरीरद्वयस्य कारणमात्रं सत्स्व-रूपाऽज्ञानं
निर्विकल्पकरूपं यदस्ति तत्कारणशरीरम् ।
કારણશરીરં કિમ્ ?
અનિર્વાચ્યાનાદ્યવિદ્યા રૂપં
શરીરદ્વયસ્ય કારણમાત્રં સત્સ્વ-રૂપાઽજ્ઞાનં
નિર્વિકલ્પકરૂપં યદસ્તિ તત્કારણશરીરમ્ ।
 
[ભાવાર્થ]
કારણ શરીર શું છે?
જે અનિર્વાચ્ય, અનાદિ, અવિદ્યારૂપ, બે શરીરોનું કારણ માત્ર, સત્સ્વરૂપનું અજ્ઞાન અને વિર્વિકલ્પક રૂપ છે તેને કારન શરીર કહે છે.
 
[વ્યાખ્યા]
ત્રણ શરીર છે - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. કારણ શરીર સૂક્ષમ અને સ્થૂલ શરીરોનું કારણ છે, તેથી તેને કારણ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂલ શરીર એના કાર્ય છે. કારણથી ઉત્પન્ન કાર્ય નષ્ટ થવા પર તે કારણમાં જ લીન થઈ જાય છે. જેવી રીતે માટી રૂપ કારણથી ઘડા રૂપી કાર્ય ઉત્પન્ન થયું અને એ ઘડો નષ્ટ થવા પર તે માટીમાં જ લીન થઈ જાય છે. બધા લોકોના કારણ શરીર એક સમાન નથી, તેથી બધાની બુદ્ધિ એક સમાન નથી. સ્ત્રી, પુરુષ, કીટ-પંતંગિયા અને પશુ-પક્ષિઓના નાનારૂપ (જૂદા-જૂદા રૂપ) શરીરોનો હેતુ કારણ શરીર જ છે. તેથી 'शरीरद्वयस्य कारणमात्रं' કહેવામાં આવ્યું છે.
 
'अविद्यारूपं' - કારણ શરીર અવિદ્યારૂપ છે. અવિદ્યાનો અર્થ છે 'सत्स्वरूप अज्ञानं'. આપણું સત્સ્વરૂપ આત્મા છે - આ અનુભવ ન હોવો એજ અજ્ઞાન છે જેને અવિદ્યા કહેવાય છે. આત્મા તો અનાદિ-અનંત અને નિત્ય છે પરંતુ અવિદ્યા આ કોટિની નથી. અવિદ્યા અનાદિ તો છે પરંતુ અનંત નથી. વિદ્યાના પ્રકાશથી અવિદ્યા નષ્ટ થઈ જાય છે. અનિર્વાચ્ય એ વસ્તુને કહેવાય છે જે ત્રણેય કાળોમાં સત્ છે અને આકાશ-કુસુમની સમાન અસત્ નથી. આવી અસત્ વસ્તુને મિથ્યા પણ કહેવાય છે.
 
ગહન નિદ્રામાં આપણું-પારકું કઈ પણ જ્ઞાત નથી રહેતું. આજ અવિદ્યા છે. આ સ્થિતિમાં કોઈ દ્વૈતનું (અન્યનું) બોધ ન હોવાને કારણે તેને 'निर्विकल्पक' કહેવામાં આવ્યું છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં નાનાત્વ અર્થાત્ વિકલ્પ જેવા મળે છે. આને અધિક સ્પષ્ટ રૂપમાં સમજવા માટે ત્રણ અવસ્થાઓનો વિચાર કરવો જોઇએ. આનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે.
 
======== * ========

ત્રણ અવસ્થાઓ

अवस्थात्रयं किम् ?
जाग्रत्स्वप्नसुषुप्तवस्थाः ।
અવસ્થાત્રયં કિમ્ ?
જાગ્રત્સ્વપ્નસુષુપ્તવસ્થાઃ ।
 
[ભાવાર્થ]
ત્રણ અવસ્થાઓ શું છે?
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જ ત્રણ અવસ્થાઓ છે.
 
[વ્યાખ્યા]
આપણે આપણા અનુભવથી જાણીએ છીએ કે જાગવું અને સૂવું એમ બે અવસ્થાઓ છે. જાગવા પર આપણે બાહ્ય જગતનો અનુભવ કરીએ છીએ અને એમાં વ્યવહાર પણ કરીએ છીએ. સૂવા પર આપણો સંબંધ ટૂટી જાય છે. નિદ્રાની બે અવસ્થાઓ હોય છે - સ્વપ્નરહિત અર્થાત્ સુષુપ્તિ અને સ્વપ્નસહિત. આ રીતે ચોવીસ કંલાકમાં આપણે આજ ત્રણ અવસ્થાઓમાં વિચરણ કરતા રહીયે છીએ. આ ત્રણેય અવસ્થાઓનો સંબંધ ત્રણ શરીરો સાથે કયા પ્રકારે છે તેનું વર્ણન આપણે કરીએ.
 
