અધ્યાય ૦૧ - શ્લોક ૧૪

મૂળ શ્લોક: 

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४ ॥

શ્લોક ભાવાર્થ: 

એ પછી સફેદ ઘોડાઓથી જોડાયેલા મહાન રથ ઉપર બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુનને દિવ્ય શંખો ઘણા જોરથી વાગાડ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'ततः श्वेतैर्हयैर्युक्ते' - ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને એક સો દિવ્ય ઘોડા આપ્યા હતા. એ ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઇમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય, તો પણ એ સંખ્યામાં પૂરા સો જ રહેતા હતા, ઘટતા ન હતા. એ પૃથ્વી, સ્વર્ગ વગેરે કોઇ પણ સ્થળે જઇ શકતા હતા. એ જ સો ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા ચાર સફેદ ઘોડા અર્જુનના રથમાં જોડાયેલા હતા.
 
'महति स्यन्दने स्थितौ' - યજ્ઞોમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતાંખાતાં અગ્નિને અજીર્ણ થઇ ગયું હતું. આથી અગ્નિદેવ ખાંડવવનની ખાસખાસ જડીબુટ્ટીઓ ખાઇને (બાળીને) પોતાનું અજીર્ણ દૂર કરવા માગતા હતા. પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવવવનું રક્ષણ થઇ રહ્યું હતું, જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા ન હતા. એ જ્યારેજ્યારે ખાંડવવનને સળગાવતા હતા, ત્યારેત્યારે ઇંદ્ર વરસાદ વરસાવીને એને (અગ્નિને) ઓલવી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને પ્રસન્ન થઇને અર્જુનને આ ઘણો જ મોટો રથ આપ્યો. નવ બળદગાડાઓમાં જેતલાં અસ્ત્રશસ્ત્ર સમાઇ શકે, એટલાં અસ્ત્રશસ્ત્ર એ રથમાં રહી શકતાં. એ સોનાથી મઢેલો અને તેજોમય હતો. એનાં પૈડાં ઘણાં જ મજબૂત અને વિશાળ હતાં. એની ધના વીજળી સમાન ચમકતી હતી. એ ધજા એક યોજન (ચાર ગાઉ) સુધી ફરકતી હતી. એતલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું, એ ક્યાંય અટકતી ન હતી અને વૃક્ષ વગેરેમાં ક્યાંય અટવાતી ન હતી. એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા.
 
'स्थितौ' કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અને એમના વહાલા ભક્ત અર્જુન બિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ઘણં જ વધી ગયું હતું.
 
'माधवः पाण्डवश्चव' - 'मा' લક્ષ્મીનું નામ છે અને 'धव' પતિનું નામ છે. આથી 'माधव' નામ લક્ષ્મીપતિનું નામ છે. અહીં પાંડવ નામ અર્જુનનું છે; કારણકે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે - 'पाण्डवानां धनञ्जयः' (અ. ૧૦/૩૭)
 
અર્જુન 'નર' નો અને શ્રીકૃષ્ણ 'નારાયણ' નો અવતાર હતા. મહાભારતના દરેક પર્વની શરૂઆતમાં નર (અર્જુન) અને નારાયણ (ભગવાન શ્રીકૃષ્ણ) ને નમસ્કાર કરવામાં આવ્યા છે - 'नारायनं नमस्कृत्य नरं चैव नरोत्तमम्' - આ દ્રષ્ટિએ પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન - એ બન્ને મુખ્ય હતા. સંજયે પણ ગીતાના અંતમાં કહ્યું છે કે 'જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અને ગાંડીવધનુષ્યધારી અર્જુન રહેશે, ત્યાં જ લક્ષમી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ રહેશે.' (અ. ૧૮/૭૮)
 
'दिव्यौ शङ्खौ प्रदध्मतुः' - ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા, તે તેજસ્વી અને અલૌકિક હતા. એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા.
 
અહીં શંકા થઇ શકે કે કૌરવપક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું, એ યોગ્ય જ છે; પરંતુ પાંડવસેનામાં મુખ્ય સેનાપરિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણે સૌથી પહેલા શંખ કેમ વગાડ્યો? એનું સમાધાન એ છે કે ભગવાન સારથિ બને કે મહારથિ બને, એમનું અગ્રેસરપણું કદીયે મટી શક્તું નથી. એ કોઇ પણ હોદ્દા ઉપર રહે, છતાં હંમેશાં સૌથી મોટા જ બની રહે છે. કારણ કે એ અચ્યુત છે, કદી ચ્યુત થતા જ નથી. પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હરા. જયારે તેઓ બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ નંદ, ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા. તેથી જ તો તેમણે બાળક શ્રીકૃષ્ણના કહેવાથી પરંપરાગત ચાલી આવતી ઇંદ્રપૂજાને છોડીને ગોવર્ધનની પૂજા કરવાની શરૂઆત કરી. તાત્પર્ય એ છે કે હ્બગવાન જે કોઇ અવસ્થામાં, જે કોઇ સ્થાન ઉપર અને જ્યાં ક્યાંય પણ રહે છે, ત્યાં તેઓ મુખ્ય જ રહે છે. એતલા માટે ભગવાને પાંડવસેનામાં સૌથી પહેલાં શંખ વગાડ્યો.
 
જે પોતે નાનો હોય, તે ઊંચા સ્થાન ઉપર નિમાવાથી તેને મોટો માનવામાં આવે છે. આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે, તે પોતે વાસ્તવમાં નાનો જ હોય છે. પરંતુ જે પોતે મોટો હોય છે, તે ગમે ત્યાં રહેતો હોય, તો પણ તેને લીધે તે સ્થાન પણ મોટું મનાય છે. જેમ કે ભગવાન અહીં સારથિ બન્યા છે, તો એમને લીધે એ સારથિનું સ્થાન (પદ) પણ ઊંચું થઇ ગયું.

શ્લોક માહિતી: 

સંબંધ - આ અધ્યાયના આરંભમાં જ ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? આથી સંજયે શ્લોકથી તેરમા શ્લોક સુધી 'ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપ્યો. હવે આગળના શ્લોકથી સંજય 'પાંડુના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપે છે.