>> જાગ્રત અવસ્થા
 
जाग्रदवस्था का?
श्रोत्रादि ज्ञानेन्द्रियैः शब्दादिविषयैश्च ज्ञायते,
इति यत् सा जाग्रदवस्था ।
स्थूल शरीराभिमानी, आत्मा विश्व इत्युच्यते ।
જાગ્રદવસ્થા કા?
શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈઃ શબ્દાદિવિષયૈશ્ચ જ્ઞાયતે,
ઇતિ યત્ સા જાગ્રદવસ્થા ।
સ્થૂલ શરીરાભિમાની, આત્મા વિશ્વ ઇત્યુચ્યતે ।
 
[ભાવાર્થ]
જાગ્રત અવસ્થા શું છે?
જે અવસ્થામાં શ્રોત્ર આદિ જ્ઞાન ઇન્દ્રિય શબ્દ આદિ વિષયોનું ગ્રહણ કરે છે તે અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય છે. આ સમયે આત્મા સ્થૂલ શરીર અભિમાની થઈને 'વિશ્વ' તરીકે કહેવાય છે.
 
[વ્યાખ્યા]
આત્મા અશરીરી છે. અવિદ્યામાં આનું જ્ઞાન નથી હોતું, માનો આત્મા અવિદ્યારૂપી કારણ શરીરથી આવૃત હોય. આ કારણ શરીરધારી આત્મા જ્યારે સૂક્ષ્મ અને સ્થૂલ શરીરોથી તાદાત્મ્ય કરે છે તો તે ત્રણે શરીરોથી યુક્ત હોય છે. આ સમયે એને 'વિશ્વ', 'વૈશ્વ' કે 'વૈશ્વનાર' કહેવાય છે, કારણ કે આ અવસ્થામાં આત્મા વિશ્વ સાથે સંપર્ક કરી એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જગતમાં સ્થિત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે. તેને આપણે શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, અને ઘ્રાણથી ગ્રહણ કરીએ છીએ. જે સમયે આ વ્યાપાર થાય છે તેને જાગ્રત અવસ્થા કહેવાય છે.
 
>> સ્વપ્ન અવસ્થા
 
स्वप्नावस्था केति चेत् ?
जाग्रदवस्थायां यद् दृष्टं,
यद् श्रुतं, तज्जनितावसनया,
निद्रासमये यः प्रञ्चः प्रतीयते,
सा स्वप्नावस्था ।
सूक्ष्म शरीराभिमानी, आत्मा तैजस इत्युच्चते ।
સ્વપ્નાવસ્થા કેતિ ચેત્ ?
જાગ્રદવસ્થાયાં યદ્ દૃષ્ટં,
યદ્ શ્રુતં, તજ્જનિતાવસનયા,
નિદ્રાસમયે યઃ પ્રઞ્ચઃ પ્રતીયતે,
સા સ્વપ્નાવસ્થા ।
સૂક્ષ્મ શરીરાભિમાની, આત્મા તૈજસ ઇત્યુચ્ચતે ।
 
[ભાવાર્થ]
સ્વપ્નાવસ્થા શું છે?
જાગ્રત અવસ્થામાં જે કઈ જોયું-સાંભળ્યું છે તેનાથી બની વાસનાથી નિદ્રા સમયે જે પ્રપંચ અનુભવમાં આવે છે તેને સ્વપ્નાવસ્થા કહે છે. સૂક્ષ્મશરીર અભિમાની આત્મા 'તૈજસ' કહેવાય છે.
 
[વ્યાખ્યા]
નિદ્રાની એક અવસ્થા સ્વપ્ન છે. સ્વપ્નની રચના આપણી પોતાની વાસનાઓને કારણે થાય છે. આ વાસનાઓ જાગ્રત અવસ્થામાં થયેલી હોય છે. જ્યારે આપણે વિષયોની આસક્તિમાં બંધાયને એનો ભોગ કરીયે છીએ તો આપણા ચિત્તમાં એના સંસ્કાર બને છે. બીજ રૂપમાં વાસનાના આ સંસ્કાર આત્મસ્વરૂપનું આવરણ બને છે અને તે જ પ્રપંચનો વિસ્તાર થઈને સ્વપ્ન રૂપે રચાય છે.
 
સ્વપ્નની અવસ્થામાં આત્માનો સંબંધ કારણ અને સૂક્ષ્મ શરીરો સાથે જ રહી જાય છે, તેથી તેને 'તૈજસ' કહે છે. સ્વપ્ન લોકમાં સૂર્ય પ્રકાશ નથી પહોંચી શકતો, ત્યાં આત્માના પ્રકાશમાં જ બધું દેખાય છે. જ્ઞાતા અને જ્ઞેય બન્ને સૂક્ષ્મ પ્રકૃતિથી નિર્મિત છે. તેને આત્માની ચેતના એજ પ્રકારે પ્રકાશિત કરવામાં સમર્થ છે જે પ્રકારે આપણી બુદ્ધિ આત્માથી પ્રકાશિત છે.
 
>> સુષુપ્તિ અવસ્થા
 
अतः सुषुप्ति अवस्था का ?
अहं किमपि न जानामि,
सुखेन मया निद्राऽनुभूयत,
इति सुषुप्त्यवस्था ।
कारणशरीराभिमानि, आत्मा प्राज्ञ इत्युच्यते ।
અતઃ સુષુપ્તિ અવસ્થા કા ?
અહં કિમપિ ન જાનામિ,
સુખેન મયા નિદ્રાઽનુભૂયત,
ઇતિ સુષુપ્ત્યવસ્થા ।
કારણશરીરાભિમાનિ, આત્મા પ્રાજ્ઞ ઇત્યુચ્યતે ।
 
[ભાવાર્થ]
તેથી સુષુપ્તિ અવસ્થા શું છે?
"હું કઈ પણ નથી જાણતો, હુંએ સુખથી નિદ્રાનો અનુભવ કર્યો છે" - આ સુષુપ્તાવસ્થા છે.
કારણ શરીરની અભિમાની આત્મા 'પ્રાજ્ઞ' કહવાય છે.
 
[વ્યાખ્યા]
સ્વપ્ન ઉપરાંત નિદ્રાની બીજી અવસ્થા સુષુપ્તિ છે. આ અવસ્થામાં કશું પણ જ્ઞાત (કે જ્ઞાન) નથી હોતું. જાગવા પર સ્મરણ થાય છે કે મેં ગાઢ નિદ્રામાં સુખથી સૂય રહ્યો. આ જ સ્મૃતિ એ અવસ્થાના અનુભવનું પ્રમાણ છે. સ્વપ્ન અને જાગ્રતિનો અનુભવ ન રહેવાને કારણે એના દુઃખદ પ્રભાવ પણ જ્ઞાત નથે રહેતા. તેથી તે સુખની અવસ્થા છે. સુષુપ્તિનું સુખ જાગ્રતિ અને સ્વપ્નના સુખની અપેક્ષા (તુલનામાં) ઉચ્ચ સ્તરનું હોય છે. જાગૃત અવસ્થામાં કોઈ વ્યક્તિ કેટલો પણ ધની હોય કે વિષય સુખોથી ભરપૂર હોય, પરંતુ સુષુપ્તિનું સુખ તે પણ ઇચ્છે છે, તેથી તે એવો વિસ્તાર બનાવીને સૂય છે જેથી તેની નિદ્રામાં બાધા ન આવે.
 
સુષુપ્તિ અવસ્થામાં આત્માનું તાદાત્મ્ય એક જ શરીર સાથે રહે છે. આ એક શરીર અવિદ્યા કે વાસનાથી નિર્મિત હોવાને કારણે આત્માને આવૃત કરી લે છે. તેથી કારણ શરીરના અભિમાની જીવ ન આપણા આત્માસ્વરૂપને જાણે છે ન તો નામસૂપાકાર જગતને જાણે છે. બન્ને પ્રકારે પ્રકર્ષ અજ્ઞાન હોવાને કારણે આ અવસ્થામાં જીવને પ્રાજ્ઞ કહેવાય છે. તો પણ આ અવસ્થાનો અનુભવ જીવને કોઈક રીતે રહે છે, તો જ તો જાગવા પર એનું સ્મરણ રહે છે. જો સુષુપ્તિમાં એટલું અધિક અજ્ઞાન થઈ ગયું હોય કે એનું સ્મરણ પણ ન રહે તો આપણને એ અવસ્થાની જાણકારી નથી થઈ શકતી. આ તર્કના આધારે આપણે કહી શકીએ છીએ કે 'प्रायेण अज्ञः' હોવાને કારણે એ સમયે જીવ પ્રાજ્ઞ હોય છે.
 
જીવની આ ત્રણેય અવસ્થાઓના વિવેચનથી સ્પષ્ટ છે કે આત્મા અશરીરી છે. તે શરીર ધારણ કરી જીવ તરીકે ઓળખાય છે. જીવ સુષુપ્તિમાં આપણું-પરાયુંને નથી જાણતો પરંતુ સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં નાનાત્વનો અનુભય કરે છે. શુદ્ધ આત્મા આ ત્રણેય અવસ્થા માટે પ્રકાશક અને તેનાથી અસંગ છે. તેથી તે સાક્ષી કે દ્રષ્ટા કહેવાય છે.
 
નોંધ - આ ત્રણેય અવસ્થાને ખુબ જ સારી રીતે સમજવી. ખાસ કરીને સુષુપ્તિ અવસ્થાને સારી રીતે સમજવા માટે એની વાખ્યાને વારંવાર વાચવી.
 
======== * ========

પંચકોશ

જીવના ત્રણ શરીર (સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ) તેના આવરણ છે. સૂક્ષ્મ શરીર એક હોવા છતા ત્રણ આવરણો જેવું કામ કરે છે. તેથી કૂલ પાંચ આવરણ થાય છે. તલવારની મ્યાન સમાન હોવાને કારણે આ આવરણ કોશ કહેવાય છે. જેમ મ્યાનની અંદર રહેવા પર તલવાર નથી દેખાતી તેવી જ રીતે શરીર નિર્મિત પાંચ કોશોની અંદર આત્મા પણ ભાસિત નથી થતી. આત્માને પ્રત્યક્ષ જેવા માટે પાંચ કોશોથી પૃથક કરી એને એવી રીતે જોવું જોઇએ જેમ મ્યાન માથી તલવાર બહાર કાઠીને જોવાય છે.
 
 
पञ्चकोशाः के ?
अन्नमयः प्राणमयः, मनोमयः विज्ञानमयः,
आनन्दमयश्येति ।
પઞ્ચકોશાઃ કે ?
અન્નમયઃ પ્રાણમયઃ, મનોમયઃ વિજ્ઞાનમયઃ,
આનન્દમયશ્યેતિ ।
 
[ભાવાર્થ]
પાંચ કોશ કયા છે?
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય પાંચ કોશ છે.
 
>> અન્નમય કોશ
 
अन्नमयः कः ?
अन्नरसेनैव भूत्वा, अन्नरसेनैव बृद्धिं प्राप्य,
अन्नरूप पृथिव्यां यद्विलीयते,
तदन्नमयः कोशः, स्थूलशरीरम् ।
અન્નમયઃ કઃ ?
અન્નરસેનૈવ ભૂત્વા, અન્નરસેનૈવ બૃદ્ધિં પ્રાપ્ય,
અન્નરૂપ પૃથિવ્યાં યદ્વિલીયતે,
તદન્નમયઃ કોશઃ, સ્થૂલશરીરમ્ ।
 
[ભાવાર્થ]
અન્નમય શું છે?
જે અન્નરસથી બને છે, અન્નરસથી વૃદ્ધિ પામે છે અને અન્નરૂપ પૃથ્વીમાં લીન થઈ જાય છે તે અન્નમય કોશ કહેવાય છે. તે સ્થૂલ શરીર જ છે.
 
[વ્યાખ્યા]
આત્માનો સૌથી ઉપરી કોશ સ્થૂલ શરીર છે. એ અન્નમય છે. 'મય' પ્રચુરતા (વિપુલતા) સૂચક છે. પિતાએ પચાવેલ ભોજનના સારથી આ ઉત્પન્ન થાય છે, માતાના ભોજનથી ગર્ભમાં એનું પોષણ થાય છે. બહાર આ જગતમાં આવવા પર પણ એ અન્ન ખાયને વૃદ્ધિ કરે છે. અંતમાં મૃત્યુ પશ્ચાત આ ધરતીમાં મળી પુનઃ ભોજન બની જાય છે.
 
આ શારીરિક ઢાંચા અન્નથી નિર્મિત હોવાને કારણે અન્નમય કોશ કહેવાય છે. આ આત્મા નથી. આત્મા આનાથી આવૃત છે.
 
>> પ્રાણમય કોશ
 
प्राणमयः कः ?
प्राणाद्याः पञ्चवायवः, वागादीन्द्रियपञ्चकं,
प्राणमयः कोशः ।
પ્રાણમયઃ કઃ ?
પ્રાણાદ્યાઃ પઞ્ચવાયવઃ, વાગાદીન્દ્રિયપઞ્ચકં,
પ્રાણમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
પ્રાણમય શું છે?
પ્રાણ આદિ પાંચ વાયુ અને વાક આદિ પાંચ કર્મેન્દ્રિયોથી નિર્મિત પ્રાણમય કોશ છે.
 
[વ્યાખ્યા]
શરીરની અંદર કાર્ય કરવાવાળી શક્તિ પ્રાણ છે. જોકે પ્રાણ એક છે પરંતુ એના પાંચ કાર્ય હોવાને કારણે પ્રાણ પાંચ પ્રકારના છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન પ્રાણોને 'प्राणाद्याः पञ्चवायवः' કહ્યા છે. (૧) પ્રાણ શ્વાસ-પ્રશ્વાસને સંચાલિત કરે છે અને બાહ્ય જગતના વિષયોના ઉત્પ્રેરકોને નિયંત્રિત રાખે છે. (૨) અપાન વિસર્જન શક્તિ છે, આ શક્તિથી વીર્ય, થૂંક, પસીનો, મૂત્ર, મળ વગેરે શરીરની બહાર ફેંકાય છે. (૩) સમાન પ્રાણ પાચન શક્તિ છે. આ પેટમાં પહોંચેલ ભોજનને પચાવે છે. (૪) વ્યાન રક્ત સંચાલક શક્તિ છે. પચેલા અન્નથી બનેલા રક્તને શરીરમાં વિતરિત કરે છે. (૫) ઉદાન વિચાર કરવાની શક્તિ છે. મૃત્યુ કાળમાં જીવને આ શક્તિ શરીરથી બહાર કાઢી બીજા શરીરમાં લઈ જાય છે.
 
મનુષ્યની આયુ વધવા સાથે ધીરે-ધીરે આ શક્તિઓ ક્ષીણ (નબળી) થવા લાગે છે. જ્યારે આ પ્રાણ ઠીક-ઠીક કાર્ય નથી કરતા ત્યારે શરીર ઉપર એનો પ્રભાવ પડે છે.
 
પ્રાણમય કોશમાં પાંચ પ્રાણોની સાથે પાંચ કર્મેન્દ્રિયોની પણ ગણના કરવામાં આવે છે, કારણ કે આ બધા એક જ તત્ત્વ અપંચીકૃત પંચમહાભૂતોના રાજસ અંશથી નિર્મિત છે અને કર્મ ઇન્દ્રિયો પ્રાણની ક્રિયા શક્તિથી જ સંચાલીત થાય છે.
 
>> મનોમય કોશ
 
मनोमय कोशः कः ?
मनश्च ज्ञानेन्द्रिय पञ्चकं मिलित्वा,
यो भवति स मनोमयः कोशः ।
મનોમય કોશઃ કઃ ?
મનશ્ચ જ્ઞાનેન્દ્રિય પઞ્ચકં મિલિત્વા,
યો ભવતિ સ મનોમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
મનોમય કોશ શું છે?
મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને મનોમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
અન્નમય કોશના અંતર્વર્તી અને એની આત્મા પ્રાણમય કોશ છે. પ્રાણમય કોશના અંતર્વર્તી અને એની આત્મા મન છે. આ કોશ ક્રમશ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ કોશ તેનાથી સ્થૂલ કોશોમાં અંતઃવ્યાપ્ત થઈ જાય છે અને તેને પોતાના નિતંત્રણમાં રાખે છે. ઉદાહરણ તરીકે , જ્યારે મન કોઈ દુઃખથી ઉદ્વિગ્ન (વ્યાકુળ) થાય છે તો તેનો પ્રભાવ પ્રાણ અને શરીર પર જોવા મળે છે.
 
મન જ્ઞાનેન્દ્રિયો પાસેથી રૂપ, રસ આદિ વિષયો પ્રાપ્ત કરે છે અને તેની પ્રતિક્રિયા કર્મેન્દ્રિયોને સૂચિત કરે છે. જોકે પાંચ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થવાવાળા વિષય અલગ અને ભિન્ન પ્રકારના હોય છે પરંતુ તે મનમાં એકીકૃત થઈને વસ્તુનું બિંબ પ્રસ્તુત કરે છે. મન એને બુદ્ધિની સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે.
 
આ ઉપરાંત મન વિચારોનો સતત પ્રવાહ છે. જો પ્રત્યેક વિચારને એક ડોલ પાણી માની લઇએ તો મન એક નદી છે જેમાં પાણી નિરંતર પ્રવાહિત રહે છે. ઘેરાયેલા પાણીમાં એની શક્તિ નથી દેખાય દેતી પરંતુ તેના પ્રવાહિત થવા પર નદીમાં ગતિ અને શક્તિ આવી જાય છે. આ જ પ્રકારે વિચાર પ્રવાહિત થાય છે તો તેમાં ઘણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને મન મનુષ્યનો સૌથી મોટો શક્તિશાળી વિરોધી બની જાય છે.
 
>> વિજ્ઞાનમય કોશ
 
विज्ञानमय कः ?
बुद्धि ज्ञानेन्द्रिय पञ्चकं मिलित्वा,
यो भवति स विज्ञानमयः कोशः ।
વિજ્ઞાનમય કઃ ?
બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય પઞ્ચકં મિલિત્વા,
યો ભવતિ સ વિજ્ઞાનમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
વિજ્ઞાનમય કોશ શું છે?
બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને વિજ્ઞાનમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
બુદ્ધિને વિજ્ઞાનમય કોશ કહે છે. આની સાથે પણ પાંચ જ્ઞાનેન્દ્રિયોની ગણના કરવામાં આવે છે. આ મનથી અધિક સૂક્ષ્મ છે. પૂર્વ સ્મૃતિનો ઉપયોગ કરી બુદ્ધિ વર્તમાન વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર વિચાર કરવા અને નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે.
 
મન અને બુદ્ધિની કાર્યવિધિઓ અને એના કાર્ય-વિશેષ એક ઉદાહરણથી ભલી-ભાંતિ સમજી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સળગતી સિગારેટના ટુકડા પર પગ મૂકી દે છે તો તે તુરંત પોતાનો પગ હટાવી દે છે પરંતુ આ ક્રિયા પહેલા ઘણી પ્રતિક્રિયા થાય છે. જ્યારે મનુષ્યનો પગ અગ્નિના સંસર્ગમાં આવે છે, ત્વચા અગ્નિના ઉત્પ્રેરકને મન સુધી પહોંચાડે છે અને મન એને બુદ્ધિ સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે. બુદ્ધિ એના પૂર્વ અનુભવ અને જ્ઞાનના આધારે મનને આદેશ આપે છે, અને મન શરીરની માંશપેશીઓને આદેશ આપે છે કે પગ હટાવી લેવામા આવે, કારણ કે જે વસ્તુના સંસર્ગમાં પગ છે તે શરીર માટે હાનિકારક છે.
 
મન કેવળ જ્ઞાત ક્ષેત્રમાં વિચરણ કરવામાં ક્ષમતા રાખે છે, પરંતુ બુદ્ધિ જ્ઞાત ક્ષેત્રમાં રહેવા અતિરિક્ત અજ્ઞાત ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ ધરાવે છે. તે નવી-નવી શોધ કરી શકે છે, નવી વાતો પર વિચાર કરી શકે છે અને નવા સિદ્ધાંતોને સમજી શકે છે.
 
>> આનંદમય કોશ
 
आनन्दमयः कः ?
एवमेव कारणशरीरभूताविद्यास्थमलिनसत्वं,
प्रियादि वृत्ति सहितं सत्, आनन्दमयः कोशः ।
આનન્દમયઃ કઃ ?
એવમેવ કારણશરીરભૂતાવિદ્યાસ્થમલિનસત્વં,
પ્રિયાદિ વૃત્તિ સહિતં સત્, આનન્દમયઃ કોશઃ ।
 
[ભાવાર્થ]
આનંદમય કોશ શું છે?
આ પ્રકારે કારણ શરીર, જે અવિદ્યામાં સ્થિત મલિન સત્વ છે અને જેની પ્રિય આદિ વૃત્તિઓ છે, આનંદમય કોશ કહેવાય છે.
 
[વ્યાખ્યા]
કારણ શરીરને જ આનંદમય કોશ કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂલ શરીરોનો હેતુ હોવાને કારણે જેને કારણ શરીર કહીયે છીએ તે જ સુખની પ્રચુરતાના કારણે આનંદમય કોશ કહેવાય છે. આ અવિદ્યાજનિત છે અને સુષુપ્તાવસ્થામાં આપણે આમાં જ સિમિત રહીએ છીએ. આ બુદ્ધિથી પણ અધિક સૂક્ષ્મ અને એમાં અંતઃવ્યાપ્ત એની આત્મા છે.
 
આનંદમય કોશ મલિન-સત્ત્વથી નિર્મિત છે. સત્ત્વ ગુણમાં રજસ અને તમસના મિશ્રણ થઈ જવા પર તે મલિન થઈ જાય છે. આ મિશ્રણનું પ્રમાણ અનેક પ્રકારનું હોય શકે છે. કર્મના પ્રભાવથી આમાં પરિવર્તન પણ થઈ શકે છે. આને 'વાસના-પુંજ' પણ કહી શકયે છીએ.
 
સત્ત્વમાં રજસ અને તમસના મિશ્રણથી ઉત્પન્ન થયેલ મલિનતા આવરણનું કામ કરે છે. આ આવરણ બુદ્ધિમાં આત્માનું જ્ઞાન નથી થવા દેતું, તેથી આ મલિન સત્ત્વના વાસનાપુંજને અવિદ્યા કહેવાય છે. એમાં ઉત્પન્ન થયેલ અને એના નિયંત્રણમાં રહેવાવાળી બુદ્ધિમાં આત્માનું શુદ્ધ રૂપ અનુભૂત નથી થતું.
 
સુષુપ્તાવસ્થામાં આ કોશ સ્પષ્ટ અને અલગ અનુભવમાં આવે છે. એને આનંદમય એટલા માટે કહેવાય છે કે વ્યક્તિની જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં કોઈ પણ દશા હોય, ચાહે તે ધની કે દરિદ્ર હોય, સ્વસ્થ કે અસ્વસ્થ હોય, યુવા કે વૃદ્ધ હોય, એક વાર સુષુપ્તિમાં પહોંચવા અર બધાને એક સમાન અચળ શાંતિ અને સુખનું અનુભવ થાય છે, કારણ કે અન્ય બે અવસ્થાઓમાં પ્રાપ્ત થવાવાળા વિક્ષેપ આ સમયે તિરોહિત (આચ્છાદિત) થઈ જાય છે.
 
આનંદમય કોશનો આનંદ શુદ્ધ આત્માનો આનંદ નથી. અવિદ્યાની ઉપાધિમાં આ પ્રિય, મોદ અને પ્રમોદ રૂપમાં ભાસિત થાય છે. એ સુખની ત્રણ વૃત્તિઓ છે. અહીં આ સ્પષ્ટ કરી દેવું ઉચિત છે કે લૌકિક સુખ વૃત્તિજન્ય છે અને આત્માનું સુખ નિર્વૃત્ત છે. 'પ્રિય-વૃત્તિ' અપ્રાપ્ત વસ્તુના સ્મરણમાં સુખનો અનુભવ કરાવે છે. એ વસ્તુની પ્રાપ્તિ થવા પર જે સુખ મળે છે તેને 'મોદ-વૃત્તિ' કહે છે. પ્રાપ્ત વસ્તુના ઇન્દ્રિય ભોગ થવા પર જે સુખ મળે છે તેને 'પ્રમોદ-વૃત્તિ' કહે છે. બુદ્ધિમાં ઉત્પન્ન થવાવાળી આ વૃત્તિઓ આનંદમય કોશ છે.
 
एतत्कोशपञ्चकम् ।
એતત્કોશપઞ્ચકમ્ ।
 
[ભાવાર્થ]
આ પાંચ કોશ છે.
 
[વ્યાખ્યા]
આ પાંચ કોશ છે જેનાથી આત્મા આવૃત્ત થઈને અજ્ઞાત થઈ ગયી છે. આત્મા પર પહેલું નિકટતમ આવરણ આનંદમય કોશ કે કારણ શરીર છે. તેનાથી તાદાત્મ્ય કરી આપણે સમજીએ છીએ કે સચ્ચિદાનન્દ આત્માનું આપણને જ્ઞાન નથી. એનાથી અનુભવ થવાવાળી પ્રિય, મોદ અને પ્રમોદની વૃત્તિઓનું સુખ જ આપણને ભૂલાવી રાખે છે.
 
આનંદમય કોશ પર બીજું આવરણ બુદ્ધિનું છે. એની સાથે તાદાત્મ્ય કરવા પર આપણે સમજીએ છીએ કે આપણને આ જ્ઞાન છે અને આ જ્ઞાન નથી. આના પર મનનું આવરણ પડવા પર આપણે સુખી, દુઃખી, ક્રોધી આદિ અનુભવ કરીયે છીએ. એના પર ફરી પ્રાણમય કોશનું આવરણ હોવાથી આપણે ભૂખ, તરસ, ચાલવું, ફરવું વગેરેનો અનુભવ કરીયે છીએ. અન્નમય કોશ એના પર અંતિમ આવરણ છે. એમાં સ્થિત થઈને આપણે જાડા, પટલા, રોગી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-શુદ્ર વગેરે સમજીએ છીએ. આત્માના અજ્ઞાનમાં આ બધા ત્રુટિપૂર્ણ અનુભવ થાય છે, જેમ જમીન પર પાનના આવરણ હટાવવા પર ઘાસ દેખાવા માડે છે, એ પ્રકારે આ કોશોથી પરિચ્છિન્ન આત્માનું અનુસંધાન કરવું જોઇએ.
 
>> પંચકોશાતીત
 
मदीयं शरीरं मदीयाः प्राणाः, मदीयं मनश्च मदीया बुद्धिः
मदीयं ज्ञानमिति स्वेनैव ज्ञायते,
तद्यथा मदीयत्वेन ज्ञातं, कटककुंडल गृहादिकं, स्वस्माद् भिन्नं,
तथा पञ्च कोशादिकं, स्वास्माद् भिन्नं
मदीयत्वेन ज्ञातमात्मा न भवति ।
મદીયં શરીરં મદીયાઃ પ્રાણાઃ, મદીયં મનશ્ચ મદીયા બુદ્ધિઃ
મદીયં જ્ઞાનમિતિ સ્વેનૈવ જ્ઞાયતે,
તદ્યથા મદીયત્વેન જ્ઞાતં, કટકકુંડલ ગૃહાદિકં, સ્વસ્માદ્ ભિન્નં,
તથા પઞ્ચ કોશાદિકં, સ્વાસ્માદ્ ભિન્નં
મદીયત્વેન જ્ઞાતમાત્મા ન ભવતિ ।
 
[ભાવાર્થ]
જેમ કટક (લશ્કરની રહેવાની જગ્યા), કુણ્ડલ, ગૃહ આદિ આપણાથી ભિન્ન છે, તેવી જ રીતે મારું શરીર, મારા પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, મારું જ્ઞાન - આ રૂપમાં ભાસિત થતા પંચકોશ આદિ પણ આપણાથી ભિન્ન છે. આ બધું મારું છે તેથી હું (અત્મા) આમાંથી કોઈ પણ નથી.
 
[વ્યાખ્યા]
જ્ઞાત અને જ્ઞેયમાં ભેદ છે. ઘટનો દ્રષ્ટા ઘટથી ભિન્ન હોય છે. તે પોતાને ઘટ નથી સમજતો. તેવી જ રીતે આ ગૃહ મારું છે તો પણ હું સ્વયં ઘર નથી. આ કંકણ અને કુણ્ડણ મારા છે, આ પહેરેલા વસ્ત્ર મારા છે પરંતુ હું આમાંથી કોઈ નથી. આ જ રીતે આ શરીર, આ પ્રાણ, આ મન મારા નથી પરંતુ હું સ્વયં શરીર આદિ નથી. પંચકોશ કે ત્રણ શરીર અને આમાં અનુભવ થવાવાળા ભૂખ-તરસ, રાગ-દ્વેષ વગેરે હું નથી. આ બધું અનાત્મા છું.
 
========= * ========

આત્મા

आत्मा तर्हि कः ?
सच्चिदानन्दस्वरूपः आत्मा ।
આત્મા તર્હિ કઃ ?
સચ્ચિદાનન્દસ્વરૂપઃ આત્મા ।
 
[ભાવાર્થ]
તો પછી આત્મા શું છે.
આત્મા સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
ગ્રંથના આરંભમાં સાધન ચતુષ્ટ્ય સમજાવ્યાં બાદ તત્ત્વવિવેકનું વર્ણન પ્રારંભ કર્યું હતું. ત્યાં કહ્યું હતું કે આત્માનું જ્ઞાન જ તત્ત્વવિવેક છે. ત્યાં આત્માનો પરિચય આપતા કહ્યું હતું કે ત્રણ શરીરોથી પૃથક અને પંચકોશો સિવાય જે ત્રણેય અવસ્થાઓનો સાક્ષી સચ્ચિદાનન્દ સ્વરૂપ છે તે જ આત્મા છે. હવે ત્રણ શરીર, પંચકોશ અને ત્રણ અવસ્થાઓનું વર્ણન કરી આ સ્પષ્ટ કરી દીધું કે આત્મા આમાંથી કોઈ પણ નથી. આત્મા તો સચ્ચિદાનન્દ સ્વરૂપ છે. હવે આત્માના આ જ લક્ષણોનું વર્ણન કરીએ છીએ.
 
सत्किम् ?
कालत्रयेऽपि निष्ठतीति सत् ।
સત્કિમ્ ?
કાલત્રયેઽપિ નિષ્ઠતીતિ સત્ ।
 
[ભાવાર્થ]
સત્ શું છે?
સત્ તે છે જે ત્રણેય કાળોમાં રહે.
 
[વ્યાખ્યા]
વિવેક એ બુદ્ધિ છે જેનાથી સત્ અને અસત્ નો ભેદ જ્ઞાત થાય છે. આત્મા સત્સ્વરૂપ છે. આના જ્ઞાન હેતુ વિવેક હોવું અનિવાર્ય છે. આથી સાધન ચતુષ્ટ્યમાં વિવેકની આવશ્યકતા માનવામાં આવી છે. વિવેક બુદ્ધિથી આપણે સત્ ના લક્ષણો સમજી શકાય છીએ. કેટલાક લોકો જાગ્રત અવસ્થામાં દેખાતી કે ઇન્દ્રિયોથી અનુભવમાં આવવાવાળી વસ્તુઓને સત્ય સમજી લે છે. આ મિથ્યા ધારણા છે. જોવામાં તો સ્વપ્ન પણ દેખાય છે, આકાશ પણ વાદળી અને ગોળ દેખાય છે, મરુસ્થળ (રણપ્રદેશ) માં પણ પાણી દેખાય છે, જાદુગર દ્વારા નિર્મિત હાથી દેખાય છે પરંતુ આમાંથી કોઈ પણ સત્ય નથી, આ બધું આપણે જાણીએ છીએ. આનું મિથ્યાત્વ આનાથી જ સિદ્ધ થાય છે કે સ્વપ્ન આદિમાં જે કઈ પણ દેખાય છે તે એના હોવા પહેલા કે પછી દેખાય નથી દેતું.
 
સત્ય તે જ છે જે ત્રણે કાળોમાં વિદ્યમાન રહે છે. ભૂતકાળમાં જે વસ્તુ હંમેશા હતી, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ ક્યારેય, કોઈ પણ રીતે નષ્ટ નહીં થાય તે જ સત્ છે. માટી અને ઘડાના દૃષ્ટાંતમાં આને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટી ત્રણે કાળોમાં છે, તેથી તે સત્ છે. કુંભારે જ્યારે ઘડો બનાવ્યો ત્યારે ઘડાની ઉત્પત્તિ થઈ, તે પહેલા તે ઘડો નહીં હતો. વર્તમાનમાં તે દેખાય છે પરંતુ ફૂટવા પર તે ફરીથી નહીં રહેશે, તેથી તે અસત્ છે.
 
આત્મા તે વસ્તુ છે જે સમસ્ત જગતની રચના પૂર્વ હતી, હમણાં પણ છે અને જગતના નષ્ટ થવા પર પણ વિદ્યમાન રહેશે. આપણામાં આપણે અનુભવ દ્વારા જોઈ શકીએ છીએ કે ત્રણ શરીરો અને ત્રણ અવસ્થાઓ બદલાઈ રહી છે, તે હંમેશા વિદ્યમાન નથી પરંતુ એ બધાના જ્ઞાતા આપણે સ્વયં હંમેશા વિદ્યમાન રહીએ છીએ. આપણો અભાવ આપણે ક્યારેય નથી કરતા.
 
चित्किम् ?
ज्ञानस्वरूपः ।
ચિત્કિમ્ ?
જ્ઞાનસ્વરૂપઃ ।
 
[ભાવાર્થ]
ચિત્ શું છે.
આ અજ્ઞાન સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
આત્મા ચિત્ સ્વરૂપ છે. આપણે બધા આપણને ચેતન અનુભવ કરીએ છીએ. આ ચેતના આત્માનું લક્ષણ છે. આ ચેતનાના પ્રકાશમાં બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો કોઈ (બધી) વસ્તુઓનું જ્ઞાન ગ્રહણ કરે છે. સુષુપ્તિ કે સમાધિના સમયે આ બધાનું (મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનું) લય થઈ જવા પર પણ ચિત્સ્વરૂપ આત્મા વિદ્યમાન રહે છે. આ સમયે આપણે આપણા જ પ્રકાશમાં આપણી સત્તા અનુભવ કરીએ છીએ. આ ચેતના જ સત્ છે અને સત્ ચિત્સ્વરૂપ છે.
 
आनन्दः कः ?
सुखस्वरूपः ।
આનન્દઃ કઃ ?
સુખસ્વરૂપઃ ।
 
[ભાવાર્થ]
આનંદ શું છે?
આ સુખ સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
આત્મા સુખ સ્વરૂપ છે. આપણી જ ચેતનાથી આપણા નિરપેક્ષ સુખનો અનુભવ થાય છે. આત્મા નિત્ય છે, તેથી એનું સુખ પણ નિત્ય છે. મનમાં અનુભવ થવાવાળા વિષયોનું સુખ પણ વાસ્તવમાં આત્માનું જ સુખ છે. કોઈ વિષયની પ્રાપ્તિથી મનમાં જે ક્ષણિક શાંતિ આવે છે એમાં આત્માના આનંદની ઝલક દેખાય છે. ભ્રમને કારણે આપણે એ વિષયનું સુખ સમજીએ છીએ. પંચકોશોના આવરણ હટાવવા પર આત્માની નિત્યતા, ચેતના અને સુખ સ્પષ્ટ રૂપથી અનુભવ થાય છે.
 
एवं सच्चिदानन्दस्वरूपं,स्वात्मानं किजानीयात् ।
એવં સચ્ચિદાનન્દસ્વરૂપં,સ્વાત્માનં કિજાનીયાત્ ।
 
[ભાવાર્થ]
આ પ્રકારે સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ આપણી આત્માને જાણવું જોઇએ.
 
[વ્યાખ્યા]
આત્માનો અર્થ છે - હું સ્વયં. જે આપણાથી પૃથક નથી, આપણું જ સ્વરૂપ છે તે આત્મા છે. આત્માના લક્ષણ જ મારા લક્ષણ છે. હું સ્વયં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છું. શરીર-મન-બુદ્ધિ અનાત્મા છે. એના આવરણમાં આપણે સ્વયં ખુદને નથી જોઈ રહ્યા. આચાર્યનો આદેશ છે કે આ આવરણોને હટાવી પોતાને જાણવાનો પ્રયાસ કરવો જોઇએ.
 
======== * ========